વિના ‘સહકાર’ નહીં ઉધ્ધાર

રાદડિયા પેનલ સામે બે આગેવાનોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ઘીના ઠામમાં ઘી : રાજકોટ લોધિકા સંઘમાં સમાવી લેવાની ખાતરી આપી યગ્નેશ જોશીને મનાવી લેવાયા

રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી. ની ૧૭ બેઠકોની આગામી તા. ૨૬મીએ ચૂંટણી યોજાનાર છે. જેમાં રાદડિયા પેનલે તમામ ૧૭ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની ઉમેદવારી કરાવી છે. સામે બે જ બેઠકો ઉપર અન્ય ઉમેદવારો ઉભા છે. તે બન્ને ઉમેદવારોને મનાવી લઈને રાદડિયા જૂથે પોતાનો દબદબો જારી રાખ્યો છે.અને અંતે તમામ ૧૭ બેઠક બિનહરીફ જાહેર થઈ છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી.ની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં આજે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. જેથી ચિત્ર થોડું સ્પષ્ટ થતું જણાઈ હતું. રાદડિયા પેનલના ઉમેદવારોએ તમામ બેઠકો ઉપર ગઈકાલે ફોર્મ ભર્યા હતા. તેની સામે માત્ર બે જ બેઠકોમાં અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જેમાં ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળ- રાજકોટ તાલુકા બેઠક ઉપર ખેંચતાણ બાદ અંતે રાદડિયા પેનલના શૈલેષભાઇ ગઢિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેની સામે નારાજ થયેલા વીજયભાઈ સખીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ ઉમેદવારને મનાવવામાં રાદડિયા જૂથ સફળ થયું હોય આ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા રાજી થઈ ગયા છે.

આ ઉપરાંત બિનખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓ- રાજકોટ શહેરની બેઠકમાં રાદડિયા પેનલના અરવિંદભાઈ તાળા સામે ડો.યગ્નેશ જોશીએ ઉમેદવારી નોંધાવી હતી.જો કે ડો. યગ્નેશ જોશી ચૂંટણી લડવા માટે મક્કમ હોવાનું જણાતું હતું. પરંતુ રાદડિયા જૂથે તેઓને રાજકોટ લોધિકા સંઘમાં સમાવી લેવાની ખાતરી આપતા અંતે તેઓ પણ ફોર્મ પરત ખેંચવા માની ગયા હોવાનું જાણવા મળ્યું છે. આમ રાજકોટ જિલ્લા બેંકની તમામ ૧૭ બેઠકો બિનહરીફ થઈ છે.

DSC 1360

જો કે હજુ ઓફિશિયલ રાદડિયા જૂથ સામે બે બેઠકોમાં ઉમેદવારો નોંધાયેલા છે. પરંતુ ફોર્મ પરત ખેંચવાના સમયમાં આ બન્ને ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેવાના છે. આમ રાદડિયા જૂથનો રાજકોટ જિલ્લા બેંક ઉપરનો દબદબો યથાવત રહ્યો છે. અને ચૂંટણી યોજાઈ તેવા કોઈ સંજોગો જણાતા નથી. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં બે ઉમેદવારો સામે પડ્યા હતા. પરંતુ રાદડિયા જૂથે પોતાની આગવી ઢબે પોતાનો રસ્તો ચોખ્ખો કરવા બન્ને ઉમેદવારોને મનાવીને ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું.

આ વિજય મારા પિતાના ચરણોમાં અર્પણ કરૂ છું : જયેશ રાદડિયા

જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે ચૂંટણીમાં અમારી પેનલ સામે બે ઉમેદવારો ઉભા હતા.

આ બન્ને ઉમેદવારો વિજયભાઈ સખીયા અને યજ્ઞેશભાઈ જોશીએ વર્ષોથી અમારી સાથે પરિવારની ભાવનાથી કામ કર્યું છે.

બન્નેએ આખી ટિમ બિનહરીફ થાય તે માટે ખૂબ સહકાર આપ્યો છે.અને તેઓ આગામી સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છે. જેથી હવે ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા બેંકની તમામ બેઠકો બિનહરીફ થઈ છે. બેંકના ચેરમેન તરીકે હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.

વઘુમાં તેઓએ ઉમેર્યું કે બેંકના ૨.૧૫ લાખ ખેડૂતો સભાસદ ધરાવે છે. એ તમામનો હું આભાર વ્યકત કરું છું. તેઓએ કહ્યું કે મારા પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની આગામી ૨૯ જુલાઈએ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. તેમના આશીર્વાદથી આજે આ વિજય હાંસલ થયો છે. જે હું તેમના ચરણોમાં અર્પણ કરું છું. અંતમાં તેઓએ કહ્યું કે ખેડૂતોની હરહમેંશા મદદમાં રહેશું અને ભવિષ્યમાં બેંક નવી ઊંચાઈએ આવે અને ખેડૂતો સધ્ધર બને તેવા પ્રયત્નો કરતા રહીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.