એક વર્ષ સુધી શિસ્ત, પરેડ અને કાયદાના પાઠ સફળતાપૂર્વક પાસ કર્યા
તે સમયે ગુજરાત પોલીસનું ફોજદારો માટેનું તાલીમ કેન્દ્ર પોલીસ ટ્રેનીંગ કોલેજ જૂનાગઢ બીલખા રોડ ઉપર હતું. જયારે કોન્સ્ટેબલો માટે ટ્રેનીંગ કેન્દ્ર વડોદરા અને એસ.આર.પી. સ્ટેટ રીઝર્વ પોલીસનું તાલીમ કેન્દ્ર જૂનાગઢ પાસે ચોકી વડાલ ગામે હતું.
તે સમયે ફોજદારની તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેતો પરંતુ તાલીમ શારિરીક માનસિક અને વ્યવસ્થાકીય રીતે ખુબ આકરી અને સતત વ્યસ્ત રહેતા ટ્રેનીંગમાંથી અમુક તાલીમાર્થીઓ અવશ્ય ભગોડો થતા (નાસી જતા) ભાવનગર જિલ્લામાંથી પસંદગી પામેલા તથા વેઈટીંગ લીસ્ટમાં રહેલ ઉમેદવારો ચોક્કસપણે માનતા હતા કે જયદેવનો દુબળો પાતળો બાંધો અને બુધ્ધીજીવી વ્યક્તિ આ ત્રાસદાયક તાલીમ સહન નહિં કરી શકે અને લગભગ ભગોડો થશે. પરંતુ જયદેવને ખ્યાલ હતો કે “વેર ધેર ઈઝ એ વીલ, ધેર ઈઝ અ વે “મન હોય તો માળવે પણ જવાય એટલે જયદેવે એટલું જ નક્કી કરેલું કે જો અધિકારી કક્ષાની કોઈ સિવિલ સર્વિસ મળે તો જ જવું બાકી લડી લેવાનું છે.
અન્ય સુરક્ષા દળો જેવા કે બી.એસ.એફ. આર્મી, સી.આઈ.એસ.એફ કે આઈ.ટી.બી.પી.ની ટ્રેનીંગ અને પોલીસદળની ટ્રેનીંગમાં મેદાન (ગ્રાઉન્ડ) કક્ષાએ ખાસ કોઈ ફેરફાર હોતો નથી. પી.ટી. પરેડ, શિસ્ત વિગેરે સમાન જ પરંતુ ગ્રાઉન્ડમાં વેપન ટ્રેનીંગ, ઓપ્ટીકલ્સ, ફીલ્ડ ઓપરેશન, ટ્રેકીંગમાં થોડો ઘણો ફેરફાર હોય છે. પરંતુ ફોજદારની ટ્રેનીંગમાં અઘરી વાત એક વર્ષમાં તમામ મુખ્ય કાયદાઓ હાઈસ્કુલ માફક આખો દિવસ બેસીને ભણવા પડે તે વધારામાં હોય છે.
વહેલી સવારના પાંચ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધીનો આખા દિવસનો ભરચક્ક કાર્યક્રમ ઘડીયાળના કાંટે તો ઠીક પણ અહિં તાલીમ કેન્દ્રમાં બ્યુગલના રણકારથી સહેજ પણ આગળ પાછળ થોડા પણ ફેરફાર વગર પુરી નિયમીતતાથી ચાલે છે તેમાં દર કલાકે હાજરી પણ થતી હોય છે.
