શેરબજારમાં રોકાણ કરી વધુ વળતર અપાવવાની લાલચ દઇ મિત્રએ પિતા-પુત્ર સાથે વિશ્ર્વાસઘાત કર્યો
જેતપુરના કેનેડા સ્થીત યુવક અને તેના પિતાને શેર બજારમાં રોકાણ કરાવી વધુ વળતર અપાવવાની લાલચ દઇ અમદાવાદના દંપતીએ રુા.36 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોીલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરની કોરડીયાવાડી નજીક ગાયત્રી મંદિર પાસે રહેતા સુરેશભાઇ કલ્યાણજીભાઇ પોશીયાએ અમદાવાદની વિજય પાર્ક સોસાયટીમાં રહેતા અક્ષય અનિષ પટેલ અને તેની પત્ની ક્રિષ્ના પટેલે શેર બજારમાં રોકાણના બહાને રુા.36 લાખની છેતરપિંડી કર્યાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેશભાઇ પોશીયાનો પુત્ર ઉદય પોશીયા અમદાવાદ અભ્યાસ કરતો હતો ત્યારે તેના પરિચયમાં અમદાવાદનો અક્ષય અનિષ પટેલ આવ્યો હતો.
બંને વચ્ચે મિત્રતા હતી છેલ્લા ચારેક વર્ષથી ઉદય પોશીયા કેનેડા કામ ધંધા માટે ગયો હતો પરંતુ મિત્ર અક્ષય પટેલ સાથે ટેલિફોનીક વાતચીત થતી હતી.
અક્ષય પટેલે પોતે શેર બજારનો જાણકાર હોવાનું અને શેર બજારમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેમ કહી રુા.25 લાખનું રોકાણ કરાવી નફાના 60 ટકા આપવાનું નક્કી કર્યા બાદ પોતાને ત્યાં ઇન્કમટેકસની તપાસ ચાલુ હોવાનું કહી નફો અને મુળ રકમ ન આપી અક્ષયે પોતાના બેન્ક ખાતામાં 4 કરોડ ઇન્કમટેક્ષ વિભાગે ફ્રીઝ કર્યાનું કહ્યું હતું. તેની પત્ની કિષ્ના પટેલે કેનેડા ઉદય સાથે મોબાઇલમાં વાત કરી રુા.10 લાખની મદદ કરો એટલે તેમના 4 કરોડ બેન્કમાંથી છુટા થઇ શકે તેમ હોવાનું કહી વધુ દસ લાખ મળ્યા બાદ રુા.36 લાખ પરત ન આપી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જેતપુર પોલીસ મથકના પી.એસ.આઇ. વી.સી.પરમાર સહિતના સ્ટાફે અક્ષય પટેલ અને તેની પત્ની ક્રિષ્ના પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.