મૃતક દયાબેન સરીયાએ આપઘાત પૂર્વે કરેલા વોટસએપ ચેટીંગના પોલીસ પાસે પુરાવા હોવાના કોળી સેના દ્વારા રજુઆત: આંદોલનને રાજય વ્યાપી બનાવવા ચીમકી
જેતપુરના મહિલા કોન્સ્ટેબલના આપઘાતના છ દિવસ બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરી ન હોવાથી મૃતકના મોબાઈલમાંથી ત્રણ પોલીસમેન સાથે વોટસએપ ચેટીંગને પુરાવો ધ્યાને લઈ ગુનો નોંધવા ક્ષત્રીય કોળી સેના દ્વારા માગ કરી છે. આપઘાતની ફરજ પાડનાર પોલીસમેન સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો કોળી સમાજ દ્વારા રાજય વ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.
જેતપુર મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં આજે ક્ષત્રિય કોળી સેનાના પ્રમુખે મૃતક દયાબેન સરીયાએ ત્રણ કોન્સ્ટેબલો ત્રાસના કારણે આપઘાત કર્યાના મોબાઈલના ચેટ જાહેર કર્યા હતાં. અને પુરતા પુરાવા હોવા છતાં આરોપી પોલીસ કોન્સ્ટેબલોની તપાસનીશ અધિકારી છાવરતા હોવાના આક્ષેપ કર્યા હતાં. આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
છ દિવસ પૂર્વે મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ પોલીસ લાઈનમાં તેમના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનું આરોપીઓના નામ સાથેનું નિવેદન અને આવેદન બંને પોલીસને આપ્યું છતાં હજુ કોઈ સામે પોલીસે ગુન્હો નોંધ્યો નથી. જેથી તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે આજે ક્ષત્રિય કોળી સેનાના પ્રમુખ જયેશજી ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી મૃતકની આરોપીઓ સાથે ચેટ જાહેર કરી હતી.
આ ચેટમાં કોન્સ્ટેબલ અભયસિંહ તેણી ઉપર શંકા કરતો હોવાની અને બીજા કોન્સ્ટેબલ મનદીપસિંહ સાથે કેમ વાત કરી તેવા મેસેજના પ્રત્યુતરમાં દયાબેન પોતે કામસર વાત કરી હોવાનો બચાવ કરે છે. છતાં શંકા કરતા અભયસિંહને તું,વિપલો, મનદીને બીજા જે હોય એને હું નફરત કરું છું બધાયને, હવે હું મરી જઈશ તેવા મેસેજ કરી છતમાં પંખા સાથે ચૂંદડી બાંધેલ ફાંસો તૈયાર ફરેલ ફોટો મોકલી અલવિદા કહે છે. જ્યારે મોબાઈલમાં વિપુલ સેવ કરેલ નામમાં આઈ હેટ યુ હવે કેજો કે તું આમ હતી તેમ હતી, મારા મર્યા પછી મોઢું જોવા પણ આવતા નહીં તેવો મેસેજ કરી તેને પણ આપઘાત કરવા માટેના ગાળીયાનો ફોટો મોકલ્યો હતો.
આ તમામ ચેટ દયાબેને આપઘાત કર્યો બાદમાં એક પોલીસ કોન્સ્ટેબલે જ તેના મોબાઈલમાં ફિંગર લોક હોય તેણીનો અંગૂઠો મોબાઈલ પર રાખી લોક ખોલી તેણીના મોબાઈલમાં બે ટકા જેટલી જ બેટરી હોવાથી ચેટનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. અને તે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીને આપેલ છે. એટલે કે પોલીસ પાસે પેલાંથી જ પુરાવા છે
અને પોલીસ મોબાઈલ લોક હોવાના ખોટા બહાના કરી ગુન્હેગાર કોન્સ્ટેબલોને બચાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. આ પુરાવા બાદ પણ ગુન્હો નોંધવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતના તમામ શહેરમાંથી કોળી સમાજ દ્વારા આવેદન આપી આંદોલન કરવામાં આવશેની ચીમકી આપી છે.