યુવક વેલ્ડીંગની દુકાને છકડો રીક્ષાનું રીપેરીંગ કરાવતો હતો ત્યાં મિત્રએ છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો : ઘટના સીસીટીવીમાં કેદ
જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યાના અને મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગઈકાલે રબારીકા રોડ પર એક છકડો રીક્ષા ચાલક રબારી યુવાન વેલ્ડીંગની દુકાને છકડો રીક્ષાનું રીપેરીંગ કરાવતો હતો ત્યારે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલીયાશ અમીનભાઇ શેખ નામનો શખ્સ ત્યાં છરી સાથે બાઇક ઉપર ધસી આવ્યો હતો અને છકડો ચાલક યુવાનને છરીના અસંખ્ય ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવ પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જતા હત્યારો ત્યાંથી નાશી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાને પકડવા તજવીજ હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ શહેરના રામૈયા હનુમાન મંદિર નજીક રહેતો અને છકડો રીક્ષા ચલાવતો દેવાભાઈ સીદાભાઈ રાઠોડ (ઉ.વ. 45) નામનો રબારી યુવાન રબારીકા રોડ પર આવેલ એક વેલ્ડીંગની દુકાને પોતાની છકડો રીક્ષાનું રીપેરીંગ કરાવતો હતો. ત્યારે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલીયાશ બાઇક ઉપર છરી સાથે ધસી આવ્યો હતો અને ‘તારે મારી પત્ની સાથે બોલવું નહિ’ તેમ કહી નેફામાંથી છરી કાઢી અસંખ્ય ઘા ઝીંકી દેવાભાઇની કરપીણ હત્યા કરી ત્યાંથી નાશી ગયો હતો. આ ઘટના ત્યાં નજીકમાં રહેલી દુકાનની સીસીટીવીમાં કેદ થઇ હતી. જાહેરમાં બનેલી આ ઘટનામાં લોકો મૃતકની મદદે આવે તે પહેલા હત્યારો આડેધડ છરીના અશંખ્ય ઘા ઝીંકી ત્યાંથી બાળકોને સાથે લઇને ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ હત્યારાને પકડી પાડવા શોધખોળ હાથધરી છે.