“દોઢ વર્ષના બાળકનું ઉંઘમાં જ મધ્યરાત્રીના માતાના પડખામાંથી અપહરણ થયા બાદ અઠવાડિયા પછીનું કરૂણાસભર, પ્રેમસભર મીલન ત્યાં હાજર તમામ લોકો માટે જીંદગીભરની અમુલ્ય યાદગીરી બની રહી !”
અપહૃત બાળકને છોડાવવા માટે ના આખરી તબકકામાં ગામના જ માજી સરપંચ શકદારના ધેરાવામાં આવતા રાજકારણીઓ પણ હવે આ મામલામાં તપાસનાં પગલા અને પાસા માટે ટીકા ટીપ્પણી વિરોધ માટે ઉતરી પડવાના હોયફોજદાર જદેવે આ ચક્રવ્યૂહમાં હવે વિચારીને આગળ ધપવા વિચાર્યું કેમકે પીસીઓનાં ઓપરેટર માટે તો દામનગરનું ટોળુ હજુ રાહ જોઈને બેઠુ હતુ!
જયદેવે વિચાર્યું કે જેમ લોઢુ તપી જાય પછી નરમ બને અને પછી જેવો ઘાટ આપવો હોય તે આપી શકાય તેવો અત્યારે માજી સરપંચનો ઘાટ ઘડવાનો સમય થઈ ગયો છે. દંડનીય કાર્યવાહી તો પૂરી થઈ હવે મુત્સદી પૂર્વક સમજાવટ કે વ્યવહારથી જ કામ પતી જશે. આથી જે માજી સરપંચ જમીન ઉપર પગ પકડીને બેસી ગયા હતા તેમને ઉભા કરાવીને કહ્યું નીરખીને જુઓ આ અધિકારીને ઓળખો છાે? આમ કહી જયદેવે પોતાના હાથે જ પોતાના ચહેરા ઉપર ટોર્ચ નો પ્રકાશ ફેંકયો. આથી શકદાર માજી સરપંચલ ઓળખી ગયા અને એકદમ ગળગળા સાદે બોલી ઉઠ્યા ઓ…હો… જયદેવ સાહેબ…. હવે તમે જ મને બચાવી લ્યો તેમ કહી જમીન ઉપર ફરી બેસી જઈ જયદેવના પગ પકડી લીધા અને વિવિધ પ્રકારે આજીજી વિનંતી કરવા લાગ્યા.
જયદેવે યુકિત પૂર્વક માજી સરપંચને એકલા ને થોડે દૂર લઈ જઈ પોતા ઉપર વિશ્વાસ રાખવા કહ્યું. માજી સરપંચે કહ્યું ‘સાહેબ મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે !! આથી જયદેવે પોતાની ‘શાબ્દીક માયાજાળ’ ફેલાવી ને કહ્યું ‘જુઓ સરપંચ તમે હવે કેટલા બધા ગુન્હામાં ફસાવ તેમ છો તે સાંભળો સૌ પ્રથમ આ મેઈડ ઈન સ્વીડન છરાના કેસમાં હથીયાર બંધી જાહેર નામા ભંગમાંતો તમો ફીટ જ છો? બરાબર, તેણે કહ્યું ‘હા સાહેબ’ જયદેવે કહ્યું તમારા ડેલામાંથી મળેલ માત્રાનું બૂલેટ આ માત્રા વિરૂધ્ધ જેટલી ગેર કાયદેસર વ્યાજ વટાવની ફરિયાદો દાખલ થશે તે દરેકમાં અમે ધારીએ તો તમે મદદગારીમાં ફીટ થઈ જ જાવને ? તેણે કહ્યું ‘હા સાહેબ તે તો આપના હાથની જ વાત છે ને?’ ત્રીજુ આ અપહરણ આ બાળક તો જયાં હોય ત્યાં અને જેની પાસેય ત્યાં પરંતુ અત્યારે તો તમે સૌ પ્રથમ હાથમાં આવી ગયા છો, ઓછામાં ઓછી ચૌદ દિવસની રીમાન્ડ પહેલા લેવાની. બીજા ગુન્હાઓ તો પછી આ તમામ ગુન્હાઓની એફ.આઈ.આર. ઉપરથી પછી ‘પાસા’નો કેસ અને જવાનુંભૂજ કચ્છ જેલમાં’ આ સાંભળી ને માજી સરપંચ ભાંગી પડયો કેમકે તેને કોન્સ્ટેબલ રાજયગૂરૂનું તાંડવ નૃત્ય પણ યાદ આવી ગયું અાથી તે બોલ્યો ‘સાહેબ તમે કહો તેમ પણ મને બચાવી લ્યો’ જયદેવને માટે તો પ્રાયોરીટી કે પ્રથમ અગ્રતા અપહૃત બાળકની હતી, તેને બી.