આરોગ્ય સચિવે રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી: ટોસિલીઝુમેવનો ઉપયોગ વધારવા અને તાલીમી તબીબોની વધુ ને વધુ સેવા લેવા આરોગ્ય તંત્રને સુચના
આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા મોટી ઉંમરના તથા ગંભીર રોગ ધરાવતા લોકોને સ્વેચ્છાએ કવોરેન્ટાઇન થવાની અપીલ
રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની સારવારમાં સંલગ્ન ડોકટર્સ, નર્સ અને તબીબી વિદ્યાશાખાના તાલીમી છાત્રો સાથે બહુઆયામી વાતચીત કરી હતી, અને શહેરમાં તથા જિલ્લામાં પ્રવર્તતી કોરોના સંબંધી સ્થિતિનો ઉંડાણપૂર્વકનો તાગ મેળવ્યો હતો.
રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, ડીન ડો. ગૌરવી ધૃવ, ડો. મનીષ મહેતા વગેરેની ટીમ પાસેથી સચિવ જયંતી રવિએ રાજકોટની કોરોના સંબંધી સ્થિતિની રજે-રજ માહિતી મેળવી હતી. જયંતી રવિએ આગામી બે દિવસમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વધારવા તબીબી સ્ટાફને સૂચના આપી હતી. સચિવે મેડિકલ કોલેજના તાલીમી છાત્રોને કોરોના સંબંધી સારવારમાં વધુને વધુ સામેલ કરવા અને તેમને ફ્રન્ટલાઇન વોરિયરની ભૂમિકા અદા કરવા પર ખાસ ભાર મુકયો હતો.
સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના દર્દીઓને માનસિક સારવાર આપવા, તે માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડવા, ક્રિટિકલ કેર વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા, શુગર અને બી.પી.ના પેશન્ટસની સારવારને પ્રાધાન્ય આપી મુત્યુ દર ઘટાડવા અને કાર્ડિયાક અને ઇન્ટેન્સીવ કેરના કેસો પર પૂરતું ધ્યાન આપવા વિષે જયંતી રવિએ ઉપસ્થિત ડોકટર્સ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાના જથ્થા, સારવારના તમામ સાધનો અને ઉપયોગી સામગ્રી પૂરતા પ્રમાણમાં હાથવગી હોવા વિષે પણ તેમણે તબક્કાવાર સૂચના આપીને સમગ્ર તબીબી વ્યવસ્થા સુચારૂપણે જળવાઇ રહે તે બાબતને ટોચઅગ્રતા આપવાની હિમાયત કરી હતી. કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. કોરોના અંગે જનજાગૃતી કેળવવાના પગલાં સત્વરે લેવા વિષે પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
આ બેઠકમાં જામનગરજી જી.જી.હોસ્પિટલના સુપ્રીન્ટેડેન્ટ ડો. નંદિની બહારી, ડો. આરતી ત્રિવેદી, ડો. દુધરેજીયા, ડો. મનીષા પંચાલ, ડો. મેઘાવી, ડો. જીગીશા બધેકા, ડો. પંકજ બુચ, ડો. હીરેન મકવાણા, ડો.મુકેશ સામાણી, ડો. તુષાર, ડો. વંદના, નર્સિંગ સુપ્રીન્ટેડેન્ટશ્રી હીતેન્દ્ર ઝાંખરિયા, ડો. રાહુલ ગંભીર, ડો. કમલ ગોસ્વામી, નર્સિંગ સ્ટાફ, તબીબી વિભાગના તાલીમી છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.
કોરોના દર્દીઓને હોક અને ચોપ ટ્રિટમેન્ટ શરૂ કરવામાં આવશે : આરોગ્ય સચિવ
કોરોના મહામારીની પરિસ્થિતિને ચકાસવા રાજ્ય આરોગ્ય સચિવ ડો.જ્યંતી રવિ ગઈ કાલ સાંજથી રાજકોટ આવ્યા છે. ગઈ કાલે કલેકટર ખાતે મિટિંગ યોજ્યા બાદ આજ રોજ સચિવે કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના પોઝિટિવ દર્દીઓના હાલ ચાલ જાણ્યા હતા અને સારવાર માટેની સમીક્ષાઓ કરી હતી.
કલેકટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ ડો.જ્યંતી રવિએ જણાવ્યું હતું કે વધતા જતા કોરોના કેસની સામે અને મૃત્યુદર ઘટાડવા માટે તંત્ર દ્વારા સધન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓ માટે હોક ટ્રિટમેન્ટ અને ચોપ ટ્રિટમેન્ટ પણ શરૂ કરવામાં આવશે.
સાથે બહારથી મગાવામાં આવતી દવાઓનો પણ પૂરતો સ્ટોક રાખવામાં આવશે. રેપીડ ટેસ્ટ કિટ દ્વારા તુરંત પરિણામ જાણી દર્દીની સારવાર તુરંત શરૂ કરી દેવામાં પણ આવશે. લોકોને પણ પોતાની સાવચેતી રાખવા માટે આરોગ્ય સચિવે અનુરોધ કર્યો હતો. અને આરોગ્ય સેતુ એપનો પણ ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.
જ્યંતી રવિએ ઇન્ફેકશન ડિઝીઝ ના તજજ્ઞ ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલ સાથે રહી દર્દીઓના ઇલાજ માટે પણ સતત કાર્ય કરી રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં એન્ટીઝન ટેસ્ટ શરૂ કરવામાં આવશે : જ્યંતિ રવિ
રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગઈકાલ સાંજથી રાજકોટમાં છે. કોરોનાને કાબુમાં લાવવા રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં એન્ટીઝન ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં કરી છે.જયંતિ રવિએ કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિત ટોચના અધિકારીઓ સાથે યોજેલ મીટીંગમાં જણાવ્યુ હતું કે આગામી એક થી બે દિવસમાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં એન્ટીઝન (રેપીડ ટેસ્ટ) શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટ કરવાથી ૧૫ થી ૨૦ મિનિટમાં રીઝલ્ટ આવી જશે. ટુક સમયમાં જ રાજકોટ જિલ્લાને રેપીડ ટેસ્ટ કિટની ફાળવણી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હવેથી દરેક ફલોર ઉપર એક – એક ઈન્ચાર્જ મૂકવામાં આવશે. જે કોરોનાના કેસોની યાદી ઝડપી ઉચ્ચ અધિકારીઓને સુધી પહોંચાડશે.આ ઉપરાંત જયંતિ રવિએ જણાવ્યું હતું કે હાલમાં દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં છે અને જરૂર પડ્યે વધુ જથ્થો પણ આપવામાં આવશે. તેમજ ધનવંતરી રથ શરૂ કરે એ પહેલા દરેક વોર્ડમાં મીટીંગો કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલોમાં ઓપીડી વિભાગમાં ઈન્ચાર્જની નિમણુંક કરી હો તુરંત જ રિપોર્ટ આપી ઉચ્ચ અધિકારીઓને પણ ધ્યાન દોરવા સુચન કર્યુ હતું. આ ઉપરાંત ’ઈતિહાસ’ નામનો સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેરમાં કોરોનાના કેસોની હિસ્ટ્રી રાખવામાં આવે છે જે વિસ્તારોમાં કેસો વધુ હોય એ વિસ્તારોની યાદી બનાવી એ વિસ્તાર અને અધિકારીઓને સોંપવામાં આવશે.