વિદ્યાર્થીઓમાં વ્યાપારી ગુણો વિકસિત કરવા ટ્રેડફેરનું સફળ આયોજન
500 થી વધુ બાળકોને આઇડેન્ટિફાઈ કરી લેવાયાં: વાર્ષિક આશરે રૂ. 1 કરોડનું ભંડોળ વપરાશે
રાજકોટની જીનિયસ ગ્રુપે શૈક્ષણિક સંસ્થાઓને પ્રેરણા પૂરું પાડે તેવું કાર્ય કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચાતરી આદર્શ પથદર્શક સંસ્થા તરીકેની ભૂમિકા જીનિયસ ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા નિભાવવામા આવી છે. રાજકોટની વી.એ. તંતી ફાઉન્ડેશન અને જય ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા જય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જય ઇન્ટરનેશનલ સ્કૂલની આજુબાજુના સાત ગામોને શિક્ષણ, સ્વચ્છતા સહિતના વિકાસ-ઉત્કર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. આ યોજનાનું લોકાર્પણ ગત તારીખ 28મી એપ્રિલના રોજ જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું હતું.
ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે, ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વર્ગના બાળકો ક્યાંક આર્થિક કે અન્ય કોઈ કારણોસર અભ્યાસ કરી શકતા નથી ત્યારે જય ઇન્ટરનેશનલ સ્કુલ અને વી.એમ. તંતી ફાઉન્ડેશન દ્વારા જય ગ્રામ ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી ક્ષહહે તેના લીધે ચોક્કસ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમિક તેમજ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ મળનારો છે. મહત્વપૂર્ણ બાબત છે કે, શિક્ષણ થકી જ સમાજને ઉજળું બનાવી શકાય છે ત્યારે શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય આ યોજના થકી કરવામાં આવનાર છે. આ યોજના માટે સાતેય ગામમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. આ બાળકોને શિક્ષણ આપવા માટે વાર્ષિક ધોરણે આશરે રૂ. 1 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ઉપરાંત જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ 28 અને 29 ના રોજ વાણિજ્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય જય ટ્રેડ ફેર 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા તમામ વ્યવસ્થાથી લઈને સમગ્ર આયોજન કરાયું છે.
જય ઇન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થીઓને તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન વિશેષ તાલીમ આપીને એવું મંચ પૂરું પાડવામાં આવે છે જે ભવિષ્યમાં નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સફળતા મેળવવા માટે સહાયક સાબિત થાય. તે જ ઉદેશ સાથે શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જય ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોન, શોપિંગ સ્ટોર, એન્ટરટેઇનમેન્ટ ઝોન, એડવેન્ચર એન્ડ ગેમ ઝોન તેમજ સ્વાદ અને ખાણીપીણીના શોખીનો માટે ફુડ અડ્ડા જેવા આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. આશરે દસ હજારથી પણ વધુ મુલાકાતીઓ બે દિવસમાં આ ટ્રેડ ફેરનો લાભ લેશે તેવી અપેક્ષા સાથે આ ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને પણ લાભ લઇ રહ્યા છે.
આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે જ ઉદ્દેશ્ય: ડી.વી. મહેતા
જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનના ચેરમેન ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા સૌના સાથ અને સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. અમારી સંસ્થા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે અમારી શાળાની આસપાસ વસેલા ગામો જેવા કે દેવગામ, દેવડા, નિકાવા, નગરપીપડીયા, છાપરા, આનંદપુર અને મેટોડાની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ સ્ત્રીઓ વડીલો અને તમામ ગ્રામજનોના ઉત્કર્ષ અને વિકાસ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. તેમના માટે અલગ-અલગ પ્રોગ્રામ તેમજ સ્વચ્છતા સ્ત્રીઓની આરોગ્ય સુરક્ષા અને
વ્યસનમુક્તિ જેવા જાગૃતતા કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને તેમને જે સુવિધા મળે છે તે તમામ સુવિધાઓ ગામના વિદ્યાર્થીઓને પણ મળે અને ખાસ કરીને અભ્યાસ માટે તેમને સ્કોલરશિપ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે જય ઉત્કર્ષ ગ્રામ યોજના ની શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ ગામના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે, ગામમાં સ્વચ્છતા આવે અને ક્લચરલ એક્ટિવિટી થાય અને સમાજ શિક્ષણ થકી આગળ આવે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં તમામનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.