આજથી એટલે કે અષાઢ સુદ તેરસથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. અલબત આ વખતે એક તિથિનો ક્ષય હોઈ તા.9 જુલાઈ શનિવારે ગોરીવ્રત અને આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો જયા પાર્વતી વ્રત કુમારીકાઓ અને સોભાગ્યવંતી નારી બંને કરે છે.
માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી ક્ધયાને મનગમતા ભાવિ ભરથારની પ્રાપ્તી થાય છે. અને સોભાગ્યવંતી નારીઓને અખંડ શોભાગ્યના આર્શીવાદ અને સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત પાંચ દિવસ સુધી રાખી અને છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરી શિવપૂજા કરી પૂર્ણ કરે છે.
યુવતીઓ શિવ પાર્વતીજીને કુમકુમ, બીલીપત્ર, કસ્તુરી, અષ્ટગંધ તથા ફુલચઢાવી કેળા, પ્રસાદ ધરાવે છે. અને આરતી, પૂજા, અર્ચના, કરી જયા પાર્વતીની વ્રત કથાનું વાંચન કરી પુજા સંપન્ન કરે છે. આજથી શરૂ થતા આ વ્રતમાં પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન અને ફળ ખાઈને શિવજીની આરાધના કરવામાં આવે છે. પાંચમા દિવસે આખી રાત જાગરણ કરી સવારે શિવપુજા બાદ જ ભોજન કરે છે.