જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં નામચીન બુટલેગરને ત્યાં ડીવાય.એસ.પી.એ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂ અંગે દરોડો પાડતા ફરજમાં બેદરકારી દાખવતા બે હેડ કોન્સ્ટેબલને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એલસીબીને હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બદલી કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડાબલીના પંચદેવ કૃપા નામના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો1 છુપાવવામાં આવ્યાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. સાગર બાગમારે જેતપુર સિટી પોલીસ અને એલસીબીને અંધારામાં રાખી વિદેશી દારૂ અંગે દરોડો પાડતા રૂા.22.47 લાખની કિંમતના 9,847 બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

જેતપુર સિટી પોલીસ અને એલસીબી સ્ટાફને અંધારામાં રાખી વિદેશી દારૂ અંગે દરોડો પાડતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ જેતપુર સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભાવેશ ચાવડા અને બીટના હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ ગોહેલને તાકીદની અસરથી જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે એલસીબીના સંજય નટુભાઇ પરમારને હેડ કવાર્ટર અનૈ નારણભાઇ કરશનભાઇને જેતપુર સિટી પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.