તેમાં ખાસ તો પરેડ અને પીટી (ફીઝીકલ ટ્રેનીંગ)નો કાર્યક્રમને સવારના છ થી નવ વાગ્યા સુધીનો હોય છે તે જ ખરેખરો કટોકટીનો હોય છે. પ્રથમ ફોલ ઈન (લાઈન બધ્ધ ઉભા રહેવાનુ) થઈ હાજરી પછી પરેડ ગ્રાઉન્ડમાં રનીંગ ચાલુ થાય અને રનીંગ પુરું થતાં જ તુરંત દોડ કદમ તાલ કરતા કરતા પીટી માટેના ફોર્મેશનમાં ગોઠવાઈને પીટીના એક પછી એક દાવ ચાલુ કરી દેવાના પીટી પુરી થાય તે સાથે જ અલગ અલગ ઓપ્ટીકલસ ચાલુ થઈ જાય. આ કાર્યક્રમ પોણો કલાક થી એક કલાક ચાલે તેમાં કસોટી આ તાલીમાર્થીઓ (કેડેટો) અને ડ્રીલ ઈન્સ્ટ્રકટર (પ્રશિક્ષક) બન્નેની હોય છે. કેડેટો શ્ર્વાસ લેવા ઉભા રહેવા થંભી જવાનો મોકો શોધતા હોય છે. જયારે ઈન્સ્ટ્રકટર કેડેટોનો આ સમય ગાળામાં એક સેક્ધડ પણ પગ થંભે નહિ તે રીતે હુકમ (વર્ડ ઓફ કમાન્ડ) ઉપર હુકમ કરી આકરી ભાષામાં અને હરીફાઈ કરાવી અને કેડેટોમાં કોણ ચડીયાતો કોણ લબડી પડેલ તેવું વાતાવરણ ઉભુ કરી કેડેટોને ચાલુ જ રાખવામાં આવે અને પરસેવે રેબઝેબ થાય તો પણ થંભવાનું નામ નહિ લેવાનું, જ્યાં સુધી બ્યુગલ વાગે અને પાંચ મીનીટનો રીસેસ પડે ત્યાં સુધી આ પાંચ મીનીટમાંપણ પીટી શુઝ પીટી ડ્રેસ કાઢીને પરેડના હોલબુટ અને પટ્ટો તથા કેપ ચઢાવી લેવાની બાંડીસ પટ્ટા બાંધી લેવાના અને આ કાર્યવાહી દરમ્યાન કેડેટોની નજર તો બ્યુગલર ઉપર જ હોય છે કયારે સાવધાન થઈ બ્યુગલ ઉપાડે છે. જયાં કેપ ચડાવે ત્યાં જ બ્યુગલ વાગે અને દોડતા જઈને રાયફલ ઉપાડીને ફોલ ઈન થઈ જવાનું. શ‚આતમાં ફકત સ્કોડ ડ્રીલ હુકમ મુજબ તાલબધ્ધ પગ મેળવીને ચાલવાનું હોય છે. ત્યારબાદ આર્મ્સ ડ્રીલ એટલે કે બંદૂક લઈને હાથ પગ એક જ સાથે (તમામના) ચાલે તે રીતે ચાલવાનું. જેમ ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે દિલ્હી લાલ કીલ્લા ઉપર પરેડની માર્ચ પાસ્ટ થાય છે તેમ. ત્યારબાદ જુદા જુદા હથીયારો બેટન, લાઠી, બંદૂક, સ્ટેનગન, રીવોલ્વર, પીસ્ટલની તેના હીસ્સા પૂર્જાથી લઈ ચલાવવા અને સાચવવાની તાલીમ આપવામાં આવે છે.
ઋતુ પ્રમાણે પીટી અને પરેડના ટાઈમમાં અડધો કલાક આગળ પાછળ થાય પરંતુ ઘટાડો ન થાય. શિયાળામાં કડકડતી ઠંડીમાં ફકત એક જરસી વધારામાં પહેરવા મળે બાકી ગીરનાર અને દાતારના ડુંગરોમાંથી આવતી કાતીલ ઠંડી હવા ખુલ્લા મેદાનમાં ઉભેલા કેડેટોને ઠુંઠવતી કંપાવતી હોય છે. પણ એક વખત ફોલ ઈન થયા પછી હલવાનું જરા પણ નહિ અને જરા પણ અવાજ આવો ન જોઈએ જો કોઈ આ બાબત અશિસ્ત થાય એટલે તાત્કાલીક સજા ‚પે મેદાનના એક કે બે ચક્કર દોડીને મારવાની સજા કે ફ્રન્ટ રોલ કે ઢઢુ ચાલની સજા થાય. એકંદરે શિસ્ત જડબેસલાક હોય છે.
