બે કે તેથી વધુ વિદ્યાર્થીઓના પર્સન્ટાઈલ સરખા હશે તો મેથ્સ, ફિઝિકસ, કેમેસ્ટ્રીના પર્સન્ટાઈલને પણ જોડાશે
એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે હવે આનંદના સમાચાર છે. જેઈઈ મેઈનનું મેરિટ સ્કોર નહીં પરંતુ હવે પર્સન્ટાઈલના આધારે બનાવાશે. એન્જીનિયરીંગ કે આઈટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ હવે મેરિટ સ્કોર પર નહીં પરંતુ પર્સન્ટાઈલના આધારે મળશે.
આ પરીક્ષા બે તબકકામાં યોજાશે. જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૧૯માં આ પરીક્ષાઓ યોજાશે. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી સહિત એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે બે બદલાવ થશે. એક બદલાવ તો રેકિંગના આધારે જયારે બીજો પરીક્ષાનું માધ્યમ અને ફોર્મેન્ટ હશે.
અગાઉ રેકિંગ માટે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલા ગુણને આધાર બનાવાતો હતો પરંતુ હવે પર્સન્ટાઈલને આધાર બનાવવામાં આવશે. બીજી તરફ પરીક્ષાની વાત કરવામાં આવે તો પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) વર્ષમાં બે વાર તેનું આયોજન કરશે. પરીક્ષા લાંબા દિવસો સુધી ચાલશે અને પ્રત્યેક દિવસે નવી સત્ર હશે.
૨૦૧૯માં જેઈઈ મેઈનની પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે અને પરીક્ષાનું આયોજન વર્ષમાં બે વાર થશે. વિદ્યાર્થીઓ પાસે બે માંથી એક પરીક્ષામાં બેસવાનો વિકલ્પ હશે. બંને વખતે પરીક્ષા ૧૪ દિવસ સુધી ચાલશે. આ પ્રકારની વ્યવસ્થા દ્વારા પરીક્ષામાં થતી ચોરી અને ગડબડને ઘણા ખરા અંશે રોકી શકાશે.
પરીક્ષાના ફોર્મેટ વિશે જણાવતા એનટીએના એક અધિકારીએ કહ્યું કે, દરેક સેશનમાં વિદ્યાર્થીઓને સવાલોના અલગ સેટસ મળશે. આ ઉપરાંત દરેક સેશનમાં અઘરા પ્રશ્નો પુછવામાં આવશે તો કોઈ સત્રના પ્રશ્નપત્રમાં આસાન સવાલો પુછાશે.
દરેક સેશનમાં પર્સન્ટાઈલ સ્કોર એ ખાસ સેશનમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન મુજબ હશે. અધિકારીએ જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓને અઘરા તો કેટલાકને સહેલા સવાલો પુછવામાં આવશે. જેનાથી તેમનો સ્કોર ઓછો પણ થઈ શકે છે. સ્કોરના આધાર પર નોર્મલાઈજેશન પ્રક્રિયાનો ઉપયોગ થશે.
જેને કારણે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય. એચઆરડી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં અંડર ગ્રેજયુએટ એમબીબીએસ ટેસ્ટ માટે પણ પર્સન્ટાઈલ સ્કોરના આધાર પર મેરિટ પ્રક્રિયા થાય છે તેવી જ રીતે એનટીએ સ્કોર સુધી પહોંચાડશે.
જેઈઈ મેઈનમાં વિદ્યાર્થીઓના રેકિંગ માટે એનટીએ સ્કોરનો સહારો લેવાશે. એન્ટીએ સ્કોર બધી પરીક્ષા પઘ્ધતિમાં આયોજીત પરીક્ષાના પર્સન્ટાઈલ સ્કોરમાં જોડીને મેરિટ તૈયાર થશે અને જો બે કે તેથી વધુ વિદ્યાર્થીઓના પર્સન્ટાઈલ સરખા હશે તો તેમનું મેથ્સ, ફિઝિકસ, કેમેસ્ટ્રીમાં વધારે પર્સન્ટાઈલ હશે તેને મેરિટમાં સામેલ કરાશે.