Abtak Media Google News
  • પ્રદેશ ભાજપનું મેન્ડેટ લઇ રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા આવ્યા: ચેરમેન યથાવત રખાયા, વાઇસ ચેરમેન ફર્યા

ગુજરાતના ચોથા નંબરના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની નિયુક્તી કરવા માટે આજે બપોરે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે જયેશભાઇ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઇ કોરાટની નિયુક્તી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપનું મેન્ડેટ લઇને રાજકોટ-લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા આવ્યા હતા.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની વર્તમાન બોડી ગત 2-ડિસેમ્બર, 2021ના રોજ અસ્તિત્વમાં આવી હતી. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વસંતભાઇ ગઢીયાની વરણી કરવામાં આવી હતી. અઢી વર્ષની મુદ્ત ગત બીજી જૂનના રોજ પૂરી થઇ ગઇ હતી. પરંતુ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે ચૂંટણીનું તારીખનું એલાન કરી શકાયું ન હતું. આજે બપોરે 12 કલાકે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષ દરમિયાન રાજકોટ માર્કેટીંગ યાર્ડને વિકાસની નવી ઉંચાઇએ પહોંચાડનાર, વેપારીઓ, ખેડૂતો અને મજૂરોના મોટાભાગના પ્રશ્ર્નો હલ કરી દેનાર જયેશભાઇ બોઘરાને અઢી વર્ષ માટે ફરી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન ફર્યા છે. વસંતભાઇ ગઢીયાના સ્થાને ભાજપ કિસાન મોરચાના પ્રદેશ હોદ્ેદાર વિજયભાઇ કોરાટને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તીમાં બળવો જવાની સંભાવના પણ અમૂક હિત શત્રુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આવું કશું જ થયું ન હતું. શિસ્તબધ્ધ ભારતીય જનતા પાર્ટીના યાર્ડના તમામ ડિરેક્ટરોએ હાઇકમાન્ડ મેન્ડેટને વધાવી લીધું હતું. ચેરમેન તરીકે જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વિજયભાઇ કોરાટની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બંનેએ યાર્ડના વિકાસને વધુ વેગ આપવાનું વચન આપ્યું હતું.

હાલ સાળંગપુર ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના મુખ્ય આગેવાનો સામેલ થયા હોવાના કારણે આજે યાર્ડની ચૂંટણીમાં પક્ષનું મેન્ડેટ લઇને રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા આવ્યા હતા.

સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો યથાવત

સહકારી ક્ષેત્રમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાનો દબદબો યથાવત રહેવા પામ્યો છે. ગોંડલ અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તીમાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યા બાદ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડના હોદ્ેદારોની વરણીમાં પણ જયેશભાઇ જલવો જોવા મળ્યો હતો. એવી ચર્ચા થતી હતી કે યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ બે મંત્રીઓ વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. જો કે, જયેશભાઇ બોઘરાને ચેરમેન તરીકે યથાવત રાખવામાં આવતા જયેશભાઇ રાદડીયાનો વટ જોવા મળ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.