ચોમાસામાં તો એકાદ ઈંચ વરસાદથી કાંઈ પરેડ પીટી બંધ ન રહે સિવાય કે મેદાનમાં પાણી ભરાય જાય તો પણ જૂનાગઢનું પરેડનું મેદાન એવું હતું કે ગમે તેટલો વરસાદ હોય પાણી દડીને ચાલ્યુ જતુ અને પથરાળ જમીન કોરીને કોરી અને કેડેટોને પરેડમાંથી મુકતીની આશા ફળતી નહીં. જો વરસાદ ખુબ ચાલુ હોય તો લાંબી બેરેકોમાં ફોલ ઈન કરી ઉભા ઉભા પીટી એકસાઈઝ કરવાની વળી જો ખુબ અવ્યવસ્થા વરસાદે કરી હોય તો કેડેટો લાઈન ફોર્મેશનમાં સ્કોડ વાઈઝ બીલખા રોડ ઉપર દોડતા જવાનું અમુક અધિકારીઓ દોડતા તો અમુક પોલીસના અશ્ર્વો ઉપર સવાર થઈને કેડેટો સાથે રહે ! ટુંકમાં પીટી પરેડમાં કોઈ બાંધછોડ નહીં.
કોચમાં રાયફલો, હથિયારો જમા કરીને સવા નવ વાગ્યે ‚મ ઉપર આવીને સીધા નહાવા માટે દોડવાનું નાહીધોઈને મેસમાં જમીને અગિયાર વાગ્યે કોલેજના કલાસ‚મમાં પહોંચી જવાનું હાજરી તો અહીં પણ પુરાય. કોલેજમાં પણ નિશ્ર્ચિત યુનિ.ફોર્મ પહેરીને જ જવાનું. કોલેજમાં ઈન્ડોર કાર્યક્રમોમાં જુદા-જુદા પીરીયડો જુદા-જુદા વિષયો જેવા કે ઈન્ડિયન પીનલ કોડ, ક્રિમીનલ પ્રોસીજર કોડ, એવીડન્સ એકટ, અનેક માયનોર એકટ, મેડિકલ જયુરીસપ્રુડન્સ, ફીંગર-ફુટ પ્રિન્ટ અને પોલીસ મેન્યુઅલ વિગેરેના અલગ-અલગ નિષ્ણાંત અધિકારીઓ, સરકારી વકીલો શીખવતા હતા. બપોરે બે થી ત્રણ રીસેસ રહેતો જેમાં યુનિફોર્મ બદલીને સ્પોર્ટ ડ્રેસ પહેરવાનો રહેતો. જેથી સાંજે પાંચ વાગ્યે કોલેજથી છુટીને સીધા મેદાનમાં કાંતો વર્કીંગ અને કાં ગેઈમ્સમાં છ વગાડવાના રહેતા.
સાંજે વાળુ પાણી કરીને આઠ વાગ્યાથી તમામની મોટી હાજરી પુરાતી જેને રોલકોલ કહેવામાં આવે છે. જેમાં તમામને આઉટડોર ઈન્ડોરના કાર્યક્રમો અંગે જ‚રી સુચનાઓ કરવામાં આવતી અને કેડેટોને પોતાની અંગત રજુઆત, બીમારી તથા રજા અંગે સાંભળવામાં આવતા રજાઓ તો જોકે મંજુર થતી જ નહીં. આ રોલકોલનું સંચાલન ઈન્ડોરના એક પોલીસ અધિકારી કરતા જેમને વિક ઓફિસર તરીકે સંબોધવામાં આવતા. દરેક અઠવાડીયે આ વિક ઓફિસર બદલાઈ જતા આ વિક ઓફિસરની મદદમાં એક કેડેટને મુકવામાં આવતો જેને ડબલઓ (ઓફીસ ઓર્ડરલી) કહેવામાં આવતો. આ રોલકોલ આમ તો હાજરી અંગે રજુઆત-સુચના માટેનો હોય છે પણ ઘણા વિક ઓફિસર પોતાના વિચારો અને પોતાનો માભો પાડવા એક-એક કલાક ભાષણ પણ ઠોકતા. આ બાજુ કેડેટોના પગે પાણી ઉતરતા હોય આખા દિવસની રઝળપાટનો થાક અને આ બાજુ લેકચર ચાલુ હોય પણ શિસ્ત ભંગ થાય તો અહી પણ ઢઢુચાલ અને ફ્રન્ટરોલની સજા ઉભી જ રહેતી.
