જસદણના ધારાસભ્ય, નગરપતિ અને તાલુકા પંચાયત પ્રમુખ ખરા અર્થમાં સેવા ભાવી હતા

ધોરાજીની સટ્ટાબજારમાં રેઈડ કર્યા બાદ ફોજદાર જયદેવની બદલી રાજકોટ કંટ્રોલ-‚મમાં થયેલી, તે બે મહિનાથી ત્યાંજ હતો. કયારેક ધારાગઢ જેવા સ્પેશ્યલ ઓપરેશન કે કેલેન્ડેસ્ટાઈન ઓપરેશન કે કોઈ કોઈ બંદોબસ્તમાં બહાર જતો રાજકોટ જીલ્લા પોલીસ વડા જયદેવને લાયક ક્ષેત્રની શોધમાં હતા.

તે સમયે જો ફોજદારોની ટુંકાગાળામાં બદલી થતી તો ફોજદારી કોર્ટમાંથી બદલી હુકમ સામે મનાઈ હુકમ લઈ આવતા તે મુજબ ઉપલેટા, જેતપૂર અને જસદણના ફોજદારો ‘મનાઈ હૂકમ’ ઉપર નોકરી કરતા હતા. જેમાં જસદણમાં ત્રણ મહિના પહેલા ફોજદારની બદલી થઈ અને જુના ફોજદાર સીક (માંદગી) રજા ઉપર ઉતરી ગયેલા અને નવા ફોજદાર જસદણ હાજર થઈ ગયેલ જુના ફોજદાર થોડા દિવસ પછી સ્ટે હુકમ લઈ આવ્યા પરંતુ પોલીસ વડાએ મનાઈ હુકમનો અમલ તો કર્યો તેમને ત્યાંજ રાખ્યા પરંતુ નવા ફોજદાર ને જસદણમાં ચાલુ રાખ્યા વળીતે પણ સીનીયર હતા તેથી વિચિત્ર સ્થિતિ પેદા થઈ એક ચેમ્બર એક ખૂરશી એટલે બે માંથી જે વહેલો આવે તે ખૂરશીમાં બેસી જાય અને બીજો બહાર બેસે.

કોઈ માથાકૂટ કે ગંભીર બાબત આવે તો બંને જણ પેલો કરશે પેલો કરશે તેમ અગત્યના કામની પણ ફેંકાફેંકી કરતા અને તાલ એવો થયો કે ‘સહીયારી સાસુ અને ઉકરડે મોકાણ’ પંકિત મુજબ ગંભીર બાબતો કે વિવાદીત બાબતો પણ જમાદારોને સોંપી દેતા આથી આમ જનતામાં અસંતોષ ઘણો હતો.

આથી પોલીસ વડા એ સ્ટે હુકમ વાળા ફોજદારને  કે જે આવા ફેંકાફેંકી વાળા એક પ્રકરણમાં ફરજ મોકૂફ કરવાની ધમકી આપી સ્ટે હુકમ પાછો ખેંચાવ્યો અને પછી તે બંને ફોજદારોને એક સાથે જસદણથી બદલી નાખી જયદેવને જસદણ ફોજદાર તરીકે નિમણુંક આપી દીધી. જયદેવ માટે જસદણ એકાવન ગામો અને જસદણ ટાઉન એવા સંયુકત પોલીસ સ્ટેશનનો પ્રથમ અનુભવ હતો. તે સમયે રાજકોટ જીલ્લાનો સૌથી મોટો તાલુકો જસદણ હતો અને આ તાલુકાનાં પચ્ચીસ પચ્ચીસ ગામનાં બીજા બે પોલીસ સ્ટેશનો વિંછીયા અને ભાડલા હતા.

જસદણ જુનુ કાઠી દરબારોનું સ્ટેટ હતુ તેમાં હીંગોળગઢનો કિલ્લો તેનું પ્રાકૃતિક અભ્યારણ કેન્દ્ર અને મુળ સોમનાથ મહાદેવનું લીંગ ધરાવતું પ્રખ્યાત ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પણ આવેલ છે. સૌરાષ્ટ્રની મોટી ભાદર નદી આ તાલુકાના મદાવાના ડુંગરોમાંથી નીકળે છે. મદાવા ડુંગરના દક્ષિણ દિશાએ રાજકોટ તરફના ભાગમાંથી નીકળતી નદી ‘નીલભાદર’ અને સુરેન્દ્રનગર તરફની ઉતર દિશાએથી નીકળતી ‘સુખભાદર’ નદી કહેવાય છે. આ સિવાય ઘેલો ઈતરીયો નદી સાલેમાળના ડુંગરોમાંથી નીકળે છે. જસદણ ભૌગોલીક રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં દરીયાઈ સપાટીથી સૌથી વધુ ઉંચાઈ વાળો વિસ્તાર હોય તેને સૌરાષ્ટ્રના છાપરા તરીકે પણ ઓળખે છે.

