સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી ૫ બેઠકો પર ભાજપે વર્તમાન સાંસદોને રીપીટ કર્યા પોરબંદર બેઠક પરથી જયેશ રાદડિયાને મેદાનમાં ઉતારવાની ભાજપની મથામણ
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પૈકી ભાજપે ૧૬ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી ૫ બેઠકો પર ભાજપે વર્તમાન સાંસદોને રીપીટ કર્યા છે. જયારે સુરેન્દ્રનગર બેઠક પરથી સીટીંગ સાંસદ દેવજી ફતેપરાને કાપી મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પોરબંદર અને જુનાગઢ બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી નથી. પોરબંદર બેઠક માટે રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ચુંટણી જંગમાં ઉતારવા ભાજપની મથામણ ચાલુ છે તો જુનાગઢ બેઠક પરથી ભાજપ નવા ચહેરાની શોધમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની રાજકોટ બેઠક પર ભાજપે મોહનભાઈ કુંડારિયા, જામનગર બેઠક પર પુનમબેન માડમ, ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળ, અમરેલી બેઠક પર નારણભાઈ કાછડીયા અને કચ્છ બેઠક પર વિનોદભાઈ ચાવડાને રીપીટ કર્યા છે જયારે સુરેન્દ્રનગર બેઠક પર સીટીંગ સાંસદ દેવજી ફતેપરાની ટીકીટ કાપી તેઓના સ્થાને ડો.મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી પોરબંદર અને જુનાગઢ બેઠક પર હજી સુધી ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી નથી.
પોરબંદરના વર્તમાન સાંસદ અને કદાવર ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાના કારણે તેઓ હવે ચુંટણી લડવા માટે સક્ષમ નથી. આવામાં આ બેઠક પરથી વિઠ્ઠલભાઈના પુત્ર અને રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને મેદાનમાં ઉતારવાની ભાજપની વ્યુહરચના છે. જોકે અગાઉ પણ જયેશ લોકસભા લડવાની અનિચ્છા વ્યકત કરી ચુકયા છે છતાં ભાજપ પોરબંદર બેઠક પરથી જયેશને જ મેદાનમાં ઉતારવા માટે મકકમ છે. હાલ જયેશ રાદડિયાના મનામણા ચાલુ હોવાનું ચર્ચાય રહ્યું છે. આગામી એક-બે દિવસમાં પોરબંદર બેઠક માટે ભાજપ પોતાના ઉમેદવારના નામની સતાવાર ઘોષણા કરી દેશે.
બીજી તરફ વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં જુનાગઢ જિલ્લામાં ભાજપને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી ન હતી. આવામાં જુનાગઢ લોકસભાની બેઠક જાળવી રાખવી ભાજપ માટે લોઢાના ચણા સમાન છે ત્યારે અહીંના સીટીંગ સાંસદ રાજેશ ચુડાસમાના સ્થાને કોઈ નવા જ ચહેરાને મેદાનમાં ઉતારવાની ભાજપની મથામણ હજી ચાલુ છે. લોકોમાં પ્રિય ચહેરાની શોધ ભાજપ કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ પૈકી ૬ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે પોરબંદર બેઠક માટે જયેશ રાદડિયાના મનામણા અને જુનાગઢ લોકસભા બેઠક માટે નવા ચહેરાની શોધમાં ભાજપ જોતરાઈ ગયું છે.