આશિષ મહેતા, જેતપુર: રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, અને જન જીવન રાબેતા મુજબ શરૂ થઈ રહયું છે. કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના ઘણા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવામાં આવ્યું હતું. છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી યાર્ડના કામકાજ બંધ હતા. જે હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જેતપુર યાર્ડ આજે 1 મહિના બાદ ફરીથી ધમધમતું થઈ રહ્યું અને, બંધ થયેલ હરાજીઓ ફરી શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં જણસીની આવક અને હરાજીનો ચોક્કસ સમય નક્કી કરવા માં આવેલ છે. જેમાં અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ જણસી લઈને આવવાની રહેશે. જેમાં સોમવારે 3 જણસીમાં તલ, મગ અને ઘઉંનો પાક લઈને આવવાનું રહેશે.
આ રીતે દરેક દિવસે 3 થી 4 જણસી જ લઈને આવવા નું રહેશે. યાર્ડની વ્યવસ્થાને લઈને દરેક દિવસે 3 થી 4 પ્રકારની જણસીને જ યાર્ડમાં લઇ અવવાની છુટ છે. જેને લઈને યાર્ડમાં મર્યાદિત પ્રમાણમાં જણસીની આવક થાય અને મર્યાદિત ખેડૂતો આવે અને મર્યાદિત વેપારીઓ આવે જેને લઈને યાર્ડમાં કોઈ ભીડ જમા ન થાય સાથે સાથે વધુ વેચાતી જણસી જેવી કે ઘઉં, મગફળી, ધાણા, તલ અને મગના વેચાણ માટે ખેડૂતે યાર્ડમાં આવતા પહેલા રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
યાર્ડ શરૂ થતાં જ યાર્ડ દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહયું છે. યાર્ડમાં હરાજી શરૂ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, અને તેમનો પાક વેંચતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. જ્યારે 1 મહિના બાદ યાર્ડના વેપારીઓના ધંધા શરૂ થતાં વેપારીઓ પણ ખુશ જણાતા હતા.