તે સમયે જસદણના ધારાસભ્ય મામૈયાભાઈ ડાભી વિંછીયાના રહીશ હતા સાચા અર્થમાં લોક સેવક સંનિષ્ઠ અને નિતિમત્તા વાળા વ્યકિત હતા. વિંછીયા શાક માકેટમાં શાક બકાલાનો વેપાર કરતા અને મુસાફરી એસ.ટી.બસમાંજ કરતા. કોઈ પણ વ્યકિત દિવસના ચોવીસ કલાક દરમ્યાન ગમે ત્યારે તેમને મળી શકતી તાલુકા પંચાયત પ્રમુખ ગાંધી ટોપી ધારક લક્ષ્મણભાઈ પણ પ્રજા સેવક જ હતા. જયારે જસદણ નગર પાલીકાના સભાપતી ભાસ્કરભાઈ થડેશ્ર્વર પણ સાચા રાષ્ટ્રવાદી પ્રજાના સેવક હતા તેઓ જસદણ છત્રી બજારમાં સોની કામની દુકાન ધરાવતા હતા. પરંતુ તે દુકાન ખરા અર્થમાં પ્રજાની ફરિયાદ સાંભળવાનું કેન્દ્ર જ હતુ ગામડાની પ્રજા જસદણ હટાણુ કરવા આવે સાથે કાંઈક કામ લેતા આવે અને ભાસ્કરભાઈ તેની જોડે નિસ્વાર્થભાવે દોડીને તેના કામ માટે પોતાનું કામ પણ પડતુ મૂકી ને જતા. હાલના યુવાનોને આવા સેવા ભાવી રાજકારણીઓ જોવા તો ઠીક કલ્પના કે સ્વપ્નમાં પણ દેખાય તેમ નથી!

જસદણ હાજર થઈ જયદેવે તમામ ગામોની વિલેજ ક્રાઈમ નોટબુક ભાગ ૫ વાંચી લીધી તાલુકો અને ગામડાઓ બહુ પછાત હતા જૂની ઉકિત જસદણ વિસ્તાર માટે છે તે મુજબ ‘ખડ પાણા ને ખાખરા અને કાંટા નો નહી પાર’ વગર દીવે વાળુ કરે તે આ દેવકો પાંચાળ’ મુજબની જ ભૌગોલિક, સામાજિક સ્થિતિવાળુ હતું. પાંચાળ ભૂમિમાં ચોટીલાનું થાન પાસેનું તરણેતર ગામ પણ આવે છે. તરણેતરનો અર્થ ‘ત્રિનેત્રેશ્ર્વર’ એવો થાય છે. કે જયાં મહાભારત કાળમાં પાંડવ કુમાર અર્જુને પાણીમાં જોઈને માછલીની આંખ વિંધેલી તે જગ્યા ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ તરીકે આવેલ છે. એટલે કે આ ભૂમિ દ્રૌપદીના પિયરની હતી એટલે દ્રૌપદી પણ પાંચાલી તરીકે ઓળખાતી હતી.

અહી રાજકીય ખટપટો ઓછી હતી તેથી જયદેવને લાગ્યું કે લગભગ તો અહિંથી જલ્દી બદલી નહિ થાય વળી આવી કડકા માથાભારે ગુનેગારો અને પછાત તાલુકા મથકે પોલીસ અધિકારીઓમાં પણ ખાસ આવવા માટે હરીફાઈ નથી હોતી કેમકે આવા પોલીસ સ્ટેશનમાં કાંઈ ‘માખણમાંથી માખી કાઢવા જેવું સહેલુ નથી હોતુ પણ માથુ ફોડીને લોહી કાઢવાનું હોય છે’ આથી જયદેવે પૂરી તાકાતથી ‘કાયદાની અમલવારીના અને સત્યમેવ જયતે’ના પ્રયોગો કરવાનું નકકી કર્યું.

