લોકસેવા મારા લોહીમાં છે: મારા પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયાની સેવાવૃત્તિથી મતદારો સંપૂર્ણપણે વાકેફ છે: જયેશ રાદડિયા
જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના યુવા અને સક્ષમ ઉમેદવાર જયેશભાઈ રાદડિયાને તોતીંગ લીડથી વિજયી બનાવવા જેતપુર રોટરી હોલ ખાતે ૧૦૦થી વધુ વેપારી તેમજ ઉધોગકાર સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. બેઠકમાં તમામ અગ્રણીઓએ એક જ સૂર વ્યકત કર્યો કે આપણા ધારાસભ્ય તો જયેશભાઈ રાદડિયા જ !
વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જયેશભાઈ રાદડિયાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વેપારી ઉધોગકાર અગ્રણીઓને સંબોધીત કરતા કહ્યું કે, મારા પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયા આ વિસ્તારના અને સૌરાષ્ટ્રના સહકારી તેમજ રાજકીય અગ્રણી છે. તેમણે પોતાની જિંદગીના ૪૦થી વધુ વર્ષ લોકસેવામાં વિતાવ્યા છે. સૌરાષ્ટ્રની જનતા જાણે છે કે વિઠ્ઠલભાઈને અડધીરાત્રે હોકારો કરીએ તો મદદ માટે દોડી આવે ! તેમનો સેવાનો સીધો જ વારસો મને મળ્યો છે. હું ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યો છું. આ વિસ્તારના લોકોનો અમારા પરીવાર પરનો પ્રેમ અગાધ છે એની હું અનુભૂતી કરી રહ્યો છું. આ વખતે પણ જંગી બહુમતીથી આપ મને વિજેતા બનાવશો એની મને ખાતરી છે.
તેમણે એમ પણ કહ્યું કે, મારા પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નવા નિશાળીયા છે. રાજકારણમાં તેમનો કોઈ અનુભવ નથી. બે-ચાર મહિનાના ગાળામાં રાજકારણ શીખી જવાતું નથી. લોકોને બરાબર ખબર છે કે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ કોણ છે.
જયેશભાઈએ જણાવ્યું કે, જેતપુર શહેરનો પીવાના પાણીનો વરસો જૂનો પ્રશ્ર્ન અમે હલ કર્યો છે. અત્યાર સુધી આપણે ભાદર ડેમ ઉપર આધારીત રહેવું પડતું હતું. વર્ષો જુની આ સમસ્યાનું એક ઝાટકે નિરાકરણ લાવી દીધું છે. ‚ા.૬૦૦ કરોડના ખર્ચની નર્મદાની પાઈપલાઈન દ્વારા લોકોને હવે નર્મદા મૈયાનું પાણી પીવા મળી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, જેતપુર શહેરમાં કરોડો ‚પિયાના ખર્ચે વિકાસ કાર્યો થયા છે. જેમાં રસ્તાના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વળી, ભાદર નદી પર ‚ા.૧૮ કરોડના ખર્ચે બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે તો જેતપુર-જામકંડોરણામાં ગેસની પાઈપલાઈન ફીટ કરવાનો પ્રોજેકટ પણ અમારા સતત પ્રયત્નોને કારણે અમલમાં આવ્યો છે. શહેરમાં ૨૬ હાઈ વોલ્ટેજ લાઈટીંગ ટાવરો ફીટ કરાયા છે. હજી જ‚રીયાત હોય ત્યાં ફીટ કરવામાં આવશે.
