ગામના સરપંચશ્રી વિજયભાઇ કોરાટે પોતાના ખર્ચે ગામમાં ત્રણ સ્થળે મુકાવ્યા
રાજકોટ તાલુકાના મોટામવા ગામ ખાતે ગ્રામપંચાયત આયોજિત કાર્યક્રમમાં રાજયના અન્ન-નાગરિક પુરવઠામંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ મહીલાઓ માટેના સેનેટરી પેડ ઓટોમેટીક મશીનનું લોકાર્પણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારની સ્વાભિમાન યોજના અન્વયે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારની બહેનો માટે પર્યાવરણને અનુકુળ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે.
મોટામવા ગામના ત્રણ સ્થળોએ સરપંચશ્રી વિજયભાઇ કોરાટે પોતાના પદરના ખર્ચે મહિલાઓની સુવિધા માટે મશીનો મુકવામાં આવેલ છે. જેમાં બે મશીનો આંગણવાડી કેન્દ્રોમાં અને એક પેટા આરોગ્ય કેન્દ્રમાં મશીન મુકવામાં આવેલ છે. ગ્રામ પંચાયત દ્વારા રૂ. ૧ ના ટોકન દરે સેનેટરી પેડ બહેનોને આપવામાં આવશે.
મહિલાઓના લાભાર્થે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રી વિજયભાઇ કોરાટની પહેલને બિરદાવીને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સરપંચશ્રી વિજયભાઇ કોરાટ, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, અગ્રણીઓ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહનભાઇ મેઘાણી, કમલેશભાઇ લીલા, શૈલેષભાઇ શીંગાળા, મનહરભાઇ બાબરીયા, ભરતભાઇ શીંગાળા, મીડીયા ઇન્ચાર્જશ્રી અરૂણ નિર્મળ, શ્રી જયેશ પંડયા, ભરતભાઇ શીંગાળા, હંસાબેન મેઘાણી, સોનલબેન શીંગાળા, ઉપસરપંચશ્રી પરેશભાઇ મેઘાણી, તાલુકાના આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.