ભાજપ પ્રેરિત રાદડીયા પેનલમાં ઉમેદવારો સામે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોઇ હરીફે નામાંકન દાખલ ન કરતા તમામ બેઠકો બિનહરીફ: 14મીએ નવા ડિરેક્ટરોની વિધિવત વરણી
રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં પણ સમરસતાને સેતુ બનાવવાની જવાબદારી ભાજપે યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના શીરે મુકી છે
અબતક, ધર્મેન્દ્ર બાબરિયા,સાગર સોલંકી,
ધોરાજી લડાયક ખેડૂત નેતા પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાનું સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં એક સક્રિય સામ્રાજ્ય ચાલતુ હતું. વિઠ્ઠલભા જ્યાં ઉભા રહેતા હતા ત્યાં ફોર્મ ભરવાની વાત દૂર હરીફો ત્યાંથી પસાર થવામાં પણ ધ્રૂજતા હતા. સહકારી ક્ષેત્રમાં હવે રાજ્ય સરકારના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પિતાના કદમાં પર ચાલી રહ્યાં છે તેઆ બાપ કરતા પણ સવાયા સાબિત થઇ રહ્યાં છે તેવુ કહેવામાં જરા પણ અતિશિયોક્તી નથી. જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં રાદડીયાનું બૂલડોઝર ફરી વળ્યુ છે. તમામ 16 બેઠકોના ઉમેદવારો બિન હરિફ જાહેર થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાદડીયા પેનલના ઉમેદવારો સામે કોઇ હરિફોએ ફોર્મ ન ભરતા તમામ બેઠકો બિન હરિફ જાહેર કરવામાં આવી છે. હવે આગામી 14મી ઓગષ્ટના રોજ નવા ડિરેક્ટરો વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે.
જામકંડોરણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્તમાન બોડીની મુદત પુર્ણ થતા તાજેતરમા જાહેર થયેલ સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્ર રજુ કરવાના છેલ્લા દિવસે ભાજપ પ્રેરીત તેમજ યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાની પેનલના ઉમેદવારો સિવાય અન્ય કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજુ કરેલ ન હોય જેથી તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ હોય યુવા મંત્રી જયેશ રાદડીયાએ ફરી એક વખત ખેડુત નેતા વિઠલભાઈ રાદડીયાના પગલે ચાલીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમા ખેડુતોનુ હિત જળવાય અને સુલેહ પુર્વક કામગીરી કરી શકાય એવા ઉદેશથી માર્કેટીંગ યાર્ડને બિનહરીફ કરવામા મહત્વની ભુમીકા ભજવીને એક પછી એક સંસ્થાઓ બિનહરીફ કરાવી.
જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચુંટણીમાં ખેડુત વિભાગના પ્રતિનિધિ તરીકે સંજય બોદર, ચંદુભા ચૌહાણ, જસમતભાઈ કોયાણી, રસીકભાઈ રાણપરીયા, ચંદુભાઈ પોસીયા, નટુભા જાડેજા, અશોકસિંહ જાડેજા, ધીરૂભાઈ સતાસીયા, ધનજીભાઈ બાલધા અને મનસુખભાઈ વરસાણી. વેપારી વિભાગના પ્રતિનિધિ તરીકે મોહનભાઈ કથીરીયા, ગોપાલભાઈ બાલધા, મનસુખભાઈ દોંગા અને મહેશભાઈ સંપટ જ્યારે સંઘ વિભાગના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ કથીરીયા અને સ્થાનિક સંસ્થા(ગ્રામપંચાયત)પ્રતિનિધિ તરીકે વિનોદભાઈ રાદડીયા બિન હરિફ ચુંટાયા છે.
સરકારી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ઉભુ કરવુતે ભાવી કદાવર નેતાની નિશાની છે. સ્વ. વિઠ્ઠલભા રાદડીયાએ સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં જે એક તરફી સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. તેને યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જાળવી રાખ્યું છે એટલું જ નહીં તેને વધુ વિસ્તાર્યુ છે. દિન-પ્રતિદિન સહકારી ક્ષેત્રમાં તેમનું વજન સતત વધી રહ્યું છે. માદરે વતન જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તેઓએ ભાજપ પ્રેરિત પેનલોના ઉમેદવારોને બિનહરિફ બનાવી દીધા છે. આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનારી રાજકોટ માર્કેટીં યાર્ડની ચૂંટણીમાં પણ સમરસતાને સેતુ બનાવવાન જવાબદારી પક્ષ દ્વારા તેઓના શીરે મુકવામાં આવી છે.