- કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: 47 દરખાસ્ત અંગે લેવાશે નિર્ણય
- રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના ઉપયોગ માટે 25 લાખના ખર્ચે નવી હાઇબ્રીડ ઇનોવા કારની ખરીદી કરવામાં આવશે. કોર્પોરશનમાં આવતીકાલે સવારે 11:00 કલાકે ખડી સમિતિની બેઠક મળશે જેમાં અલગ-અલગ 47 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં પાંચેય મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી સમિતિના ચેરમેનને ગાડીની ફાળવણી કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર હાલ જે સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે તેની ખરીદી વર્ષ 2016માં કરવામાં આવી હતી સરકારની માર્ગદર્શિકા મુજબ કોઈપણ સરકારી વાહન એક લાખ કે તેથી વધુ કિલોમીટર ચાલે તો તેને અન્ય શાખામાં ફાળવી દેવા અથવા ભંગારમાં આપી દેવામાં આવે છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીની વર્તમાન ઇનોવા કાર 2.28 લાખ કિલોમીટર ચાલી ચૂકી છે.જેમાં છાસવારે બહુ મોટા ખર્ચા આવે છે અત્યારે સુધીમાં રીપેરીંગ પાછળ બે લાખથી વધુનો ખર્ચ કરી આવ્યો છે. દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ હવે હાયબ્રીડ કાર ખરીદવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં એક પણ હાયબ્રીડ કારની ખરીદી કરવામાં આવી નથી.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ઉપયોગ માટે રૂ.25.48 લાખના ખર્ચે નવી ઇનોવા હાઇબ્રીડ કારની ખરીદી કરવામાં આવશે. આ કાર 60 કીમીની ઝડપ સુધી બેટરીમાં ચાલશે. જ્યારે ઝડપ 60 કિમીથી વધુ થશે તો આપોઆપ કાર પેટ્રોલમાં ક્ધવર્ટ થઈ જશે. ટૂંકમાં સીટી વિસ્તારમાં કાર બેટરીથી અને હાઇવે પર પેટ્રોલથી ચાલશે. કાર ખરીદીનો ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જે અંગે આવતી કાલે ખડી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના પ્લેનીટોરીયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટને આપવા, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 50 હોર્સ પાવરથી નાના ફ્રન્ટ એન્ડ લોડર વિથ બેક હોક વાહન ખરીદવા, કોર્પોરેશનના અલગ અલગ શાખાના કર્મચારીઓ ને તબીબી આર્થિક સહાય આપવા વોર્ડ નં.3માં બેડીનાકા આજે નદીના કાંઠે આવેલા આશ્રય સ્થાનનું ડિમોલિશન કરવા વોર્ડ નંબર ચારમાં અમદાવાદ હાઈવે પર ખોડલ રાજ રીયલ ફોર્મમાં ડી આઇ પાઇપલાઇન નાખવા, ફાયર બ્રિગેડ શાખા કર્મચારીઓને લઘુતમ વેતન આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2024-25 માં મળવા પાત્ર ગ્રાન્ટ અન્વયે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવા,કરારિય સમય દરમિયાન અવસાન પામેલા વર્ગ ત્રણ અને ચારના ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચક ચૂકવાથી આર્થિક સહાયમાં વધારો કરવા અલગ અલગ વોર્ડમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની કોન્ટ્રાક્ટ આપવા સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.
- ગીતાનગર મંદિર રોડ પર ફૂટ ઓવરબ્રિજ બનાવશે
શહેરના વોર્ડ નં.14માં ગીતામંદિર રોડ જયનાથ હોસ્પિટલ પાછળ શાક માર્કેટ પાસે આવેલા વોકળાથી વાણીયાવાડીને જોડતો ફૂટ બ્રિજ બનાવવા માટે રૂપિયા 23.52 લાખનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ ફૂટ બ્રિજના કામથી ભક્તિનગર સોસાયટી વાણીયાવાડી પુજારા પ્લોટ સહિતની છ થી સાત સોસાયટી અને લાભ મળશે.