ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડતાં મકાન ધરાશાયી થતા આઠ દટાયા: પાંચ સારવારમાં
ધારાસભ્ય જયેશ રાદડીયા, એસ.પી. જયપાલસિંહ રાઠોડ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા: રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી કરી
મૃતકોના નામ
(1) જયાબેન રાજુભાઇ મકવાણા (ઉ.વ.પ0)
(ર) મેધના અશોકભાઇ મકવાણા (ઉ.વ.10)
(3) સિઘ્ધી વિક્રમભાઇ સાસડા (ઉ.વ.10)
જેતપુરના ચાંપરાજની બારી પાસે સો વર્ષ જુના કાચી માટીના બનેલ ચારેક મકાન એકસાથે ધરાશયી થયા મકાનના કાટમાળ હેઠળ આઠ વ્યક્તિઓ દબાઈ ગયેલ. જેમને સ્થાનિક યુવાનો તેમજ નગરપાલિકાએ કાટમાળ હટાવી બહાર કાઢી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતાં. તેમાં એક વૃધ્ધા અને બે બાળકીને ડોક્ટરે મૃત જાહેર કરી હતી જ્યારે પાંચ વ્યક્તિઓને નાનીમોટી ઇજા પહોંચી હતી. હજુ અન્ય મકાનો પણ ભયગ્રસ્ત હોય નગરપાલિકા સાવચેતીના પગલાંરૂપે તે મકાનો ખાલી કરાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
શહેરની ચાંપરાજની બારી પાસે દરબારગઢના નીચેના ભાગમાં લગભગ પ0 જેટલા કાચા માટીના મકાનો આવેલ છે. આ મકાનોમાંથી ચારેક મકાન આજે બપોરે એકાએક ધડાકાભેર ધરાશયી થતા ચારેબાજુ દેકારો બોલી ગયો હતો. પ્રથમ તો મકાનો હેઠળ કેટલા લોકો દબાઈ ગયેલ છે તે જ જાણ હતી. પરંતુ સ્થાનિલ યુવાનોએ તરત જ રેસ્ક્યુ હાથ ધર્યું અને એક પછી એક લોકોને બહાર કાઢવા લાગ્યા તેટલામાં નગરપાલિકાનો સ્ટાફ, પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી અને કાટમાળમાંથી બહાર નીકળતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવા લાગેલ. એક પછી એક નાના મોટા થઈ આઠ વ્યક્તિઓને કાટમાળમાંથી કાઢી હોસ્પિટલ મોકલ્યા.
હોસ્પિટલમાં ડોકટર પણ તરત જ ઇજાગ્રસ્તોને સારવાર આપવા લાગ્યા પરંતુ જયાબેન રાજુ ભાઈ મકવાણા , મેઘના અશોક ભાઈ મકવાણા અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટી ગયેલ જ્યારે વંદના અશોકભાઈ મકવાણા, શીતલબેન વિક્રમભાઈ સાસડા, કરશનભાઈ દાનાભાઈ સાસડા, રિદ્ધિ વિક્રમભાઈ સાસડા અને અશોકભાઈ રાજુભાઈ મકવાણા ને નાની મોટી ઇજા પહોંચતા તમામને સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી.
મકાન ધરાશયીના ગંભીર બનાવને પગલે ધારાસભ્ય જયેશ રાદડિયા, એસ.પી. જયપાલસિંહ રાઠોડ, એસડીએમ રાજેશ આલ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મકાન ધરાશયી થવા અંગે સ્થાનિક રહેવાસી દાનભાઈ કાઠીએ જણાવેલ કે, મકાન ઉપરના ભાગના વિસ્તારમાં નગરપાલિકાની પાણીની ટાંકી આવેલ છે જે ટાંકી દરરોજ છલકાઈ અને તેમાંથી દરરોજ પંદર વીસ મિનિટ સુધી પાણીના ધોધ વહે તેટલું પાણી અમારા મકાનો પર આવે છે તેની ફરીયાદ અમોએ અસંખ્યવાર નગરપાલિકામાં કરી છે. તે ટાંકીમાંથી આજે વધારે ધોધથી પાણી વહ્યું ઉપરાંત અઠવાડિયાથી વરસાદ બંને કારણો ભેગા થતા આજે આ મકાન ધરાશયી થઈ ગયું હતું.