પોલીસે અસામાજીક શખ્સો સામે કાર્યવાહી કરવાના બદલે વેપારીની દુકાનો બંધ કરાવી
જેતપુરના અમરનગર રોડ પર ગતરાત્રીના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને સામસામે હથિયારો પણ તણાઈ ગયા પરંતુ ખરા સમયે પોલીસ પહોંચીને હળવો લાઠીચાર્જ કરતા મોટી માથાકૂટ થતી સહેજમાં અટકી ગઈ હતી. પરંતુ પોલીસ દોષીતો પર પગલાં લેવાને બદલે બઝારો બંધ કરાવી દેતા વેપારીઓમાં રોષ ફેલાઇ ગયો હતો.
જેતપુર શહેરમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખસ્તા હાલ થઈ ગઈ છે. થોડા દિવસ પેલા જૂનાગઢના બુટલેગર અને જેતપુરના બુટલેગર વચ્ચે માથાકૂટ સર્જાય ત્યારે રાત્રીના સમયે શહેરના તીનબતી ચોક વિસ્તારમાં હજારથી બે હજાર લોકો એકઠા થઇ ગયા હતાં. જેમાં પોલીસનો કાફલો પહોંચી બંને જૂથને અલગ કરાવી બઝારો બંધ કરાવી દીધી હતી. અને ગતરાત્રીના શહેરના અમરનગર રોડ પર બે જૂથ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થયેલ અને થોડીઘણી હાથપાઇ થઈ હતી. અને બંને જૂથોએ હથિયારો સજાવીને મોટી માથાકૂટ કરે તે પહેલાં જ પોલીસ સ્થળ પર પહોંચી હળવો લાઠીચાર્જ કરી બંને જૂથને વિખેરી નાંખ્યા હતાં. અને ત્યારબાદ ફરીથી બઝારો બંધ કરાવી દીધી હતી.
પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ભાંગતા અસામાજિક તત્વો પર પગલાં ભરવાને બદલે બઝારો બંધ કરાવતા વેપારીઓમાં રોષ ફેલાઈ ગયો છે. અને આ વેપારીઓએ ચેમ્બર્સ ઓફ કોમર્સને ફરીયાદ પણ કરી છે. આ અંગે વેપારીઓએ જણાવેલ કે પોલીસે કાયદો તોડતા તત્વોને પાઠ ભણાવવાને બદલે વેપારીઓના ધંધા રોજગાર બંધ કરાવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય.