- ગુજરાતમાં પ્રથમવાર શિવરાત્રીએ જગદીશ્વર મહાદેવ મંદિરે 1111 કળશ દ્વારા મુર્તિઓની સ્નપનવિધિ થશે
- આ દુર્લભ અવસરના સાક્ષી થવા પૂ. ભાવેશ બાપુ તથા સીતારામ પરિવારની અપીલ
પાટડી ખાતે પૂ. જગાબાપા પ્રેરિત ઉદાસી આશ્રમમાં ત્રિદિવસીય મહોત્સવ તા.20-21-22 માર્ચના ઉજવાશે. આગામી તા.8ને શિવરાત્રિના રોજ સવારે ગુજરાતમાં પહેલીવખત 1111 કળશનું સ્નપનવિધી થશે.
જગદીશ્વર મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વખતે ભકિતની હેલી થવાની છે ત્યારે આ મહોત્સવના ‘જતવાડના જોગી’ અને ‘દીનદુખિયાના હામી’ એવા પૂ. જગાબાપાએ છેલ્લા કેટલાંય વર્ષોથી પાટડી-ખારાગોઢા રોડપર આશ્રમ સ્થાપી માનવમાત્રની સેવા કરવાનું પ્રણ લીધું હતુ ને શાસ્ત્રોકત રીતે જ લોકોની પીડા હરવાનું શરૂ કર્યું. નાત, જાત, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વિના કોઈપણ દુ:ખીયાં આશ્રમે આવે ને ઈશ્વર તથા ગુરૂકૃપાથી સમાધાન મેળવીને જાય પૂ. બાપાના કૈલાસગમન બાદ તેમના દૈહિક અને જ્ઞાનના વારસદાર પૂ. ભાવેશબાપુએ એ પરંપરાને આગળ ધપાવી છે.
॥ એક પુષ્પમ્ એક બિલી પત્રમ્ એક લોટા જલકી ધાર ॥
॥ દયાલુ રીઝકે દેત હૈ, ચંદ્રમૌલી ફળ ચાર ॥
પૂ. જગાબાપાની અનન્ય ભકિત શિવજી પ્રત્યે રહી હોવાની ‘સીતારામ પરિવાર’ની ઈચ્છા મુજબ આશ્રમ પરિસરમાં જ શાસ્ત્રોની આજ્ઞા અનુસાર ભવ્યાતિભવ્ય જગદીશ્વર મહાદેવ મંદિરનું છેલ્લાં બે વર્ષથી નિર્માણકાર્ય ધમધમતું હતુ જે પૂર્ણ થતાં આગામી તા.20,21,22 માર્ચ દરમિયાન પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની આસ્થાભેર ઉજવણી થનાર છે. પરંતુ તા.8ને શિવરાત્રીના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 1111 કળશની સ્નપન વિધી થશે.
ગુજરાતમાં કયારેય ન બની હોય એવી ધાર્મિક ઘટના પાટડીના ઉદાસી આશ્રમે સર્જાવા જઈ રહી છે, જેમાં 1111 કળશ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાથી મૂર્તીઓ પર સ્નપન વિધિ થશે. સ્નપન વિધિ એટલે અનેકવિધ ઔષધીઓ થકી જળને પવિત્ર કરી એ પવિત્ર જળથી તમામ મૂર્તીઓનો વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થશે. ભૂતકાળમાં અંબાજી મંદિરે 1011 કળશથી સ્નપન વિધિ થઈ હતી એ ઉલ્લેખનીય છે.
60ડ્ઢ 80 સ્કવેર ફીટનું મંદિર દંડ સહિત 108 ફૂટની ઉંચાઈ ધરાવે છે. અઢી ફૂટનું શિવલિંગ, સાડા પાંચ ફૂટના નંદીજી, અઢી ફૂટના કુર્મજી સમેત દુર્લભ મૂર્તીઓ અને વૈદિક પરંપરાને જાળવીને બંધાયેલું જગદીશ્વર મહાદેવ મંદિર દિવ્ય આધ્યાત્મિક ક્રિયા કર્મોનું સાક્ષી બનવાનું છે ત્યારે સીતારામ પરિવાર સૌને આ અનન્ય ધાર્મિક અવસરનો લાભ લેવા અપીલ કરે છે.