BPL કાર્ડમાં મળતી સહાયથી જીવતા જીવન: સરકાર દ્વારા નથી કોઈ સહાય કે નથી પેન્શન: આજના નેતાઓને શિખ લેવા જેવું જીવન
આજના યુગમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીત મેળવનારા ઉમેદવારો પાંચ વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરે છે ત્યારે ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ આજની તારીખે પણ બીપીએલ ધારાસભ્ય તરીકે જીવન ગુજારી રહ્યા છે પાંચ દીકરાઓ તેમજ પાંચ પુત્રવધૂઓનો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે ત્યારે સમગ્ર જીવન નીતિમત્તા,ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા અપાતા બી.પી.એલ કાર્ડનો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે ત્યારે ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઈ રાઠોડની નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે તેમને સમગ્ર જીવન પ્રજાની સેવા માટે વ્યતિત કર્યું છે
સાબરકાંઠા જીલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદીથી આજ દિન સુધી કેટલાય ધારાસભ્યો મેળવી ચૂકી છે જોકે સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ રાઠોડનું નામ વિશેષ રીતે જાણીતું છે જેઠાભાઈ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બી.પી.એલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે 1967 થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઈ રાઠોડ સાઈકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્મા થી ગાંધીનગર જતા હતા.
દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવો તેમજ રસ્તાઓના કામને પ્રાધાન્ય આપ્યું હતું જેને લોકો આજે પણ યાદ રાખે છે આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઈકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુ:ખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા નથી કોઈ સહાય મળી કે નથી પેંશનનો લાભ આવા ધારાસભ્યની આજના નેતાઓએ શીખ લેવાની જરૂર છે એક તરફ ધારાસભ્યો માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો તો બીજી તરફ જે તે સમયે અદાલતમાં જઈ ન્યાય મેળવવાની ગુહાર લગાવતા નિર્ણય પણ તેમના પક્ષે આવ્યો હોવા છતાં આજદિન સુધી પેન્શન મળી શક્યું નથી સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્યની આજે પોતાની પરિસ્થિતિ સામે જોવા માટેનો પણ સમય સરકાર પાસે નથી જો કે ધારાસભ્યનું માનીએ તો પાંચ દીકરા અને પાંચ પુત્રવધૂઓ મજૂરી કરી આજે તેમનું જીવનનિર્વાહ ચલાવે છે.
આજની તારીખે એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નેતાઓની કમાણી પાંચ વર્ષમાં લાખોની સંપત્તિ બની જાય છે જ્યારે બીજી તરફ પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરનારા આ ધારાસભ્ય પાસે આજની તારીખે બીપીએલ રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલું મકાન એજ તેમની મૂડી છે ત્યારે પ્રમાણિકતા અને નિષ્ઠા કેટલા અંશે જેઠાભાઈ રાઠોડના જીવનમાં સફર બની રહે છે તે હવે જોવું રહ્યું.