ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ મંત્રી સ્વ. વજુભાઈ શાહની ૧૧૦મી જન્મજયંતી (જન્મ : ૦૬-૦૨-૧૯૧૦. નિધન : ૦૯-૦૧-૧૯૮૩) અવસરે એમના અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક પુત્ર ડો. અક્ષયભાઈ શાહ અને પુત્રવધૂ અનારબેન શાહ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ભેટ અપાઈ. આઝાદીની લડત વખતે સ્વ. વજુભાઈ શાહ, ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો, પોતાના બુલંદ કંઠે ગાઈને ગામે-ગામ નવચેતનાનો સંચાર કરતા. આથી ગાંધી-૧૫૦ નિમિત્તે મહાત્મા ગાંધીને પ્રિય એવાં મેઘાણી-ગીતો ગ્રામ્ય-સ્તરે નવી પેઢી સુધી પહોંચે તેવી ભાવના છે. યુવા પેઢીમાં ખાદીનાં પ્રચાર-પ્રસાર માટે પણ ડો. અક્ષ યભાઈ અનારબેન શાહ સવિશેષ પ્રયત્નશીલ છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથે સ્વ. વજુભાઈ શાહના અનેક લાગણીસભર સંભારણાં છે. યુવા વયે જ આઝાદીનાં રંગે રંગાઈ ગયેલા વજુભાઈ, ૧૯૩૦-માર્ચમાં કરાચીની એન્જીનિયરીંગ કોલેજનાં અભ્યાસને અધવચ્ચે પડતો મૂકીને, ઐતિહાસિક દાંડી યાત્રામાં ભાગ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા. ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને ઝવેરચંદ મેઘાણીએ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ (છેલ્લી પ્રાર્થના) ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ત્યાં હજારોની જનમેદની વચ્ચે ઉપસ્થિત વજુભાઈ ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડયા હતા. આઝાદીની લડત દરમિયાન વજુભાઈને પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર વ્યાસ મહારાજ, અબ્બાસ તૈયબજી, મણિલાલ કોઠારી, દરબાર ગોપાળદાસ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, દેવદાસ ગાંધી સાથે સાબરમતી જેલમાં રખાયા હતા.