કાળજી કાંપી જાય, ગોંધી રાખી ફક્ત બે ટાઇમનું ભોજન આપી બાળ મજૂરી કરાવતા પાંચ કારખાનાના સંચાલકો સામે ફરિયાદ
જેતપુર શહે2ના નવાગઢ વિસ્તારમાં આવેલ સાડીઓની ઘડી ઇસ્ત્રીનું કામ કરતા કેટલાક કારખાનાઓમાં બાળમજૂરો રાખવામાં આવતા હોવાની બાળકોને બાળ મજૂરીમાંથી બચાવતી એક સંસ્થાને બાતમી મળી હતી. આ બાતમીને આધારે આ સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી નવાગઢ વિસ્તારમાં ત્રણ જુદા જુદા 5 કારખાનાઓમાં છાપો મારતા બાળ મજૂરીની કાળી બાજુ બહાર આવી હતી. આ કારખાનાઓમાં યુપી, બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરી કામ માટે લાવવામાં આવતા. અને છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનું ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી.
બાળમજૂરો જાતે પોતાની વિતકકથા કહેતા પોલીસે ત્રણેય કારખાનેદારો જેમાં નવાગઢના અનાજના ગોડાઉન પાસે આવેલ શમ્સ આલમ ફીનીશિંગ કારખાનામાંથી 21 જેટલા બાળમજૂરો, નવાગઢ ઉત્તર દરવાજા પાસે આવેલ કાજલ ફિનીશીંગમાંથી 5 બાળકો અને નીતા ફિનીશીંગમાંથી 3 બાળમજૂરો મળી આવતા તેઓને મુક્ત કરાવ્યા હતાં. અને આ તમામ બાળમજૂરોને સીટી પોલીસ સ્ટેશને લાવી તમામનો કોવિડ ટેસ્ટ કરાવીને રાજકોટ બાળસુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવશે. અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે.
આ કારખાનાઓના માલીકો જેમાં શમ્સઆલમ ફિનીશીંગના શમ્સ તરબેઝ અને ઠેકેદાર પપ્પુભાઈ, કાજલ ફિનીશીંગના પરસોત્તમભાઇ ગોરધનભાઇ ઢોલરીયા અને ઠેકેદાર અનિલ પાસવાન તેમજ નીતા. ફિનીશીંગના નિસર્ગ કિરીટભાઈ પટેલ અને ઠેકેદાર અમિત કુમાર પાસવાન સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.