ચોટીલા તાલુકાના ગામડાંઓ એટલે ખેતી અને પશુપાલન ઉપર જીવન નિર્વાહ. આ તાલુકો એટલે પંચાળ ભૂમિ અને ચોટીલાની દેવભૂમિ એટલે દેવી દેવતાઓ સંતો અને પ્રાચિન સ્મારકો, વાવ, ઐતિહાસિક મહત્વ ધરાવતા ધર્મસ્થળોની પવિત્ર દેવ ભૂમિ…
માતા ચામુંડા આ ભૂમિ ઉપર હાજરા હજુર બીરાજમાન છે અને આ ચોટીલા પંથકના પંચાળ ભૂમિ ઉપર ઝરીયા મહાદેવ , સુરજદેવળ મંદિર , અવલીયા ઠાકર, ઠાંગનાથ મહાદેવ, તરણેતર મહાદેવ, બાંડીયાબેલી, આણંદપુર અનંતેશ્વર મહાદેવ, ગેબીનાથની જગ્યા,પ્રસિધ્ધ જૈન તીર્થ મહાવીરપુરમ, ઝીંઝુડા ગામમાં આવેલ સંત પૂ.હકાબાપાનું મંદિર, ચોટીલામાં પૂ.ધારશી વીરજી ભગતની મોટી જગ્યા, સંત પૂ.હરિમાધવ બાપુની ભંગની ધાર તરીકે પ્રખ્યાત જગ્યા, મોલડી ગામના બાવન વીર હનુમાન , હાઇવે પર આવેલ વિખ્યાત જલારામ મંદિર, ભીમોરા ની ગુફાઓ, ચોબારીની પ્રસિધ્ધ ચોમુખી વાવ, નાગણી મા ના દેવળ, માંડવ વન સહિત સેંકડો પ્રાચિન અને અદકેરા ઐતિહાસિક સ્થળો આવેલાં છે . અલગ જ મહત્વ ધરાવતી આ ભૂમિ એટલે ચોટીલા પંથક ની પંચાળ ભોમકા…
ચોટીલા ની આ પંચાળ ભૂમિ વિષે વર્ષો થી એક દોહો છે કે “ખડ પાણી ને ખાખરા , અને પાણા નો નહીં પાર , વગર દીવે વાળુ કરે ઇ દેવ ભૂમિ પંચાળ. ચોટીલા પંથકની આ પાવન ભૂમિ ઉપર આવેલા ઐતિહાસિક પુષ્ટભૂમિ ધરાવતા શિવાલયો જગ મશહુર છે.
ચોટીલા ભૂમિના મહેનતકશ ખેડૂતો, પશુપાલકો અને ગામડે ગામડે વસતા માયાળુ માનવીઓના સ્નેહ થી છલકાતા દીલાવર દીલ અને આનંદી તથા ઉદાર સ્વભાવ ના ઇન્સાનો ના કારણે ચોટીલા ની ધરતી માં ઉપજતા અન્ન ની મીઠાશ વધી જાય છે. ત્યારે ભરતડકા માં પોતાના ખેતર માં ખરા બપોર સુધી ખેતીકામ કરીને લોથપોથ થયેલો આ ખેડૂત ગામઠી ભાષા માં બપોરો એટલે કે લંચ કરવા બેઠો છે ત્યારે ખેતરોમાં રખડતા શ્વાનો પણ બે બટકા રોટલાની આશા એ આ ખેડૂત પાસે આવી પહોંચે છે ત્યારે આ ઉદાર હ્દય નો ખેડૂત પોતાનું ભોજન શરૂ કરતાં પહેલાં આ શ્વાનોને રોટલાના બટકા ખવડાવતો હોય તેવું દ્રષ્ય તસવીરકારે આબાદ કેમેરામાં ઝીલી લીધું છે.