જાહેર રજાના દિવસોમાં આ ટ્રેનીંગ કેમ્પસમાંથી બહાર જવાની છુટ રહેતી. લગભગ તમામ કેડેટોને કાળવા ચોક બહુ પ્રિય હતો. છુટીને લગભગ તમામ પહેલા કાળવા ચોકમાં આવતા. કેટલાક સિનેમા જોવા જતા પરંતુ જયદેવ જુનાગઢના ઐતિહાસિક સ્થળો તથા આજુબાજુના ધાર્મિક અને જોવા લાયક સ્થળો જોવા જતો. વર્ષના અંતે દાતારના ડુંગરોની તળેટીમાં આવેલ ફાયરીંગ બટમાં રાયફલો ૩૦૩, મસ્કેટ ૪૧૦ વિગેરેના તથા રીવોલ્વરની ફાયરીંગ પ્રેકટીસ એટલે કે ફોડવાની જુદા-જુદા પ્રકારના ટાર્ગેટ (નિશાનો) ઉપર પ્રેકટીસ કરવામાં આવતી. ઈન્ડોર આઉટડોરની પણ પરીક્ષાઓ પુરી થતા પાસીંગ આઉટ પરેડ બાદ પરિણામ જાહેર થતા જે ઉતીર્ણ ઉમેદવારો હોય તેમની જુદા જુદા જીલ્લાઓમાં નિમણુકના હુકમ પણ થઈ જતા હતા. જેમાં જયદેવનું પોસ્ટીંગ પ્રોબેશન પીરીયડ માટે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં થયું.
અહિં પણ જયદેવે જીંદગીમાં કયારેય જોયુ કે સાંભળ્યું ન હોય તેવું એક જુદા જ પ્રકારનું અને કંઈક વિચિત્ર જીવન શ‚ થયું. પ્રથા એવી હતી કે સૌપ્રથમ વખત જીલ્લા પોલીસ વડા પાસે હાજર થતી વખતે ફર્સ્ટ ડ્રેસ પહેરવાનો જે જુના જમાનાનો બહાર ખીસ્સા અને ઓવરકોટ જેવો આખી બાંચનો કોટ અને ટાઈ બાંધવાની, કોટસ બેલ્ટ અને પી કેપ પહેરવાની રહેતી જે હેટ જેવી આવે છે તે.
તે સમયે પોલીસ વડાની કચેરીનો લગભગ તમામ વહિવટ હોમ પોલીસ ઈન્સ્પેકટર ચલાવતા હતા. જેઓ ખુબ જ અનુભવી પીઢ અને જાણકાર રહેતા. તે સમયે અધિકારીઓ વચ્ચે ખુલ્લા દીલે વિચારોની આપ-લે મુકત મને કરવાની પ્રથા હતી. રાજકોટ ‚રલ જીલ્લામાં નિમણુક પામેલ ચારેય પ્રોબેશ્નલ ફોજદારોના પોસ્ટીંગનું કાર્ય પોલીસ વડાએ હોમ ઈન્સ્પેકટરને સોંપેલુ તો હોમ ઈન્સ્પેકટરે પણ તમામ ઉમેદવારોને પુછીને તેમની ઈચ્છા મુજબ પોસ્ટીંગ શ‚ કર્યું. એક મોરબી એક ગોંડલ એક જેતપુર ઉમેદવારોની ઈચ્છા મુજબ નિમણુકો થઈ. જયદેવને પુછયું કયાં જવું છે ? જયદેવને પોલીસ ખાતાનો કોઈ અનુભવ નહીં હોય તેણે કહ્યું આપને યોગ્ય લાગે તે જગ્યાએ અને જયદેવને ધોરાજી ખાતે પોસ્ટીંગ મળ્યું. ચેમ્બર બહાર એક પીઢ જમાદાર ઉભા હતા તેણે વાત જાણીને કહ્યું ધોરાજી સૌથી સારુ પોસ્ટીંગ છે ત્યાં તમામ પ્રકારના ગુન્હા બનતા હોય. દરેક પ્રકારની પ્રાયોગીક તાલીમ મળી જશે. જયદેવ ખુશ થયો. કેમ કે તેને માટે તો તમામ બાબત નવી જ હતી.
રાજકોટથી જેતપુર તેના મિત્ર પ્રોબેશ્નલ ફોજદાર રાણાને ઉતારીને જયદેવ ટેક્ષીમાં ધોરાજી આવ્યો. ટેક્ષીવાળાએ ટેક્ષી સીધી પોલીસ સ્ટેશનમાં કંપાઉન્ડમાં લીધી. ધોરાજી પોલીસ સ્ટેશન, સબ જેલ અને પોલીસ લાઈન ગોંડલ સ્ટેટના સમયની એક જ વિશાળ કંપાઉન્ડમાં હતી.
