જામનગરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ભાગ-૧ પૂર્ણ?: બીજો ભાગ કયારે?
સત્તાની સર્વોપરી ચરમસીમાએ?: પડદા પાછળના વારમાં પોલીસની હાલત કફોડી!
રાજાશાહી યુગમાં રાજ પ્રમુખ તરીકેની આગવી ઓળખ ધરાવતા હાલારમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાની સર્વોપરીતા સાબીત કરવા માટે બે જુથ્થ વચ્ચે ચાલતા મરણીયા જંગ સમાન લડાઇમાં પોલીસ પીસાઇ રહી છે. જામનગર પોલીસનો હાથા તરીકે ઉપયોગ કરતા રાજકીય આગેવાનો પડદા પાછળ રહી પ્રતિસ્પધિનું રાજકારણ પુરૂ કરવાના ખેલાતા ખેલનો પ્રથમ ભાગ એટલે ગેંગસ્ટર જયેશ પટેલનું ઓપરેશન બ્લુસ્ટાર પૂર્ણ થયાની ચર્ચા સાથે હરિફ જુથ પણ સરળતાથી પીછે હટ કરે તેમ ન હોવાથી વળતો પ્રહાર કરવા શસ્ત્ર સજાવી રહ્યું છે. ટૂંક સમયમાં જ ઓપરેશન ભાગ-૨ શરૂ થવાના નિર્દેશ મળી રહ્યા છે.
જામનગરના ૧૦૦ કરોડના જમીન કૌભાંડ, ખંડણી પડાવવા ધાક ધમકી અને ડરાવવા માટે ફાયરિંગ કરવા અને એડવોકેટ કિરીટ જોષીની હત્યા સહિત ૪૩ ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલની લાંબા સમયથી હાલાર પંથકમાં ચાલતા એક ચક્રી ગુનાહીત શાસનનો પોલીસે અંત લાવવા કાયદામાં ધારદાર મનાતા ગુજસીટોક શસ્ત્રનો ઉપયોગ કર્યો છે. જામનગર પંથકમાં સત્તાની સર્વોપરીતા સાબીત કરવા અને પોતાનું અસ્તિત્વ ટકાવવા રાજકીય નેતાએ રીતસર પોલીસનો ભરપુર ઉપયોગ કર્યો છે. જયેશ પટેલ પર ભીસ વધારી રાજકીય નેતા પોતાના હરિફ જૂથને આર્થિક અને માનસિક રીતે ભાંગી નાખવા સુધીનો ખેલ એટલે કે ગેંગસ્ટર જયેશ પટેલ સહિત ૧૪ સામે ગુજસીટોક હેઠળ થયેલી કાર્યવાહી સાથે જામનગર પંથકમાં રાજકીય ભૂકંપ સમાન ઘટના બની ગઇ છે. રાજકીય નેતાના ઇશારે ચાલતા પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા હાલ ઓપરેશન બ્લુસ્ટાર એટલે કે ભાગ-૧ પૂર્ણ થયો છે. ઓરપેશન ભાગ-૧માં એક જ પક્ષમાં રહી પોતાના હરિફને પછાડવાના તમામ દાવપેચ સાથે પોતાનો હાથ ઉપર રહ્યો છે. એનો મતલબ એવો નથી કે તેની હરિફ જૂથ ભયભીત બની નબળુ પડી ગયું હોય હરિફ જુથ પણ વળતો પ્રહાર કરવા માટે શસ્ત્ર સજાવી લીધા છે અને પોતાના પ્રતિસ્પધિ સામે પોલીસનો જ ઉપયોગ કરી એક ગુનો નોંધાવવી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
જામનગર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્તિત્વ ટકાવવા અને કંપનીમાં કોન્ટ્રાકટ મેળવવા ચાલતી બે જુથ્થ વચ્ચેની હરિફાઇમાં પોલીસની કફોડી હાલત બની ગઇ છે. અને પ્રજાની મુંગા મોઢે સહન કરવા જેવી દયાજનક સ્થિતી સજાર્ય છે ત્યારે કંપની સાથે જોડાયેલા પણ માંધાતાઓ પણ પોલીસના ઉંચ્ચ અધિકારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાથી જામનગરમાં હવે શું થશે તેવી ચર્ચા સાથે સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
પડદા પાછળની વારમાં પોલીસની હાલત કફોડી
જામનગર પંથકમાં રાજકીય આકાના આર્શિવાદથી લાંબા સમયથી ગુનાખોરી આચરી રહેલા જયેશ પટેલ ભીડવવા માટે રાજકોટ રેન્જને ટાર્ગેટ બનાવની કરાયેલા ટવિટના પગલે પોલીસ હરકતમાં આવી ગઇ હતી. જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવાની ફરજ પાડવામાં આવી છે. પોલીસે એક જ ગૃપના શખ્સોની ધરપકડ કરી છે. રાજકીય આગેવાન દ્વારા પોતાનું ધાર્યુ કરાવી મનમાની કરાવી લીધી છે. બંને રાજકીય હસ્તીની લડાઇમાં પીસાતી પોલીસ અને પ્રજા વચ્ચે ઓપરેશન ભાગ-૨ પણ એટલો જ રોમાન્ચ સાથે અનેક રહસ્ય પરથી પડદો ઉચાશે તેમ જાણકારો કહી રહ્યા છે.
