ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો
બાળકી પર ગેંગરેપ કરી મોતને ઘાટ ઉતાર્યાની શંકાએ પોલીસે સાત શકમંદોની પૂછપરછ હાથધરી
જેતપુરના સામાકાંઠે વિસ્તારમાં એક બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં વિટાયેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી જવા પામી છે. સાંજના સમયથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા હત્યાની શંકાએ મોતનું સચોટ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકી પર ગેંગરેપ થયાની શંકાએ પોલીસે 6 થી 7 શકમંદોને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની રિયા નામની અઢી વર્ષની બાળકી સાંજના 5 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન સામાકાંઠા જન કલ્યાણી વિસ્તારમાંથી વસુંધરા પ્રીન્ટની બાજુની ખુલ્લી જગ્યાએ લાકડામાથી બાળકીની પ્લાસ્ટિકની કોથળીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
આ અંગે જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બાળકીની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. અઢી વર્ષની માસૂમ બાળકી રિયાનો પ્લાસ્ટિકની કોથળીમાં વિંટાળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ મૃતક બાળકી ગેંગરેપનો શિકાર બની હોવાની શંકાએ પોલીસે 6 થી 7 શકમંદોની પોલીસ મથકે પૂછપરછ હાથધરી છે.