મોરનું ધ્યાન જેમ ધનઘોર વાદળ સામે હોય તેમ તેનું સમગ્ર મન – ચિંતન નાગવાળામાં જ સ્થિર થયું હતું ‘આલણ, તેં મારા હાથેનો કરવાની કરી છે ! હું તને શું કઉં ? નાગમ તારી નજરૂમાં કેમ નોં સમાણી ઈ જ મને મૂંઝવે છે …’
જાતાના જુહાર !
ઉગમણે ઓળિંભે મા’ રાજ દર્શન દીયે ઈ પહેલાં જ માલઢોર સાથે આયરો રવાના થયા.
નાગમદે, સોના , લાખુ અને રાજલ વસ્તા આતાને લઈ, એક ગાડામાં ઘીનાં ઠામ ભરી , ઘેલા શેઠને ત્યાં હિસાબ કરવા રવાના થઈ ગયાં … અને દી ઊગતામાં તો બધાં નાગવાળાના દરબારગઢની જમણી બાજુએ સામે આવેલી ઘેલા શેઠની હાટડીએ પહોંચ્યાં .
હાટડી બંધ હતી … રાજલે સાંકળ ખખડાવી … થોડી જ વારમાં ઘેલો શેઠ આવ્યો ને અંદરથી હાટડી ખોલી . કારણ કે હાટડીની પાછળ જ એના રહેણાકનાં ઘર હતાં . હાટડીમાંથી ઘરમાં જવાતું … ઘરમાંથી હાટડીએ અવાતું .
‘આવો આવો … બોનું , સહુને રામ રામ … આજ તો બહુ વે’લા આવી ચડ્યાં ? ’ ઘેલા શેઠે કહ્યું .
રાજલ બોલી : ‘ ‘આજ અમે બીજે જાઈં છી … આ ઘી જોખી લ્યો અને જે કાંઈ હિસાબ હોય ઈ બધો પતાવી લ્યો … અમારાથી ખોટી થવાય એવું નથી … બધા હાલતા થીયા છે ને અમારે એમની હાર્યે થઈ જાવું છે.”
‘ ‘ પણ તમે તો અડધા ચોમાસા સુધી રોકાવાનાં હતાં ને ….?”
લાખુએ કહ્યું : હા ભાઈ , આ તો અંજળપાણીનો આધારે છે … અંજળ પૂરાં થયાં એટલે બીજે જાવું પડે !
રાજલ ને સોનાએ ગાડાંમાંથી ઘીનાં બધાં ઠામ હાટડીમાં મૂકવા માંડ્યાં .
ઘેલા શેઠે કહ્યું : હમણાં જ બધું પતાવી દઉં … હજી કોઈનાં હાટ ઊઘડ્યાં નથી … બજારનું બીજું કાંઈ કામ નથી ને ?
ના . ભાઈ … તારો ચોપડો કાઢ્ય ને ઝટ હિસાબ કરવા માંડ ..
‘ ‘ હિસાબનાં કામ છે .. .ઉતાવળ નોં થાય … ઘડીકમાં બધું પતાવી દઈશ .” આમ કહી ઘેલા શેઠે પોતાના દીકરાને બૂમ મારી .
થોડી જ વારમાં મોઢામાં દાતણના ડોયા સોતો પંદરે વરસનો દીકરો આવી પહોંચ્યો . ઘેલા શેઠે તરત કહ્યું : ‘બધાં ઠામ જોખવા માંડય પછી આપણી ગોળીયુમાં ઠલવશું સબારદાં જોખી જોખીને તોલ ટપકાવતો જાજે ને કોનાં ઠામ છે ઈ લખતો જાજે .”
રાજલે કહ્યું : ‘તું તારે તોલ કર્ય … અમે સહુનાં ઠામ જુદાં પાડી પાડીને જ આપશું . ’
એક બાજુ , તોલ થયો . બીજી બાજુ ઘેલા શેઠે બધાનો હિસાબ કરવા માંડ્યો … જૂનો હિસાબ પૂરો થયો અને અહીં ઠામ પણ જોખાઈ ગયું .
ઘેલા શેઠના ગગાએ તોલની યાદી પિતાના હાથમાં સોંપી . ગગો ઘી ભરવાની માટીની ચારપાંચ રીઢી ગોળીઓ વારા ફરતી લઈ આવ્યો .
નાગમદે ઉંબરા પર બેઠી હતી . તેની બાજુમાં લાખુ હતી અને સોના ને રાજલ અંદર બેઠાં હતાં .
દરબારગઢની મેડીના ઝરૂખે નાગવાળો દાતણ કરવા આવ્યો … અને એકાએક નાગમદેની નજર એ તરફ ગઈ.
અરે , આ શું ? એક રાતમાં નાગવાળો આટલે દૂબળો પડી ગયો છે ? એને શું થઈ ગયું હશે ? … ત્યાં તો ઘેલા શેઠના ગગાએ નાગમ પાસે એક ગોળી મૂકતાં કહ્યું : ‘બોન , તમારાં ઠામ આમાં ખાલી કરો .’
‘હા … કહીને નાગમદેએ બે હાથ વડે પોતાનું ઘીનું ઠામ ઉપાડ્યું … અને ગોરીમાં ધાર કરવા માંડી … પણ ઝરૂખામાં ઊભેલા નાગવાળાને નિહાળવા એની નજર તરત એ તરફ વળી , ઘીની ધાર સ્થાનભ્રષ્ટ થઈ ગઈ . ઘી ગોળીમાં પડવાના બદલે ઉપર પડવા માંડ્યું . લાખુની નજર પડતાં જ તે બોલી ઊઠી : અરે નાગમ , જરા જો તો ખરી … ઘી ઢોળાય છે !’