ગુનેગારો માટે દુબઇ વાયા નેપાળ બોર્ડર થઇ પાછલા બારણે ભારતમાં?
ભારતમાં અનેક ગુના આચરી દુબઇ ફરાર થતા રીઢા ગુનેગારો માટે વાયા નેપાળ બોર્ડર થઇ પાછલા બારણે ભારતમાં આવી વેશ પલ્ટો કરી ફરી ગુનાખોરી આચતા કુખ્યાત શખ્સોની મોર્ડસ ઓપરેટીવ મુજબ જયેશ પટેલ પણ પાછલા બારણે ભારતમાં આવી ગયાની ચર્ચાએ ચકચાર જગાડી છે. દુબઇથી નેપાળ સુધી જ પાસપોર્ટની જરૂર પડે છે. નેપાળથી ભારતમાં આવવા માટે પાસપોર્ટની જરૂર ન હોવાથી રીઢા ગુનેગારો માટે ફરી પોતાના વતન આવવા માટે આ સરળ માર્ગ બની ગયો છે. જયેશ પટેલ ભારતમાં જ સુરક્ષિત સ્થળે આશરો મેળવી પોતાના રાજકીય આકાના સંપર્કમાં હોવાની ચર્ચા વચ્ચે પોલીસ જયેશ પટેલને કયારે સતાવાર રીતે ધરપકડ બતાવે છે. કે પછી ફરી રાજકીય નેતાના ઇશારે જયેશ પટેલ સામે પારોઠના પગલા ભરે છે આવનાર સમય જ કહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.
જયેશ પટેલના પત્નીને ધર્મિન માડમે ખૂનની ધમકી દીધી!
જામનગર પંથકમા હાહાકાર મચાવતા ગેંગસ્ટર જયેશ પટેલના પત્ની ધ્રતીબેન રાણપરીયાને ધર્મિન માડમ નામના શખ્સે ખૂનની ધમકી દીધાની સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દિગ્વીજય પ્લોટમાં રહેતી અને જામનગરમાં અખબારના વ્યવસાય સાથે જોડાયેલી ધ્રુતીબેન જયેશ રાણપરીયાના ઘરે આવીને ધર્મિન માડમ નામના શખ્સે ‘તારા છાપામાં આડેધડ લખવાનું બંધ કરી દેવા’ ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. જામનગરમાં બે હરિફ જુથ્થ વચ્ચે પોલીસને હાથો બનાવી એક બીજા પર પ્રહાર કરવાની ચાલી રહેલી અદાવતમાં આ ફરિયાદ પણ એક ભાગ ગણવામાં આવી ર્હ્યો છે.
પોલીસે જયેશ પટેલને ભીસમાં લેવા દુબઇ શું તપાસ કરી?
ખૂન, ખૂનની કોશિષ અને ધાક ધમકી દઇ ખંડણી પડાવવા ઉપરાંત કરોડોના જમીન કૌભાંડ આચરવાના અસંખ્ય ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલ દુબઇ ભાગી ગયાનું પોલીસ જુનું ગાણું ગાય રહી છે. દુબઇ કંઇ ફલાઇટમાં પહોચ્યો અને ત્યાં કંઇ રીતે આશરો મેળવ્યો તે ઇન્ટનેટના યુગમાં તપાસ કરવામાં પોલીસ કેમ વામણી સાબીત થઇ તે પણ સવાલ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક રીઢા ગુનેગારો પોલીસથી બચાવા દુબઇ પહોચી ત્યાંથી નેપાળ થઇ પાછલા દરવાજે ભારતમાં આવી છુપાયા હતા તે રીતે જયેશ પટેલ શું પાછલા બારણે ભારતમાં આવી ગયો હોવાની ચર્ચા વચ્ચે પોલીસની કાર્યપધ્ધતી અંગે સવાલ કરી રહ્યા છે.