બીપી વધી જતાં ગભરામણને કારણે સિવિલના સારવારમાં લવાયા, ડોક્ટરે ચિંતાજનક સ્થિતિ ન હોવાનું જણાવતા ફરી જેલમાં ખસેડાયા

ચકચારી એવા ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબીની સબ જેલમાં રહેલા જયસુખ પટેલની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, ડોક્ટરે નિદાન અને સારવાર કરીને ચિંતાજનક સ્થિતિ ન હોવાનું જણાવતા ફરી જેલમાં ખસેડાયા હતા.

મોરબીના ઝુલાતપુલ કેસમાં હાલ મોરબી સબ જેલમાં રહેલા ઓરવા કંપનીના એમડી જ્યસુખ પટેલની તબિયત અચાનક લથડી હતી. આથી તેમને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે જેલર ગોહિલે જણાવ્યું હતું કે, જયસુખ પટેલને હમણાં ગરમી વધતા વાતાવરણની પ્રતિકૃળ અસરને લીધે બીપી વધતા મુંજારો અને ગભરામણ થવા લાગતા તેમને તાકીદે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને જ્યાં ડોક્ટરે નિદાન અને સારવાર કરીને તબિયતની સ્થિતિ ખાસ કોઈ ચિંતાજનક ન હોવાનું જણાવતા અડધી કલાકમાં જ તેમને ફરી જેલમાં તેમની બેરેકમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરે સારવાર કરીને પરત રવાના કરવાની સાથે બે દિવસ પછી રૂટિન ચેકઅપ માટે આવવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોમાં મોત નિપજ્યા હતા. આ ગોઝારી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બાદમાં તેઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.જે બાદ તેઓની ધરપકડ કરી મોરબી સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અગાઉ તેઓએ જામીન અરજી કરી હતી. જેમાં તેઓએ કારણમાં એવું દર્શાવ્યુ હતું કે તેઓની કંપનીને ભોગ બનનારને વળતર ચૂકવવાનું હોય જેમાં તેઓની જરૂર પડવાની છે. જો કે કોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં ફરી તેઓએ જામીન અરજી મૂકી છે. હાલ તે અંગે કોર્ટનો નિર્ણય જાહેર થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.