જયેશભાઈએ વધુમાં કહ્યું કે, જેતપુરનો વિકાસ સાડી ઉધોગ સાથે સંકળાયેલો છે. સાડી ઉધોગનો વધુમાં વધુ વિકાસ કેમ થાય ? આ ઉધોગની જ‚રીયાત શું છે ? સરકાર તેમાં શું મદદ કરી શકે ? સાડી ઉધોગકારોને શું અપેક્ષા છે ? વગેરે બાબતો પર ચિંતન કરીને આગામી દિવસોમાં સાડી ઉધોગના વિકાસ માટે અમે કટીબદ્ધ છીએ. ભૂતકાળમાં પણ આ મુદ્દે હું સરકારમાં પાણીદાર રજુઆત કરી ચૂકયો છું અને હજુ કરતો રહીશ. જેતપુરને વિકાસના પથ પર દોડતું કરવા આગામી પાંચ વર્ષ બહુ મહત્વના છે. હું જેતપુરના વિકાસ માટે સતત જાગૃત રહીશ અને મારા શહેરને વિકસિત તથા રળીયામણુ બનાવીશ.
જેતપુર ટેક્ષટાઈલ ઉધોગનું હબ બને તે મારું અને આપ સૌ ઉધોગકારોનું સપનું છે આ સપનું સાકાર થવા આડે હવે જાજી વાર નથી. આવનારા દિવસોમાં આપણા પ્રયત્નો ફળશે અને જેતપુર ટેક્ષટાઈલનું હબ બની જશે. નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ અને ગુજરાતની ભાજપ સરકારનો અવિરત વિકાસનો મંત્ર આપણા શહેરને વિકાસના માર્ગે દોરી જશે એવું જયેશભાઈએ જણાવ્યું હતું.
આ તકે ભાજપ અગ્રણી અને પ્રવકતા મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું કે, મુઠ્ઠીભર લોકો અને ખાસ કરીને કોંગ્રેસીઓ નરેન્દ્રભાઈ મોદીના નોટબંધી, જીએસટી જેવા પગલાની ટીકા કરતા રહ્યા છે પરંતુ આ પગલાઓથી દેશની જનતાને લાંબાગાળાનો કેટલો લાભ મળવાનો છે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે. સરકાર ત્રાસવાદ, સંગ્રહખોરી, કાળાબજાર રોકવા માટે આવા જનતા માટે લાભદાયી પગલા લે ત્યારે થોડા દિવસ મુશ્કેલી પડે પરંતુ અંતે તો જનતાને જ લાભ મળતો હોય છે. આપણી જનતાને વડાપ્રધાનના પગલાને આવકાર્યા છે. જીએસટી મુદ્દે પણ જે કાંઈ ગેરસમજણ હતી તે દૂર કરીને સરકાર સાથે સહમતી સાધી છે. મનસુખભાઈએ જયેશભાઈ રાદડિયાને તોતીંગ બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું.
શહેરના ઉધોગકાર અને આગેવાન રાજુભાઈ પટેલે કહ્યું કે, જેતપુર શહેરનો ટેક્ષટાઈલ ઉધોગ બરાબર ફુલ્યો ફાલ્યો છે. આ ઉધોગને કનડતા અનેક પ્રશ્ર્નોનું વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા તેમજ જશુમતીબેન કોરાટના પ્રયત્નોથી સમાધાન થયું છે. આ ઉધોગ પર આગેવાનોની કૃપાદ્રષ્ટિ છે એટલે કોઈ ગ્રહણ આવ્યું નથી. જયારે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની જ‚ર પડે ત્યારે પણ જયેશભાઈ રાદડિયા સકારાત્મક વલણ અપનાવે છે.
સાડી ઉધોગને કોઈ સમસ્યા નહીં નડે એવું તેમણે વચન આપ્યું છે. પૂર્વ મંત્રી અને ભાજપના મહિલા અગ્રણી જશુમતીબેન કોરાટે પોતાના ઉદ્બોધનમાં ગુજરાત સરકારની અનેક સિદ્ધિઓ વર્ણવી. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે સાધેલા વિકાસની ઝલક આપી અને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે તેની પ્રશંસા કરી કોંગ્રેસના ૬૦ વર્ષના શાસનમાં જે ન થયું તે કેન્દ્રની છેલ્લા ત્રણ વર્ષની સરકાર અને ગુજરાતની છેલ્લા બે દાયકાની ભાજપ સરકારે કરી બતાવ્યું એવું જણાવ્યું.