સોમવારનો દિવસ માત્ર ભારત વર્ષ નહી વિશ્ર્વ આખા માટે પવિત્ર અને અતિ પાવનકારી છે. અયોઘ્યામાં સરયુ નદીના કાંઠે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામનું સદીઓ બાદ નીજ મંદિરમાં પધરામણી થશે રામલલ્લાનો વનવાસ પુરો થશે. અવધમાં રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં અઢી મહિના બાદ ફરી દિવાળી જેવો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. જયશ્રી રામના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી રહ્યું છે. આગામી સોમવારે સૌરાષ્ટ્ર ‘અવધ’ બની જશે. શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવા માટે રામભકતોના રોમ-રોમમાં ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.
-
સરકારી કચેરીઓ, બેન્કો, ખાનગી કંપનીની ઓફીસ, ફેકટરી-કારખાના રહેશે અડધો દિવસ બંધ: શાળા-કોલેજોમાં રજા જાહેર
-
ગામે ગામ રામ મંદિરોમાં મન મોહક શણગાર: લોકડાયરા, સંતવાણી, મહાઆરતી, દિપોત્સવ, મહાપ્રસાદ સહિતના અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો
-
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવો અદભૂત માહોલ: લોકોના હૈયે હરખના ઘોડાપુર
ગુજરાતનો એક-એક નાગરીક અયોઘ્યામાં યોજનારી શ્રીરામ મંદિર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સામેલ થઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજય સરકાર હસ્તકની તમામ કચેરીઓમાં સોમવારે બપોરે 2.30 કલાક સુધી રજા જાહેર કરવામાં આવી છે. બોર્ડ નિગમની ઓફીસો પણ બંધ રહેશે. મોટી કંપનીઓ દ્વારા પણ તેમના કર્મચારીઓને સોમવારે રજા આપવામાં આવશે. બેન્કો પણ અડધો દિવસ બંધ રહેશે અને શાળા-કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ મોટા શહેરોથી લઇ છેવાડાના ગામડા સુધી રામ ભકતોમાં હૈયે ભગવાન શ્રીરામના વધામણા કરવા માટે રોમ-રોમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામે ગામ રામ મંદિરોમાં ભવ્યાતિભવ્ય શણગાર અને રોશની કરવામાં આવી છે. હાલ રાજયભરમાં મંદિરોમાં સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. ગામે ગામ સોમવારે અયોઘ્યામાં જયારે નીજ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે ત્યારે વિશેષ પુજા કરવામાં આવશે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રામમય બની જશે.
વર્ષોથી રામ મંદિરના નિર્માણની વાટ જોતી કરોડો આંખોને ટાઢક મળશે રામ મંદિર નિર્માણ માટે સેંકડો લોકોએ બલીદાન આપ્યા છે. તેઓને તર્પણ મળશે.
સૌરાષ્ટ્રના ગામે ગામ રામ મંદિર રામ મંદિરોમાં સોમવારે ભવ્યાતિ ભય લોકડાયરો, સંતવાણી, મહાઆરતી, દિપોત્સવ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતની સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષતનું ઘેર ઘેર વિતરણ કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા આજથી ગુજરાતમાં તમામ જિલ્લા અને મહાનગરોમાં ત્રણ દિવસ સુધી સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સોમવારે શહેરના તમામ 18 વોર્ડમાં શ્રીરામ મંદિર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટી લેવલ ફલાય ઓવર બ્રીજને પણ ‘શ્રીરામ બ્રીજ’ નામ આપવામાં આવ્યું છે. આગામી સોમવારે પ્રખર ભાગવતાચાર્ય ભાઇશ્રી પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે નામકરણ અનાવરણ વિધી કરવામાં આવશે.
રાજકોટના તમામ વિસ્તારોમાં આવેલા રામ મંદિરોમાં વિશેષ પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર માહોલ ભકિતમય બની ગયો છે. નાના ગામડાથી લઇ મેટ્રો સિટી સુધી તમામ જગ્યાએ માત્રને માત્ર રામના ગુણગાન ગવાય રહ્યા છે.
સોમવારના શુભ દિવસે શું કરીશું?
- ઘરના દરવાજાને આસોપાલવના તોરણ બાંધી ફુલોથી શણગારીશું
- ધરે ભવ્ય રંગોળી પુરીશું
- રાત્રે ધરની બહાર પાંચ દીવા કરીશું
- દરેક ઘરમાં શ્રી રામ દીવો પ્રગટાવીશું અને સાજે 06:30 કલાકે એક દિવો (કોડીયા સાથે) રામજી મંદિરમા લાવીને પ્રકટાવીશુ અને આરતીમા હાજરી આપીશુ.
- ફટાકડા ફોડીશું
- ઘરમાં લાપસી કે મીઠાઈ બનાવી ભગવાન રામને ધરાવીશુ
- દરેક વ્યક્તિ ધન્યતા અનુભવશે
- નવા ભારતીય પોશાક/વસ્ત્રો પહેરીને મંદિરે જઈશુ
- કેસરી કલરના ધ્વજ ઘર અને ઓફિસ ઉપર લગાવીશું
- આપણા જીવનમાં બે વાર દિવાળી ઉજવવાનો યોગ 500 વર્ષની રાહ જોયા પછી આવ્યો છે.