જેઈઈ એડવાન્સ પરીક્ષાનું શેડ્યુલ પણ જાહેર કરી દેવાયું: 4 જૂને બે શિફ્ટમાં લેવાશે પરીક્ષા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા જેઈઈ મેઈન્સના બીજા સત્રનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવા માટેની લિંક ઓફિશિયલ વેબસાઈટ પર એક્ટિવ પણ કરી દેવામાં આવી છે. ઉમેદવારો એનટીએ જેઈઈની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેમનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. હાલ જે રીતે આંકડા મળી રહ્યા છે તે મુજબ કુલ 9.20 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જે પૈકી અંદાજિત 2.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાઈ કર્યું છે.
આ વર્ષે જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા 4 જૂને યોજાવાની છે. તેના બે પેપર બે અલગ-અલગ શિફ્ટમાં હશે. જેઈઈ એડવાન્સનું પહેલું પેપર સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે. જ્યારે તે જ દિવસે બીજુ પેપર બપોરે 2:30 થી 5:30 દરમિયાન લેવામાં આવશે.
જેઈઈ મેઈન પ્રોવિઝનલ આન્સર કી પર ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ચેલેન્જ વિષય નિષ્ણાંતોની પેનલ દ્વારા ચકાસવામાં આવી હતી. જો કોઈપણ ઉમેદવાર દ્વારા ચેલેન્જ સાચી જણાય, તો આન્સર કી સુધારી દેવામાં આવી છે અને ફાઈનલ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અંતિમ આન્સર કીના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેઈઈ મેન્સમાં ક્વોલિફાય થયા પછી, ઉમેદવારોને જેઈઈ એડવાન્સ 2023 ની પરીક્ષામાં બેસવાની તક મળે છે. જેઈઈ એડવાન્સ્ડ માટેની તારીખો પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. જો ઉમેદવાર બંને સત્રોમાં હાજર હોય તો જેઈઈ મેઇન 2023 એનટીએમાં તેના બેસ્ટ સ્કોરને મેરિટ લિસ્ટ/રેન્કિંગ તૈયાર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.