પી.એકટ ક. ૧૩૫ના કેસ કે વ્યાજ વટાવના કેસોમાં કોઈ રસ ન હતો. એક બાળકની જીંદગી બચી જતી હોય તો આવા કેસો માંડવાળ કરવામાં કોઈ પાપ જણાતું ન હતુ. અને જુઠુ બોલવામાં પણ કોઈ હરકત ન હતી. કુરૂક્ષેત્રના યુધ્ધમાં શ્રી કૃષ્ણએ પાંડુ પુત્ર યુધિષ્ઠિરને પરાણે અને સબ સલામતી માટે બોલાવેલા પેલા દ્વિઅર્થી શબ્દો ‘અશ્વસ્થામા મરાયો….’ માફક આ પોલીસના ધર્મયુધ્ધમા તેણે માજી સરપંચને વચન આપ્યું કે તેની ધરપકડ નહી કરે તેવું પોતે વચન આપે છે. આથી માજી સરપંચે કહ્યું કે ‘સાહેબ એ વાત તો જગજાહેર છે કે તમે આપેલુ વચન પાળો જ છો. પણ આ અપહરણના કેસમાં બાળક પાછુ મળી જાયતો શું શું થાય? આથી જયદેવે કાયદેસરની વાત કરી કે ‘જો બાળક જીવતું પાછુ મળી જાય તો આરોપીઓને કોર્ટમાંથી જામીન પણ મળી જાય અને કેસ ચાલે ત્યારે બંને પક્ષો ધારે તો સમાધાન પણ થઈ શકે. પરંતુ જો બાળક મૃત્યુ પામે તો ફકત અને ફકત ‘ફાંસી’ જ ! સિવાય કોઈ રસ્તો નથી, પછી જામીનની તો વાત જ કયાં રહી?
જયદેવનું આ શાબ્દીક તીર બરાબર માજી સરપંચના વિચારો ઉપર જ વાગ્યું અને તેણે જયદેવને કહ્યું ‘તો તો સારૂ ચાલો સાહેબ મને ફકત એક કલાકનો સમય આપો અને મને ધ્રુફણીયા જવા દો, હું પ્રયત્ન કરૂ છું, પણ જો જો મને ફીટ કરતા નહી’ જયદેવે કહ્યું મરદ માણસ બોલી ને ફરે નહીં.
આમ જયદેવ માજી સરપંચની માનસિક રીમાન્ડ પૂરી કરીને ધ્રુફણીયા ગામે લાવી ઉતારી દીધા અને પોતે પાછો ઉમરડા ગામે આવ્યો. પેલા બે ઈસમો મોટર સાયકલ વાળાના ઘર, વાડીઓ, ઉતારા ચેક કર્યા પરંતુ ત્યાં કાંઈ મળ્યું નહી તેથી પાછા ધ્રુફણીયા ગામે આવ્યા.
સવારના સાડા પાંચ છ વાગવા આવ્યા હતા ઠંડીનો ચમકારો લાગી ગયો હતો. પરંતુ તમામ આખી રાતના ઉજાગરા અને બાળકની ચિંતામાં વ્યગ્ર હતા કે હવે શું થશે? શું આ છેલ્લો પ્રયત્ન સફળ થશે?
તેવામાં અમરેલી લો કોલેજના પ્રિન્સીપાલ અને માજી સરપંચ (બંને સરપંચ જુથ!) સાથે મળીને જયદેવ પાસે આવ્યા. પ્રિન્સીપાલે જયદેવને ક્યું ‘સાહેબ માજી સરપંચ આ બાબતમાં સાવ નિદોર્ષ છે. પરંતુ બાળકના અપહરણનો મુખ્ય આરોપી તમારી સમક્ષ રજૂ કરી દે છે જે તમને સંપૂર્ણ હકિકત જણાવી દેશે તેમ કહી તેમણે એ ૨૨-૨૩ વર્ષના યુવાનને રજૂ કર્યો.
આ જોઈને જયદેવને મનમાં થયું કે એ કહેવત ‘ભય વગર પ્રિતી નહીં’ આ કિસ્સામાં તો સાચી પડી આથી તેણે આ યુવકને બીજી કાંઈ લાંબી ટુંકી પૂછપરછ કરવાને બદલે સીધુ જ પુછયું કે ‘બાળક કયાં છે?’ આથી તે યુવકે પણ પાધરો જવાબ દીધો કે ‘ગારીયાધાર ગામે છે મારી સાથે ચાલો આપી દઉ!’
