સરધારપૂર ગામે અને જેતપૂર શહેરમાં ત્રણ સ્થળેથી મહિલા સહિત ડિગ્રી વગરના તબીબની ધરપકડ
રાજકોટ જિલ્લામાં ચાર સ્થળે ડિગ્રી વગરના ચાર મુન્નાભાઈ એમ.બી.બી.એસને ઝડપી લીધા જેમાં જેતપૂર તાલુકાના સરધારપૂર ગામે અને જેતપૂર શહેરમાં મહિલા સહિત ત્રણ શખ્સો ડિગ્રી વગરના દવાખાના ચલાવતા લોકોની જીંદગી સાથે ચેડા કરતા ચારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ડિગ્રીવગર દવાખાના ધમધમતા હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને મળેલી માહિતીના આધારે આપેલી સુચનાને પગલે જેતપૂર તાલુકાના સરધારપૂર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની પીએસઆઈ આર.એલ. ગોયલને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જેતપૂરના દેશાઈ વાડી શિવ શકિત એપાર્ટમેન્ટમાં રહેતા મહીપત રણછોડ દેવમુરારી નામના શખ્સને ઝડપી લઈ એલોપેથીક દવા અને તબીબ સાધનો મળી આવતા કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જયારે જેતપૂર શહેર પી.એસ.આઈ. બી.એ. પરમાર સહિતના સ્ટાફે જેતપૂર દેશાહવાડી વિસ્તારમાં રહેતો અજય મહિપત દેવમુરારી જૂના, પાંચ પીપળા રોડ પર રહેતા વિજય મહેન્દ્રભાઈ છાટબાર અને ભોજાધાર વિસ્તારમાં રહેતા જસુમતીબેન રમેશ સોલંકી દ્વારા ડીગ્રી વગર તબીબ વ્યવસાય કરી માનવ જીંદગી સાથે ચેડા કરતા ત્રણેયની ધરપકડ કરી એલોપેથી દવા અને તબીબી સાધનો કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.