ગ્લેશિયર તૂટતાં લાન્સ નાયક બરફના તોફાનને લીધે થયા હતા ગુમ: પાર્થિવ દેહ પરના મેટલ બેચ પરથી કરાઈ ઓળખ
સિયાચીન ગ્લેશિયરમાં 38 વર્ષ પહેલા બરફના તોફાનને લીધે ગુમ થયેલા સેનાના જવાન લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના પાર્થિવ દેહની ઓળખ થઈ ગઈ છે. ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમને લાન્સ નાઈક ચંદ્રશેખરના ડ્રેસ પરના મેટલના બે બેચ પરથી પાર્થિવ શરીરની ઓળખ કરવામાં મદદ મળી છે.
29 મે, 1984 ના રોજ ચંદ્રશેખર બર્ફીલા તોફાનમાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમની કોઇ જાણકારી મળી નહોતી. હવે 38 વર્ષ બાદ તેમના પાર્થિવદેહના અવશેષો મળી આવ્યા છે. આજે અવશેષો તેમના પરિવારને સોંપવામાં આવશે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં તેમનો પરિવાર 38 વર્ષથી તેમની રાહ જોઈ રહ્યો છે.
ચંદ્રશેખરના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. પત્ની શાંતિ દેવીએ આ 38 વર્ષમાં એક ક્ષણ માટે પતિનો દેહ મેળવવાની આશા છોડી નથી. તેમણે માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ પરિવારના સભ્યોને પણ સાંત્વના આપી. આટલું જ નહીં, તેમણે ચાર વર્ષ અને દોઢ વર્ષની બંને દીકરીઓનો ઉછેર કર્યો હતો. આ દરમિયાન સેના તરફથી ઘણી મદદ મળી હતી. આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા જ શાંતિ દેવી દ્વારા જોવાતી રાહનો અંત આવ્યો અને સેનાએ તેમને કહ્યું કે, 38 વર્ષ પહેલા વીરગતિ પામનાર તેમના પતિના અવશેષો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર હર્બોલા 19 કુમાઉ રેજિમેન્ટના સૈનિક હતા. તેઓ 1975 માં સેનામાં જોડાયા હતા. વર્ષ 1984 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિયાચીનનું યુદ્ધ થયું હતું. ત્યાર પછી ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ જ ઓપરેશન હેઠળ મે 1984 માં 20 સૈનિકોની ટુકડીને સિયાચીનની ઊંચી ટેકરીઓ પર પેટ્રોલિંગ કરવા માટે મોકલવામાં આવી હતી. ચંદ્રશેખર પણ આ જ પેટ્રોલિંગ ટીમનો ભાગ હતા. 29 મેના રોજ ચંદ્રશેખર ગ્લેશિયર તૂટતા તોફાનની ઝપેટમાં આવી ગયા હતા.