જેતપુરની જીઆઇડીસીના કારખાનાઓનું કેમીકલ યુક્ત પાણી કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ કર્યા વગર વોકળા દ્વારા ભાદર નદીમાં વહાવી વરસાદી તાજા પાણીથી વહેતી નદીને ફરી પ્રદુષિત કરી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી પ્રદુષણ ફેલાવતા એકમો સામે પગલાં ભરવાની માંગ કરી હતી.ચાલુ વર્ષે સારા વરસાદને કારણે ભાદર નદીમાં એટલીવાર વરસાદી શુદ્ધ પાણી આવ્યું કે વર્ષોથી નદીમાં જમા સાડી ઉદ્યોગનું કેમીકલ યુક્ત પાણી અને બધો કદડો વહીને પોરબંદરના દરિયામાં પહોંચી ગયો છે. અત્યારે ભાદર નદીને પુલ પરથી જુઓ તો એકદમ સ્વચ્છ અને નિર્મળ જળ નજરે પડે છે.
આવું ચોખ્ખું પાણી પ્રદુષણ માફિયાઓ જોય શકતા ન હોય તેવા દ્રશ્યો ફરી નદીમાં જોવા મળી રહ્યા છે. જેમાં શહેરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ જીઆઇડીસીના કારખાનાઓના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી કેમીકલ યુક્ત પાણી શુદ્ધ કરીને છોડવાને બદલે વોકળા મારફતે છોડી રબારીકા રોડ પર આવેલ ગટરની નીચે વિશાળ ભૂંગળા નાખીને ભાદર નદીમાં વહાવી દેવા આવતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કરી આવું કેમીકલ યુક્ત પાણી ફરી છોડવાથી ખેડૂતોને નદીના પાણીથી ખેતીની આશા જાગી હતી તેના પર પાણી ફરી વળ્યું હોવાનું જણાવી જીઆઇડીસીના પ્રદુષણ સામે તાત્કાલિક આકરા પગલાં ભરવાની માંગ કરી હતી.