ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા,જેતપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને રજુઆત કરી
જેતપુરથી પસાર થતા નેશનલ હાઈવે રાષ્ટ્રીય રાજમાર્ગમાં પડેલા ખાડા અને ટોલટેકસ ઉઘરાવવાના પ્રશ્ર્ને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા જેતપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન વેગડાએ આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ ના નિર્માણમાં રોડ રસ્તા ના નિયમો અનુસાર દર ત્રણ વર્ષે રીન્યુ કાર્ડ આપેલ હોય છે. ગેરેન્ટી પિરિયડ હોવા છતાં અત્યાર સુધીમાં જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી પેનલ્ટી વસૂલવામાં આવી? અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા તેની વિગતો જાહેર કરવી. નેશનલ હાઈવેના નિયમ અનુસાર કરંટ ટેકનોલોજી પ્રમાણે રોડનું પાંચ વર્ષ માટે મજબૂતીકરણ કરવામાં આવે છે છતાં કયા ટેકનિકલ કારણોસર આ રોડ રસ્તા તૂટી ગયા છે? તેની જવાબદારી કોની? તે જાહેર કરવામાં આવે. વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદનું બહાનું કાઢીને રોડ રિપેર કરવામાં આવતો નથી પરંતુ સમગ્ર દુનિયામાં ઠંડો ડામર વાપરવામાં આવે જ છે. મુંબઈ જેવા મહાનગરમાં પણ બીજા જ દિવસે ડામર કામ થઈ જાય છે તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શા માટે આવી કામગીરી કરવામાં આવતી નથી ? રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ૧૯૫૬ ના નિયમો માં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ નો વિકાસ અને રક્ષણ નું ઉત્તરદાયિત્વ ની જવાબદારી ભારત સરકારની છે.
તો શા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ના જવાબદાર અધિકારી દ્વારા સમયાંતરે રોડ નું નિરીક્ષણ કરી તેનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવતો નથી? કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી? રાષ્ટ્રીય રાજમાર્ગ ને આજની સ્થિતિ સુધી નુકશાન પહોંચાડનાર આ કામના જવાબદાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીની ફરજ બેદરકારી સબબ રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ ૧૯૫૬ ના નિયમ ૮ ખ મુજબ અને ૮ અ ની ઉપધરા (૧) ના જણાવ્યા મુજબ તેમના દ્વારા આ નુકસાની પહોંચાડી હોવાનું સાબીત થાય છે. ત્યારે તેમની સામે દંડાત્મક તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જેવા વગેરે મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.