સમય સમય બલવાન હૈ, નહિ પૂરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ !
સમયયંત્રના માલિકનો સમય બદલાયો, મોરબી સબ જેલની ખોલી નંબર 9માં જીવે છે જેલની જિંદગી
સમય સમય બલવાન હૈ, નહિ પૂરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ ! આ કહેવત મોરબી ઝૂલટાપુલ દુર્ઘટનાના આરોપીને બરાબર લાગુ પડે છે. સમયયંત્રના માલિક એવા જયસુખ પટેલનો સમય બદલાઇ ગયો છે. હાલ તે આલીશાન જિંદગીને બદલે મોરબી સબ જેલની ખોલી નંબર 9માં કેદી બની જીવન જીવે છે.
30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા – ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો
પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થતા આ કેસમાં અગાઉ અજંતા – ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા – ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી બનાવી ધરપકડ માટે પ્રયાસો કરવા છતાં તેઓ ન મળી આવતા કોર્ટ મારફતે પકડ વોરંટ ઈશ્યુ કરાવતા 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.
બાદમાં પોલીસ રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઇ જયસુખ પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવા હુકમ થતા એશોઆરામની જિંદગી જીવતા અને રૂપિયા 800 કરોડનું સામ્રાજ્ય ધરાવતા જયસુખ પટેલ મોરબી સબજેલમાં હાલમાં જેલ મેન્યુઅલ મુજબ દિવસો પસાર કરી રહ્યા છે, જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મોરબી જેલમાં તેઓને કોઈ વીઆઈપી કહી શકાય તેવી સુવિધા નથી મળી અહીં તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા મળી છે.
ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલને જે જેલમાં રખાયા છે તે મોરબી જેલમાં 171 કેદીઓ રાખવાની ક્ષમતા છે પરંતુ હાલમાં જેલમાં જયસુખ પટેલ સહિત 272 કેદીઓ રાખવામાં આવ્યા છે જેમાં 268 પુરુષો અને 4 સ્ત્રી બંદિવાનનો સમાવેશ થાય છે. જેમાં જયસુખ પટેલને ખોલી નંબર-9માં એક પાક કામના કેદી અને અજંતા-ઓરેવા કંપનીના બે મેનેજર અને બે ટિકિટબારી ક્લાર્ક સહિત કુલ પાંચ લોકો સાથે રહે છે. જેલમાં તેઓ દરરોજ સવારે 6.30 વાગ્યે જાગીને નિત્યક્રમ મુજબ ન્યુઝ પેપર વાંચવામાં અને પુસ્તકો વાંચવામાં સમય વ્યતીત કરે છે. મહત્વનું છે કે, મોરબી જેલમાં આ અગાઉ પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયાને સિંચાઈ કૌભાંડમાં ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા હતા.