દસ પોલીસને બે મહિલા સહિત સાત શખ્સો ભારે પડ્યા
મારામારીની તપાસમાં ગયેલા પોલીસ સ્ટાફ પર ટોળું ધાતક હથિયાર અને પથ્થર વડે તૂટી પડ્યું
નામચીન શખ્સના પરિવારજનોએ કાવતરું રચી પોલીસ પર હુમલો કર્યો: બે મહિલા સહિત છની ધરપકડ, એક ફરાર
જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે બે મહિલા સહિત સાત શખ્સો દસ પોલીસ કર્મચારી પર ભારે પડી ગયા બાદ હુમલો કરતા ચકચારી મચી જવા પામી છે. મારામારીની તપાસમાં ગયેલા પોલીસ સ્ટાફ પર અગાઉથી કાવતરું રચીને બેઠેલા ટોળાએ ધાતક હથિયાર અને પથ્થર વડે હુમલો કરતા બે પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ થઈ હતી. નામચીન શખ્સના પરિવારજનોએ કાવતરું રચી પોલીસ પર હિચકારો હુમલો કરનારા બે મહિલા સહિત છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી જતાં તેની શોધખોળ હાથધરી છે.
સામાન્ય રીતે પોલીસની ફરજ છે કે શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જળવાય. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ જ સુરક્ષિત ન હોય તો પછી કોને કહેવુ ? થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ ઘટના ઘટી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે રાત્રીના જેતપુર તાલુકા મથકમાં આરબ ટીંબડી ગામે મારામારી થઈ હોવાની જાણ થતાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નથુભાઈ પરમાર અને કોન્સ્ટેબલ જયસુખભાઇ સોરિયા સહિત દસ પોલીસ કર્મચારી સહિતનો સ્ટાફ આરબ ટીંબડી ગામે દોડી ગયો હતો.
જ્યાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી ઉર્ફે બાવકી મકવાણાને પકડ્યો હતો. તેમને પકડવાની સાથે જ કાજલ બાવનજી ઉર્ફે બાવકી મકવાણા અને ભાવના બાવનજી ઉર્ફે બાવકી મકવાણાએ પોલીસ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. બે મહિલાઓએ હુમલો કર્યાની સાથે જ ત્યાં હાજર ધર્મેશ ઉર્ફે ધમા સહિતના બાવનજી ઉર્ફે બાવકી ગોરધન મકવાણા, રવિ બાવનજી ઉર્ફે બાવકી મકવાણા, જયસુખ ઉર્ફે બાડો બાવનજી ઉર્ફે બાવકી મકવાણા સહિતનાઓ ઘાતક હથિયાર વડે તૂટી પડ્યા હતા.
આ હિચકારા હુમલામાં જેતપુર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સટેબલ સંજયભાઈ નથુભાઈ પરમાર અને કોન્સ્ટેબલ જયસુખભાઇ સોરિયાને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બંને પોલીસ કર્મીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પ્રજાની રક્ષા કરે છે પરંતુ જેતપુરના આરબ ટીંબડી ગામે નામચીન શખ્સ સહિત તેમના પરિવારજનોએ હુમલો કરતા ચકચારી મચી ગઈ છે. પોલીસે બે મહિલા સહિત સાત શખ્સો સામે ખૂની હુમલો, ફરજમાં રૃકાવટ સહિતની કલમ ઉમેરી બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથધરી છે.