જસદણ તાલુકો ઈઝરાયેલની માફક ફરતો માથાભારે વસ્તી વાળા અને પછાત તાલુકાઓથી ઘેરાયેલો હતો. પૂર્વ દિશાએ સુરેન્દ્રનગરના ચોટીલા અને સાયલા દક્ષિણે ભાવનગરના પાળીયાદ , બોટાદ અને ગઢડા પશ્ર્ચીમે અમરેલીનાં બાબરા કુકાવાવ અને ઉતરે વાસાવડ ગોંડલ અને રાજકોટ તાલુકાઓની સરહદો આવેલી હતી. આ બધા તાલુકાઓનાં માથાભારે અને ધંધાદારી ગુનેગારોને મળવાનું ભેગા થવાનું સ્થળ એટલે જસદણનું આટકોટ જે પોરબંદર, અમદાવાદ વાયા ધંધુકા રોડ અને રાજકોટ ભાવનગર હાઈવેનું ક્રોસીંગ જંકશન હતુ આટકોટનું બસ સ્ટેન્ડ તેમનો અડ્ડો હતો. જસદણ પોલીસ સ્ટેશનમાં જસદણ કરતા આટકોટ આઉટ પોસ્ટનું ક્રાઈમ અને કાયદો અને વ્યવસ્થા ગંભીર હતા આટકોટમાં ધંધાદારી અને બનેલા ગુનેગારોની ગેંગો વચ્ચે અગાઉ મારામારી ખૂન રાયોટીંગનાં ગુન્હાઓ પણ બનેલ હતા.

આટકોટમાં આવી સક્રિય ગેંગો પૈકી ગોંડલના મોટાદડવા તથા આજુબાજુનાં ગામોની ગેંગ, આટકોટ તથા બાબરાના ઉંટવડ ગામની ટોળકી; જંગવડ અને હલેન્ડાની ગેંગો ધંધા અર્થે કે ખાલી દાદાગીરી માટેની સ્પર્ધા માટે હરીફો સાથે ગમે ત્યારે ઘર્ષણમાં આવતી એસ.ટી.બસ સ્ટેન્ડ વાઘરી ગેંગો અને પીકપોકેટર્સ માટે પણ મોકળુ અને રેઢુ પડ હતુ ટ્રાવેલ્સ અને પેસેન્જરો વાહક વાહનોના પણ ડખ્ખા ઓછા નહતા. બાકી રહ્યું તે બસ સ્ટેન્ડ અને હાઈવે ઉપર બેફામ દબાણ અને પેશકદમી તેમાં પણ ગેંગો રસ લેતી હોય આટકોટ અને જસદણની પ્રજા આવિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી ત્રાહીમામ પોકારી ગઈ હતી.

જયદેવે ભેળાઈ ગયેલા જસદણ પોલીસ સ્ટેશનમાં આ સૌથી પહેલો વિકટ કોઠો ઓટકોટનો પાર કરવાનો હતો. તેણે સૌ પ્રથમ આ વિકટ પરિસ્થિતિનો સામાજીક ગૂનાહિત અને ભૌગોલીક દ્રષ્ટિએ અભ્યાસ કરી લીધો. તેણે જોયું કે છેલ્લા ઘણા વર્ષોથી આ કડકા લૂખા માથાભારે શખ્સો સાથે કોઈ પોલીસ અધિકારીએ મોરચો એટલો માટે નથી માંડયો કે આલુખાઓ ને બહાર રહેવું કે અંદર (જેલ)માં રહેવું તે સરખુ જ હતુ પોલીસ અધિકારીઓને પોતાને વ્યકિતગત તો કોઈ વાંધો કે તકલીફ હતી નહિ તો શુકામ મોરચો માંડવો? (પછી પ્રજાનું ભલે જે થયું હોય તે થાય) અગાઉ પાળીયાદમાં કોઈ સીંધી પોલીસ ઓફીસરે મોરચો ખોલેલો તો તેને પાન ખાવામાં કે પીણામાં કોઈ ઝેર આપી દીધેલ અને તે મૃત્યુ પામેલ, અને તે ગુન્હો પણ વણ શોધાયેલો જ રહેલો પરંતુ જયદેવે આ આમ જનતા ઉપરનો અત્યાચાર દૂર કરવાનું પાકા પાયે નકકી કર્યંુ.

તેણે પોતાનું જ જે સૈન્ય (પોલીદળ) હતુ તેમાંથી પર્સનલ સ્ટાફ માટેનું સિલેકશન (પસંદગી) ચાલુ કર્યું જે પોલીસ જવાન જયદેવની પડકાર રૂપ ફરજની રમતમાં લાઈન લેન્થ બરાબર જાળવી શકે અને વિકટ સંજોગોમાં પણ અડીખમ ઉભા રહી શકે તેવા ને પસંદ કરવાના હતા. કેમકે આતો એક પ્રકારની મીની વોર જ હતી જેમાં શામ દામ અને ભેદની નીતિથી તમામ પ્રકારનાં ગૂનેગારો આશ્રયદાતાઓને માત (પરાજીત) કરી કાયદાનું શાસન પ્રસ્થાપિત કરી પ્રજાને શાંતિનું ભયરહીત જીવન પ્રદાન કરવાનું હતુ.

