વિધાનસભાની ચૂંટણી પુરી, રીબડામાં વાતાવરણમાં ગરમાવો
બંને જુથ્થ વચ્ચે સમજુતિ થાય તે માટે ધાર્મિક, સામાજીક અને રાજકીય આગેવાનોએ આગળ આવવુ જરૂરી
રીબડાના પટેલ યુવાનની ફરિયાદ પરથી અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના બે પુત્રો સહિત છ સામે નોંધાતો ગુનો
ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પુરી થઇ છે પરંતુ હજી ગોંડલ વિધાનસભા મત વિસ્તારનું વાતાવરણ ગરમાયેલુ રહેતું હોવાથી બંને જુથ્થ દ્વારા થતા શક્તિ પ્રદર્શનના બદલે બને જૂથ્થ વચ્ચે સુલેહ શાંતિ અને સમજુતિનો માર્ગ અનિવાર્ય બન્યો છે. બંને પક્ષે સમાધાન થાય તે માટે ધાર્મિક, સામાજીક અને રાજકીય આગેવાનો દ્વારા આગળ આવી તાકીદે વાદ વિવાદ પુરો કરાવી ઘીના ઠામમાં ઘી પડી રહે તે જરૂરી બન્યું છે.
વિધાનસભાની ચૂંટણીમાં રીબડામાંથી ભાજપને 212 મત વધુ મળ્યા હોવાથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડાના રાજેશ ઉર્ફે અમિત દામજીભાઇ ખૂંટની વાડીએ ગૃપ મિટીંગ કરી આભાર વ્યક્ત કર્યો હતો. જેના કારણે રીબડા જુથ્થ દ્વારા રાજેશ ઉર્ફે અમિત ખૂટને ધાક ધમકી દીધાના આક્ષેપ સાથે મોડીરાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી ગયા હતા.
જયરાજસિંહ જાડેજાના સમર્થકો મોડીરાતે મોટી સંખ્યામાં કારના કાફલા સાથે રીબડા દોડી જતાં તંગદીલી સર્જાય હતી પરંતુ પોલીસ સ્ટાફ સમયસર પહોચી જતાં બંને પક્ષને સમજુતિ કરાવી બંને પક્ષના ટોળા વિખેરી નાખ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે રીબડાના રાજેશ ઉર્ફે અમિત દામજીભાઇ ખૂંટની ફરિયાદ પરથી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, શક્તિસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, લાલભાઇ દાઢી બાપુના દિકરા, જીજી બાપુના પુત્ર ટીનુભા અને ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે આઇપીસી કલમ 323, 506(2), 504, 114, 341 અને આમ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
બંને જુથ્થ વચ્ચેનો વાદ વિવાદ વધુ વકરે તે પહેલાં ધાર્મિક, રાજકીય અને સામાજીક આગેવાનો દ્વારા મધ્યસ્થી કરી વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે પણ સતત ટેનશનમાં રહે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્નસીલ રહી છે. ગતરાતે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને ઉગ્ર બનેલો મામલો થાળે પાડયો છે.
રીબડામાં સાંજે મહાસંમેલન !!
ગોંડલ ધારાસભ્યની ટીકીટના મુદે બંને જુથ મુદે ચાલતો વિવાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ થમવાનું નામ લેતો નથી ગતકાલે રીબડા ગામે રાત્રે થયેલી બઘડાટી બાદ ગોંડલ જુથ દ્વારા રીબડા ખાતે આજે તા.22ને ગુરૂવારે સાંજે 7 કલાકે મહાસંમેલન યોજવાની પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મહા સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલનમાં રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેવાના હોવાનું બહાર આવ્યું છે.પરંતુ આ સંમેલન ન યોજાય તે માટે રાજકીય અને સામાજીક આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.
રીબડામાં 212 મત નહીં 20 લાખથી વધુ મત મળ્યાનો સંતોષ: જયરાજસિંહ જાડેજા
રીબડામાં ગતરાતે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે થયેલી બોલાચાલી અંગે પૂર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આઝાદી બાદ સૌ પ્રથમ વખત રીબડામાં સ્વૈચ્છીક મતદાન થાયનું જણાવ્યું હતું.
રીબડામાંથી ભાજપને 212 મત મળ્યા હોવાથી પોતાના સમર્થકોને ધાક ધમકી દેવામાં આવે છે. તેમ પત્રકારોને મોડીરાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે.
પોલીસ રાજકીય ચંચુપાતમાં ગુનો નોંધવાનું કૃત્ય ન કરે: અનિરૂધ્ધસિંહ જાડેજા
વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ ચાલતા વાદ વિવાદ અંગે અનિરૂધ્ધસિંહ જાડેજાએ આ બાબત પોતાના સ્વમાનની હોવાનું મોડીરાતે પત્રકારોને જણાવી પોલીસે કોઈના ઇશારે નહી પણ પુરાવાને ધ્યાને લઇને ગુનો નોંધવાનું કહ્યું હતું.
લોકશાહીમાં કોને મત આપવો તે મતદાર સ્વતંત્ર હોય છે. ચૂંટણી પુરી થયા બાદ અમો અમારા કામ-ધંધે લાગી ગયા છીએ આમ છતાં અમને ઉશ્કેરવામાં આવી રહ્યાનું કહ્યું હતું.