મચ્છરની ઉત્પતિ સબબ રૂા.૫૫ હજારનો દંડ વસુલાયો
શહેરમાં ફાટી નિકળેલા ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળાને કાબુમાં લેવા કોર્પોરેશન દ્વારા આરોગ્યલક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન જય ગણેશ ઓટો, રાજશ્રી બજાજ અને વિરલ હોસ્પિટલ સહિતનાં સ્થળોએથી મચ્છરનાં લારવા મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ અંગે વ્યાપાક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા જય ગણેશ ઓટો પ્રા.લી., સરદાર ચોકમાં જય ડેવલોપર્સ, નિલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષ, ગોંડલ રોડ પર અશોક જનરેટર, વિરલ હોસ્પિટલ, રાજેશ્રી બજાજ શો-રૂમ, કુવાડવા રોડ પર પ્રેમજીભાઈ સોલંકીની બાંધકામ સાઈટ, કમલેશભાઈ ખીમજીભાઈ અને કિરીટભાઈની ૪ બાંધકામ સાઈટ, નિલકંઠ વિદ્યાલય, આકાર હાઈટસ, વિરાણી રેસીડેન્સી, ઓટો પોઈન્ટ કોમ્પ્લેક્ષ, રેવન્ટ બાંધકામ સાઈટ, પાર્ક એવન્યુ બાંધકામ સાઈટ વગેરે સ્થળોએ ચેકિંગ દરમિયાન અગાસી પર પડેલા ભંગાર, બાંધકામ સાઈટ પર જમા થયેલા પાણીમાં મચ્છરોનાં લારવા મળી આવતા રૂા.૫૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાને નાથવા માટે મચ્છરોની ઉત્પતિ ઘટાડવી ખાસ જરૂરી છે. શહેરીજનોને પણ ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવા અપીલ કરવામાં આવી છે.