પોલીસ સ્ટેશનની ઓસરીમાં એક જમાદાર યુનિફોર્મ પહેરીને ચશ્મા ચડાવીને લખતા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાનું કામ જે જમાદાર કરે છે તેને પી.એસ.ઓ એટલે કે પોલીસ સ્ટેશન ઓફિસર કહે છે. તેની સાથે એક કોન્સ્ટેબલની પણ નિમણુક હોય છે. આ બન્ને હોદા વાઈઝ જગ્યા ઉપર પોલીસ સ્ટેશનમાં ચોવિસેય કલાક ફરજ ઉપર હાજર મળેજ છે. જયદેવ ટેક્ષીમાંથી નીચે ઉતરતા જ આ જમાદારે ટેક્ષી પાસે આવી જયદેવને સેલ્યુટ -સલામ કરીને પૂછયું ‘ફરમાવો સાહેબ’ જેથી જયદેવ કહ્યું કે પોતે અહીં હાજર થવા આવેલ છે. જેથી જમાદારે ટેક્ષીવાળાને જ જયદેવનો સામાન ઓફીસમાં મૂકવાનું કહી કોન્સ્ટેબલને સીનીયર ફોજદારને ઘેર આ જાણ કરવા દોડાવ્યો વિશ્રામગૃહમાં રહેવાની વ્યવસ્થા થઈ.
થોડીવારે ધોરાજીના ફોજદાર સુથાર આવ્યા જયદેવે પોતાની ઓળખાણ આપી સુથારે જયદેવને આવકારી વાતોચીતો ચાલુ કરી જયદેવે કહ્યું કે પોતે અજમાયશી ફોજદાર તરીકે આવેલ છે. પોલીસ વહીવટ શિખવાનો છે આ બાબતની પોતાને કોઈ જ ખબર નથી. જેથી સુથારે કહ્યું ચિંતા ના કરશો તમારે જ આ ધોરાજી પોલીસ સ્ટેશન ચલાવવાનું છે. અને મોટેથી સાદ પાડયો ‘દેવદાન’ આથી સાદા કપડામાં એક કોન્સ્ટેબલ આવ્યો તેને સુથારે હુકમ કર્યો કે આ નવા ફોજદાર જયદેવ છે તેમને તમામ રીતે તૈયાર કરી દેવાના છે. દેવદાને કહ્યું ભલે સાહેબ ચાલો અને જયદેવ તે દિવસથી દેવદાન સાથે જ બેસતો દેવદાન સીનીયર ફોજદાર સુથારનો રાયટર હતો અને ધોરાજી પોલીસ સ્ટેશનનો ઈન્વેસ્ટીગેશન (તપાસ)થી લઈ લગભગ તમામ કામગીરી તેજ કરતો તે દિવસથી જયદેવ દેવદાન તથા અન્ય તમામ કર્મચારીઓ સાથે મળી જઈ પોલીસ સ્ટેશનનું તંત્ર રાત દિવસ કેવી રીતે ચાલે છે. તેનો પ્રત્યક્ષ અનુભવ લેવા માંડયો.
એફ.આઈ.આર. એટલે કે ફરિયાદ પી.એસ.ઓ. પાસે દાખલ થાય ત્યાંથી શ‚ કરીને પોલીસ સ્ટેશનના તમામ ટેબલો જેવા કે ક્રાઈમ , એમ.ઓ.બી. ફીંગર પ્રિન્ટ, ફોટોગ્રાફી, રાયટર હેડ એકાઉન્ટ અને મુદામાલ ઈન્વેસ્ટીગેશન ટીમ, ચોકી બીટનો સ્ટાફ ડીટેકટીવ સ્ટાફ જીપના ડ્રાઈવરો સહિત તમામ સાથે આત્મીયતા કેળવી કામગીરી ચાલુ કરી જેને જ‚ર પડે તે જયદેવ પાસે દોડી આવે અને જયદેવ પણ નવી કામગીરીમાં ડીસ્ટાફ જોડે તથા તપાસોમાં ઈન્વેસ્ટેગેશન સ્ટાફ તથા દેવદાન સાથે પણ જવા લાગ્યો બેથી ત્રણ મહિના માંજ જયદેવને પોલીસ સ્ટેશનની લગભગ તમામ કામગીરીનો જાત અનુભવ મળી ગયો.