લાઠી પોલીસ સ્ટેશનની જીપ યુવકને લઈને ધ્રુફણીયાથી દામનગર, શાખપર થઈને સડસડાટ કરતી ભાવનગરના છેવાડાના શહેર ગારીયાધાર ખાતે આવી ગામના છેવાડાના ભાગે આવેલ એક ઘરમાં પોલીસને લઈને તે યુવક અંદર ગયો અને એક કુટુંબને સાચવવા અપેલુ બાળક લઈને પોલીસને આપ્યું કે લ્યો આ બાળક. જે બાળક એકદમ સુંદર, દોઢેક વર્ષનું નમણું ગોરૂ અને એકદમ શાંત સ્વભાવનું જોઈને કોઈને પણ તેના પ્રેમ અને લાગણી થાય તેવું હતુ ! પોલીસને જોઈને આ ગારીયાધારના કુટુંબીજનોએ તે યુવકને કહ્યું કે ‘શું વાત છે? આ પોલીસ તારી સાથે શું આ તારૂ બાળક નથી? આથી આરોપીએ માથુ નીચુ નાખીને ના પાડી. આરોપીએ બાળકને ધ્રુફણીયાથી અપહરણ કરીને ગારીયાધાર લાવીને ખોટુ કહેલ કે પોતાની પત્ની સુરત ખાતે મૃત્યુ પામેલ છે. અને થોડો સમય હું બીજી વ્યવસ્થા કરી લઉ ત્યાં સુધી સગાની રૂએ સાચવવા કહેલું.
જયદેવે તેમને નામ ઠામ પૂછી પ્રાથમિક નિવેદનો નોંધી ઝડપથી ગારીયાધારથી રવાના થયો અને સડસડાટ ધ્રુફણીયા ગામે આવ્યો ત્યાં ડેલામાં પેલી બાળવિધવા માતા દુ:ખ અને વીરહથી ઝૂરતી રાહ જ જોતી હતી તેને તેનું બાળક સોંપ્યું અને માતા પુત્રનો એ અદભૂત, અવર્ણનિય, લાગણીસભર, અવિસ્મરણીય મીલનની એ દુર્લભક્ષણોને નિહાળી રહ્યો દોઢ વર્ષના દીકરાનું અર્ધીરાત્રે મા ના પડખામાંથી અપહરણ થયા બાદ એક અઠવાડીયા પછીનું કરૂણા સભર પ્રેમ સભર મીલન જયદેવ અને ત્યાં હાજર તમામ લોકો માટે જીંદગીભરની અમૂલ્ય યાદગીરી બની રહી !
જયદેવે તેની પધ્ધતી મૂજબ તાત્કાલીક કેસ કાગળોની કાર્યવાહી ચાલુ કરી. મૂળ સ્વરૂપે જ અને વાસ્તવિક હકિકતની એફ.આઈ.આર. નોંધીને દામનગર પોલીસ સ્ટેશનમાં ગૂન્હો દાખલ કરાવી દીધો.
દરમ્યાન અમરેલી ડીવાયએસપી પણ આવી ગયા અને આ ગુન્હાની આગળની તપાસ દામનગર ફોજદારને સોંપાઈ જયદેવ એક માનવ જીંદગી બચાવ્યાના આનંદ અને સંતોષ સાથે દામનગરની બજારમાંથી જનતાના હર્ષોલ્લાસની ચીચીયારીઓ અને અભીનંદન સાથે લાઠીનગર ખાતે જવા રવાના થયો.
તપાસમાં પાછળથી જે થયું તે પરંતુ દામનગર પોલીસે ઉમરડા ગામના પેલા બે નિદોર્ષ ઈસમોને પણ આ અપહરણના ગુન્હામાંફીટ કરી ધરપકડ કરી લીધી અને સાચા તેમજ કાવત્રા બાજ આરોપીઓને પકડયા નહી તેનો ભારોભાર રંજ અને દુ:ખ જયદેવને પણ થયું.
જયદેવે દામનગરનાં ફોજદાર અને ડીવાયએસપીને પણ સાચી હકિકત જણાવી હતી કે પોલીસ ઓપરેશન દરમ્યાન પેલી ઉમરડાની બે વ્યકિત તેમના કમનસીબે જોગાનુંજોગ જ દામનગર ટેલીફોન પીસીઓ ઉપર અને બીજી વખત ધોળાવદરાએ રીવોલ્વરનું હવામાં ફાયરીંગ કર્યું ત્યારે ત્યાંથી પસાર થતા હતા. તેઓ આ અપહરણના ગુન્હા સાથે જરા પણ સંકળાયેલા નથી. જે યુવકે ગારીયાધારથી બાળક પાછુ સોંપ્યું તેને પુછીને સાચા કાવત્રા ખોરો જે પૈકી દામનગર પીસીઓમાંથી ટેલીફોન નંબર ૮૭૧૧ ઉપર ફોન કરનાર પથ્થર મારો કરનારા, ચિઠ્ઠીઓ ફેંકીને મોકલનારાને જ પકડવા; પરંતુ ભગવાન જાણે શુ થયું દામનગર પોલીસે પેલા ઉમરડાના જ બે માણસોને ગુન્હામાં ફીટ કર્યા અને કોર્ટ મારફતે જેલમાં મોકલી આપ્યા. તે બીચારા નિદોર્ષો પંદર દિવસે સેશન્સ કોર્ટમાંથી જામીન લઈને છૂટયા અને સાચા આરોપીઓ પૈકી જેણે બાળક સોંપેલું તે એક જ યુવાન જે પણ જયદેવે પકડેલ તેને એકને પકડયો. કોઈ અન્ય સાચા આરોપીઓ ને પકડી ઉદાહરણીય દાખલો બેસાડયો નહી, રાજકીય ચંચુપાત જ બીજુ શું?
