‘ગુજકોક’ ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી અપાતા પ્રધાનમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રીની ઈચ્છા શક્તિને વંદન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બીલ (ગુજકોક) ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઇચ્છાશક્તિને વંદન કર્યુ હતુ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજકોક કાયદાને મંજુરી મળતા ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુરક્ષા-સલામતી વધુ સુનિશ્ચિત થશે અને સુરક્ષિત ગુજરાત વધુ સુરક્ષિત બનશે. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજકોકના અમલમાં આવ્યા બાદ આકરી સજા મળશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતીઓની સુરક્ષા માટે કટિબધ્ધ છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારીમાં ન જોડાવવાનો સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઇને ફરી એકવાર સાબિત કર્યુ છે કે તેમના માટે દેશહિત જ સર્વોપરિ છે. આ નિર્ણયથી દેશના ખેડુતો, પશુપાલકો, લઘુ અને મધ્ય ઉદ્યોગ, દૂધ-ડેરી ઉદ્યોગ તથા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, બીનજરૂરી આયાત અટકશે તથા ડેટા સુરક્ષા વધશે. ભાજપા માટે સત્તા એ ભોગવિલાસનું સાધન નહી પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરિ માની ભારતને વધુ સમર્થ અને શક્તિશાળી બનાવવાના મહાયજ્ઞમાં સહભાગી થવાનું માધ્યમ છે.
વાઘાણીએ મહા વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપાના સૌ કાર્યકર્તાઓને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી પ્રભાવિત વિસ્તારની જનતાને સંભવ દરેક સહાય પૂરી પાડવા તથા આપત્તિની આ ઘડીમાં સાથી નાગરિકો સાથે અડિખમ ઉભા રહેવા માટે અપીલ કરી હતી.
વાઘાણીએ મહા વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને ઉચાટમાં ન આવવા માટે અનુરોધ કર્યો હતો તથા અફવાઓ ઉપર ધ્યાન આપ્યા સિવાય પ્રશાસન દ્વારા અપાયેલ સૂચનોનો અમલ કરવા પ્રભાવિત વિસ્તારના રહીશોને વિનંતી કરી હતી અને ગુજરાત આખુંય સાથે મળીને કુદરતી પડકારની આ સ્થિતિને પહોંચી વળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.