જેતપુરના ખોડપરા વિસ્તારમાં સુભાષ ચોકમાં રહેતા ધોબી યુવાને પત્નીની સારવાર માટે કાઠી શખ્સ પાસેથી આઠેક માસ પહેલાં એક લાખ વ્યાજે લીધા બાદ સમયસર વ્યાજ ચુકવી ન શકતા ત્રણ શખ્સોએ ત્રિકમના હાથાથી માર મારી પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા યુવાનને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પત્નીની બીમારીની સારવાર માટે એક લાખ વ્યાજે લીધા તા: ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના સુભાષ ચોકમાં રહેતા અને ધોબી કામ કરતા દિલીપભાઇ પ્રેમજીભાઇ સોલંકી નામના યુવાનની પત્ની ઇન્દુબેન બીમાર હોવાથી જેતપુરના દેનવકુભાઇ કાઠી પાસેથી આઠેક માસ પહેલાં એક લાખ વ્યાજે લીધા હતા.
છેલ્લા બે-ત્રણ માસથી વ્યાજ સમયસર આપી ન શકતા દેવકુભાઇ કાઠી બે અજાણ્યા શખ્સો સાથે દુકાને આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રિકમના હાથાથી માર માર્યાની અને ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ આર.એ.વકાતર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.