ત્રણ મહિના પછી થોડો ફેરફાર થયો હવે તપાસ કરનાર અધિકારીઓ જયદેવને શોધીને પોતાની તપાસમાં મદદ માટે સાથે લઈ જવા લાગ્યા જયદેવ પોતાનું જ કામ હોય તેમ દરેકને મદદ કરતો. આથી તમામ કર્મચારીઓ ઈન્વેસ્ટીગેશન ઉપરાંત વહીવટ, કાયદો અને વ્યવસ્થા બંદોબસ્ત અને કાયદાકીય બાબતે જયદેવની સલાહ લેવા લાગ્યા તમામને તેમના કામ જયદેવની સૂચના મુજબ કરતા બહુ સરળ રીતે થતા હતા.
જયદેવ પણ કોઈ અર્ધી રાત્રે ફોન કરી મદદ માંગે તો હોંશે હોંશે મદદ કરતો ત્રણ ચાર મહિનામાં જયદેવે સ્ટાફના તમામ માણસોની વ્યકિતગત લાયકાત, ખાસ આવડત, ક્ષમતા અને તેની ઉપયોગીતા જાણી લીધેલા જો કોઈ ખામી હોય તો એકલા પાછળ હોય ત્યારે સુચના કરતો કુટેવો પોલીસ સ્ટેશનમાં ફરજ દરમ્યાન નહિ અને પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા માટે તમામમાં જાગૃતિ લાવી તંત્ર ને નવુ કલેકવર આપવા પ્રયત્ન કર્યો.
જયદેવે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારનો ભૌગોલીક સામાજીક, ધાર્મિક, રાજકીય, ગુન્હાહિત, ઔદ્યોગિક અને વાહન વ્યવહારની દ્રષ્ટીએ અભ્યાસ કરી લીધો. ધોરાજી જુના ગોંડલ સ્ટેટનું પ્રગતિશીલ, ઉચ્ચ કેળવણી પામેલ અને સમૃધ્ધ શહેર હતુ ભાદર ડેમની કેનાલોને કારણે ખેતી સમૃધ્ધ હતી ખાંડસરીઓ અને ઓઈલ મીલો ઘણી હતી તે સમયે ધોરાજી રાજયનું ખાધતેલના સટ્ટા બજારનું મુખ્ય કેન્દ્ર હતુ. આઝાદ ચોકમાં એક ખાસ સટ્ટાબજાર હતી તેમાં સટ્ટાની રીંગ હતી. તે સમયે પરોક્ષ રીતે શાસન તેલીયા રાજાનું રહેતુ તેવી ચર્ચા જાહેરમાં તથા છાપાઓમાં થતી. પરંતુ તે સમયે ધોરાજીની લોકલ પોલીસને ખબર જ નહતી કે તેલનો કયો સટ્ટો કાયદેસર અને કયો ગેરકાયદેસર? રાજકોટ સીઆઈડી ક્રાઈમ એફએમસી શાખાના એક પોલીસ ઈન્સ્પેકટર રઘુવંશી મહિનામાં એક વખત ધોરાજી આંટોમારી જતા.
સમૃધ્ધ ખેતી અને વસ્તી તેથી શહેરમાં ખેતી ધંધા માટે પરપ્રાંતીય મજૂરોની આવન જાવન વધારે ‘ગોળ હોય ત્યાં માખીઓ આવે જ’ તેમ આ સમૃધ્ધી હોય ત્યાં લૂંટ કરવા ચોરી કરવા તથા ઠગાઈ કરવા ઠગો પણ આવે જ. આથી ધોરાજીનો ક્રાઈમ રેટ વધારે હતો. ખાંડસરી અને ઓઈલ મીલોને કારણે માણસોની કમાણી વધારે તેથી દેશી દા‚ અને જુગાર પણ વધારે હતો. ટુંકમાં આંતર જીલ્લા ગુનેગારોનું લક્ષ આ શહેર ઉપર પણ હતુ.આથી જયદેવ તેના અજમાયશી સમયમાં જ પોલીસ ખાતાનાં કડવા મીઠા અનુભવોથી તૈયાર થતો હતો.