સૌ પહેલા એક જમાદાર પસંદ કર્યા હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ નરભેશંકર ત્રિવેદી જે પ્રજામાં અતિશય લોકપ્રિય અને પીઢ હતા. તેમણે મોટાભાગની નોકરી ભાડલા, વિંછીયા અને જસદણમાં જ કરેલી હતી વિંછીયા ગ્રામજનોએ તો રાજય સરકારની મંજૂરી મેળવી તેમનું સન્માન કરી ‘પ્રજામિત્ર’નું પ્રમાણ પત્ર પણ પોલીસ અધિક્ષકના હસ્તે આપેલું. વળી પોલીસ સ્ટાફમાં તેમને હુલામણ નામ ‘પાંચાળ પીર’ તરીકે સંબોધતા જયદેવે હસુભાઈને જ પૂછપરછ કરી તેની સાચી અને ખાસ ઓળખાણ શોધી કાઢી હસુભાઈનું વતનનું ગામ ચંદરવા ધંધુકા તાલુકાનું હતુ અને ગુજરાતનાં મુધરન્ય લેખક પુષ્કર ચંદરવાકરના તેઓ ભત્રીજા હતા. આ સાંભળ્યાપછી તેના સંસ્કાર, નિષ્ઠા અને પ્રતિષ્ઠા અંગે બીજું કાંઈ વિચારવાનું જ નહતુ જયદેવે હસુભાઈની પોતાના પ્રધાન કે સેનાપતી જે કહો તે પદ માટે નીમણુંક કરી જયદેવને હવે પછીનાં તેના આયોજન અને ઓપરેશનોમાં તેમનો મોટોસહકાર અને સાથ મળ્યો.

આટકોટ આઉટ પોસ્ટમાં આમતો એક જમાદાર અને બે કોન્સ્ટેબલો હતા જમાદાર અભયસિંહ ખરેખરતો પ્રજાને અભય વચન આપવાને બદલે ભયભીત કરવાનું જ કામ કરતા હતા. તેઓ ફકત કોઈ બનાવ આટકોટમાં બને તો જસદણથી અધિકારી સ્ટાફ સાથે આવે પછી જ જેતે જગ્યા ઉપર જવાનું કામ કરતા હતા. તેમની આવી મનોવૃત્તિનું કારણ અગાઉ જણાવ્યું તેમ જસદણના અધિકારીઓની નબળી માનસીકતા પણ હતી.

જયદેવે સૌ પ્રથમ આટકોટમાં મોટો પ્રશ્ન હોઈ તે મેદાન સાફ કરવાનું આયોજન કર્યું જયદેવે આટકોટ બસ સ્ટેન્ડ માટે જ ખાસ બે સક્ષમ જવાનો ભવતુભા જાડેજા અને વસંત મકનજીને મૂકયા અને સુચના કરી કે બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોઈ બનાવ બનવો ન જોઈએ કોઈ ઈમરજન્સી લાગે તો તાત્કલીક પોતાને જસદણથી બોલાવી લેવા જણાવ્યું.

જયદેવે સાંજના રોલકોલ (હાજરી)માં તમામ જવાનોને સખ્ત સૂચના કરી કે દા‚ પીને કોઈ મળશે તો તેની સાથે ગુનેગાર જેવો જ વ્યવહાર થશે કોઈ પોલીસ ખાતાની પ્રતિષ્ઠા ને હાની થાય તેવું વર્તન કરશે નહિ કોઈએ ગુનેગારો, દાદાઓ કે ગુંડાઓથી જરા પણ ડરવાનું નથી પક્ષપાત રહીત કાયદો તમામ માટે સમાન ગણી ગમે તે ચમરબંધીને પણ તેમાં છૂટછાટ નહિ આપવા જણાવ્યું અને કડકાઈથી બે નંબરી ધંધાઓ ઉપર ઘોંસ ચાલુ કરી.

ટુંકમાં કોઈ પણ કાર્યવાહીમાં સફળતા માટે પાકો આત્મ વિશ્ર્વાસ, સમર્પણ, ધગશ, બુધ્ધી પૂર્વકનું પક્ષપાક્ષીથી રહીત આયોજન અને તાબાનાં માણસો તથા સમાજના સજજન સેવાભાવી અને તે પણ પક્ષાપક્ષીથી રહીત હોય તેવી વ્યકિતઓ સાથે સંકલન કરવું જરૂરી છે. પોલીસ ખાતા માટે મુત્સદીગિરી, થોડી શ્રી કૃષ્ણનિતી અને જરૂર પડયે છત્રપતિ શિવાજીની નિતી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.