- જેમિમાહના 102 રન, હરલીન દેઓલના 89 રન, સ્મૃતિ મંધાનાના 73 રન અને પ્રતિકા રાવલના 67 રનની મદદથી ભારતે 370 રનનો તોતીંગ જૂમલો ખડકયો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી બીજી વનડેમાં આયર્લેન્ડની ટીમને 116 રને પરાજય આપી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ વનડે મેચની શ્રેણી જીતી લીધી છે. જેમિમાહ રોડ્રિગ્સે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદીની પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ત્રણ બેટરોએ શાનદાર અર્ધી સદી ફટકારી હતી.
બીજી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમિમાહ રોડ્રિગ્સે 91 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 102 રન ફટકાર્યા હતા આ તેની વનડે ક્રિકેટ કારકીર્દીની પ્રથમ સદી હતી આ ઉપરાંત હાર્લીન દેઓલના 84 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 89 રન, સુકાની સ્મૃતિ માંધાનાના 54 બોલમાં 10 ચોગ્ગા અને 2 સિકસરની મદદથી 73 રન અને પ્રતિકા રાવલના 61 બોલમાં 8 ચોગ્ગા અને એક સિકસરની મદદથી 67 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 370 રનનો તોતીંગ જૂમલો ખડકયો હતો.
પ્રમાણમાં નબળી મનાતી આયર્લેન્ડની મહિલા ટીમે પણ સારી એવી ફાઈટ આપી હતી. 371 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી આયર્લેન્ડની ટીમે કલ્ટર રેલીના 80 રન, સરહ ફાઈર્સના 38 રન, લોરા ડેલેનીના 37 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 254 રન બનાવી શકી હતી. બીજી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો 116 રને શાનદાર વિજય થયો હતો. ત્રણ વનડે મેચની શ્રેણીની પ્રથમ બે વનડે મેચ જીતી ભારતે શ્રેણી ફતેહ કરી લીધી છે.
ટુર્નામેન્ટની ત્રીજી અને આખરી વનડે આગામી બુધવારે રમાશે. રાજકોટના આંગણે પ્રથમવાર મહિલા ટીમો વચ્ચે આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાઈ રહ્યો હોય ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો હોય પ્રેક્ષકોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે.