જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલએ સોમવારે બોર્ડની સદસ્યતામાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે નરેશ ગોયલ જેટ એરવેઝના ટોચના પ્રમોટર્સમાંના એક હતા. નરેશે અગાઉ પણ રાજીનામું આપવાની વાત કહી હતી. તેઓએ કટોકટી વચ્ચે કર્મચારીઓને લાગણીશીલ પત્ર પણ લખ્યો હતો. પત્રમાં નરેશે જણાવ્યું હતુ કે તેઓ કોઈપણ બલિદાન માટે તૈયાર છે.
નરેશ ગોયલના ગયા પછી જેટના ધિરાણકર્તા સંગઠનના સભ્ય તેમનો 51 ટકા હિસ્સાને એરલાઇન્સમાં મેળવી શકે છે. તે પછી, આગામી અઠવાડિયામાં નવા ખરીદદારો માટે શોધ શરૂ કરવામાં આવશે. નરેશ ગોયલ પછી સીઇઓ વિનય દુબે જેટ એરવેઝને કટોકટીમાંથી બહાર કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
બીજી તરફ ખબર એ છે કે જેટ એરવેઝને કટોકટી ભંડોળ મળવાનો પણ રસ્તો મળી ગયો છે. જેમાં પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી 25 વર્ષ જુની આ એરલાઇન્સને પ્રાથમિકતા પર ભંડોળ આપવામાં આવશે. ધિરાણકર્તા સંગઠન દ્વારા પ્રાથમિકતા પર ફંડ મળવા પર જેટ એરવેઝને મદદ મળશે. જ્યાં સુધી કંપનીને બચાવવાનો કોઇ પ્લાન નથી મળી જતો ત્યાં સુધી તે ચાલતી રહેશે.
જેટ એરવેઝ પર કુલ 26 બેંકોનું દેવું છે. તેમાં કેટલીક ખાનગી અને વિદેશી બેંકો પણ સામેલ છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં કેનેરા બેન્ક, બેંક ઓફ ઇન્ડિયા, સિંડિકેટ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. હવે આ સૂચિમાં એસબીઆઈ અને પી.એન.બી. નું નામ ઉમેરવામાં આવશે. એરલાઇન્સ પર આશરે 8 હજાર કરોડની લોન છે. જેટના પાઇલોટ્સ પહેલાથી જ અલ્ટીમેટમ આપી ચૂક્યા છે કે 31 માર્ચ સુધી તેમના પગારની ચૂકવણી કરવામાં નહી આવે તો તેઓ કોઈ ફ્લાઇટ ઉપડવા દેશે નહીં.