ત્યાર પછી તો અપહરણના ગુન્હાનું સામાન્ય રીતે સુપરવિઝન કરતા અધિકારી સીપીઆઈ અમરેલી કે જેમના તાબામાં લીલીયા, લાઠી, દામનગર અને અમરેલી, તાલુકા પોલીસ સ્ટેશનો હતા તેમને આગુન્હો જાહેર થયાની ખબર પડતા તેઓ દામનગર ગયેલા તેમણે કેસ કાગળોનો અભ્યાસ કર્યો અને ટેલીફોનથી જયદેવને બનાવની સત્ય હકિકત પૂછી આથી. જયદેવજે સત્ય હકિકત હતી તેતો વિગતે જણાવી દીધી કે ઉમરડા વાળી બે વ્યકિતને બીચારીને ખોટી ફીટ કરી દીધી છે ! બંને નિદોર્ષ છે. ખરેખર કાવત્રુ કરનાર અપહરણ કરનાર, વાહનનો ઉપયોગ કરનારા પથ્થરમારો કરનાર તેમજ ટેલીફોન કરી સતત ધમકી આપનાર અને કદાચ પીસીઓ ધારક પણ આ ગુન્હામાં સામેલ હોઈ શકે અને રાજકિય માથા પણ સામેલ હોય પણ તે કોઈને આરોપી તરીકે લીધા નથી.
આ ગુન્હાની તપાસતો દામનગર ફોજદાર કરતા હતા પણ ગુન્હાનું સુપરવીઝન અમરેલી ડીવાયએસપી ખુદ જાતે કરતા હોય બીચારા સીપીઆઈ સમસમીને રહી ગયા કેમકે પોલીસ ખાતામાં તો ‘Boss is allways right !’
ત્યારબાદ સીપીઆઈ, અમરેલી જયદેવ પાસે આવેલા અને પોલીસ ખાતાની હૈયાવરાળ ઠાલવેલી કે ‘સાલુ ખાતામા ખરૂ ચાલે છે. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ વળી રાજકારણીઓ અને અધિકારીઓએ મળીને સાચા ગુનેગારોને મોજ કરાવી અને બીચારા નિદોર્ષ ઉમરડાવાળા બે જણાને પંદર દિવસ જેલમા તો રહેવું પડયું પણ હજુ આ સેશન્સ ટ્રાયલ કેસ નો તો સેશન્સ કોર્ટમાં સામનો કરવાનો રહ્યોને? આવું થાય પછી તો પોલીસ ખાતાની ‘મથરાવટી મેલી’ જ હોય ને?
પાછળથી જાણવા મળેલ કે અગાઉથી જ એટલે જયારે બાળકનું અપહરણ થયું ત્યારે ભોગ બનનાર બાળક પક્ષના સુરતના કુટુંબીજનો દ્વારા પોલીસને કેસની સફળતા અને બાળક સહી સલામત રીતે મળી જાય તે રીતે ઉકેલી નાખવા માટે મોટું ઈનામ જાહેર કરેલું ! કદાચ આ લાલચમાં જ અમરેલી પોલીસે ચાર-પાંચ દિવસ સુધી ગુન્હો શોધી કાઢવા પ્રયત્ન કરેલ હશે, પરંતુ આખરી રાત અને તે પણ સવારે બાળકની લાશ મલવાની છેલ્લી ધમકીએ આ અપજશના ભારા જેવી તપાસનો હવાલો જયદેવને સોંપાયેલ હશે. પરંતુ કુદરતની સહાયતાથી જયદેવે જબરો પુરૂષાર્થ, સંઘર્ષ, સાહસ કરી અપહૃત બાળક સહી સલામત પાછુ મેળવ્યું. પરંતુ પેલી સુરતની ફરિયાદી પાર્ટીએ જાહેર કરેલ ઈનામનું શું થયું તે ભગવાન જાણે !