કોલકત્તાથી ગત વર્ષે શરૂ કરાયેલ યાત્રા આજે રાજકોટ આવી ત્યારે લાઇફ પ્રોજેક્ટએ સન્માન કર્યું: સમગ્ર પ્રોજેક્ટમાં 25 હજાર કિ.મી.ની સાયકલ યાત્રા કરાશે

કોઇપણ જાતની પ્રસિધ્ધ વગર એક ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિ સમગ્ર દેશમાં સાયકલ ઉપર યાત્રા કરીને ‘હર ઘર રક્તદાન, ઘર ઘર રક્તદાન’ના નારા સાથે કોલકત્તાના જયદેવ રાઉત સમગ્ર દેશમાં ‘રક્તદાન’ જાગૃત્તિ માટે સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. આજે રાજકોટ આંગણે પધાર્યાં ત્યારે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા અને તેના આગામી આયોજનની વિશેષ ચર્ચાં કરી હતી.

વિશ્ર્વના વિકસીત દેશો કરતાં આપણા દેશમાં લોકો રક્તદાન કરતા ન હોવાથી જયદેવભાઇએ ગત ‘રક્તદાન દિવસ’થી આ સાયકલ યાત્રા શરૂ કરી હતી. જેમાં તેમણે લાઇફ બ્લડ બેંક અને વિવિધ સંસ્થાનો સહયોગ મળ્યો હતો. આજે લાઇફ પ્રોજેક્ટ ખાતે સંસ્થાના સંચાલક ચંદ્રકાંતભાઇ કોટિચા, મિત્તલબેન કોટિચા અને રાજીવ મિશ્રા સાથે સમગ્ર લાઇફના બ્લડ બેંક સ્ટાફે સન્માન કર્યું હતું. રક્તદાન જાગૃત્તિના આ પ્રોજેક્ટમાં જયદેવ રાઉડ સમગ્ર ભારતના વિવિધ પ્રાંતો સાથે 25 હજાર કિ.મી.ની સાયકલ યાત્રા કરશે. તેમણે ‘અબતક’સાથેની વાતચિતમાં જણાવેલ કે મને દરેક જગ્યાએ સુંદર સહયોગ મળી રહ્યો છે.

‘હું કોઇ નામ કમાવવા આ કામ કરતો નથી’ તેમ જણાવીને દેશનાં યુવાધનને રક્તદાન કરવા ‘અબતક’ના માધ્યમથી અપીલ કરી હતી. જયદેવ રાઉત રાજકોટથી જામનગર, દ્વારકા, સોમનાથ, પોરબંદર થઇને મહારાષ્ટ્રના શહેરોમાં સાયકલ યાત્રા લઇ જશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્ેશ ‘રક્તદાન જાગૃત્તિ’ છે.

જયદેવભાઇ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાથી આવી વિશાળ સાયકલ યાત્રા પ્રવેશમાં મુશ્કેલી પડી નથી. તેઓ દરેક શહેર-ગામથી શાળા-કોલેજમાં ‘રક્તદાન-મહાદાન’ના નારા સાથે કાર્યક્રમો યોજીને યુવાધનને જાગૃત કરી રહ્યા છે. આજે લાઇફ પ્રોજેક્ટના રેસકોર્ષ રોડ ઉપર આવેલા હેડ ક્વાર્ટર ખાતે તેમનું સન્માન કરાયું હતું ત્યારે વિવિધ મહાનુભાવો સાથે રક્તદાન સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતાં. સર્વે મહાનુભાવોએ જયદેવભાઇની આ પ્રવૃત્તિની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.