ઘોળ્યું કરાં ઘી,
આજુનાં ઉતારનું
સાહેલીયું, છેલ્લો દી,
નીરખવા દીયો મારા નાગને.
‘ જો બે’નડી નાગ ઊભો છે … અરેરે , એક રાતમાં એને શું થઈ
ગીયું ? મને ધરાઈને જોઈ લેવા દે … આજ આઈનો છેલ્લો દી છે …’
લાખુને પણ જેવું … નાગવાળો ઝરૂખે ઊભો હતો … એની નજર ઊંચે આકાશ સામે સ્થિર બની હતી … એના હૈયા પર મૂઢમાર પડ્યો હોય એમ લાગતું હતું .
રાજલે આવીને નાગમદેના હાથમાંથી ધીનું ઠામ લઈ લીધું ને ગોળીમાં નીરવા માંડ્યું..લાખુને નીચે ઢોળાયેલું ઘી એકત્ર કરવા માંડયું.
અને નાગમદેએ શરમનું ભૂત ખંખેરીને નરવા સાદે કહ્યું : નાગ , જરા નજર તો કર … આજ અમે જાઈ છીં … પણ તને શું થઈ ગીયું છે ? ’
ગંભીર વિચારમાં પડેલો નાગવાળો નાગમદેના મીઠા ને ધીરા અવાજને સાંભળી શક્યો નહિ.
તરત લાખુ બોલી ઊઠી : ભાઈ, તારું ધ્યાન ક્યાં છે ? શું હાથ બંધાઈ ગીયા છે …. ! શું પગમાં બેડીયું ભરાણી છે ? વીરા … હાથપગ બાંધ્યા હોય તોય નેણે નેવળ ન હોય . ..નેણને બંધાપો નોં હોય , જરા આ તરફ નજર તો કર્યું …
હાથે જડ્યાં ડશકલાં,
પગમાં બેડી હોય;
નેશનો ઝારો નાખને નાગડા,
નેણ નેેવળ નો’ય.
ઘેલો શેઠ આશ્ર્ચર્યથી નાગમ સામે જોઈ રહ્યો હતો . રાજલે કહ્યું : ‘ભાઈ , તું ખોટી કર્યમા … ઝટ ઠામ વાળવા માંડ ને હિસાબ કર્ય. અમારે છેટે જાવું છે .
‘હા , રાજલબોન …’ કહી ઘેલો શેઠ ને તેનો દીકરો કામે ચડી ગયા.
રાજલ નાગમટેનાં બધાં ઠામ ખાલી કરવા માંડી.
નાગવાળાએ લાખુનો સાદ સાંભળીને ચારે તરફ જોયું અને એની નજર નાગમદે પર સ્થિર થઈ . નાગવાળાની આંખો સજળ હતી.
નાગવાળો ઝરૂખે હતો … નાગમદે હાટના ઉબરે બેઠી’તી . અને વાતું થાય એમ નહોતી . પણ બેયની નજરમાં જાણે અનંત વાતો ભરી હતી .
ઘેલો શેઠ બધાં ખાલી ઠામ જોખી જોખી નોંધ કરવા માંડ્યો અને વજન બાદ કરી કોનું કેટલું ઘી હતું ને ટપકાવવા માંડ્યો .
નાગવાળો અને નાગમદે એકબીજા સામું જોતાં જ રહ્યાં .. લોક આવતા જતા હતા … દરબારને જોઈને કોઈ નીચેથી રામ રામ પણ કરતા … પરંતુ નાગવાળાને જાણે કોઈ ભાન નહોતું … એના મનમાં થતું હતું કે આજ નાગમદે પર ભારે અન્યાય થઈ ગયો છે … નાગમદેએ આલણને એક પણ નબળો શબ્દ કહ્યો નહોતો , છતાં મારા ખાતર તેને ઘણું સાંભળવું પડ્યું છે …
ઘેલા શેઠે બધો હિસાબ કરી લીધો . આયરોનાં નામ બોલી બોલી રૂપિયા દેવા શરૂ કર્યા . કોઈને બે વીસું , કોઈને સાત વીસું .
રાજલ અને સોનાએ બધાના પૈસા લેવા માંડ્યા.
નાગમદેના રૂપિયા લાખુના હાથમાં મૂક્યા ને છેડે બંધાવ્યા … પછી કહ્યું : વસ્તા આતાના રૂપિયા એને આપી દઈ અને હવે હાલતાં થાઈ … ખાલી ઠામ ગાડામાં મૂકી દઈં …..
પણ નાગમદે આ કશું સાંભળતી નહોતી … મોરનું ધ્યાન જેમ ધનઘોર વાદળ સામે હોય તેમ તેનું સમગ્ર મન – ચિંતન નાગવાળામાં જ સ્થિર થયું હતું .
બધાં ઠામ ગાડામાં મુકાઈ ગયાં એટલે લાખુએ નાગમદેનું બાવડું પકડીને કહ્યું : ‘નાગમ , હવે તારે ઊઠવું જોઈં.’
એક નિ:સાસો નાખીને નાગમદે ઊભી થઈ … એનું હૈયું પોકારી ઊઠ્યું …
જાતાના જુહાર,
વળતાનાં વળામણાં,
વાળા બીજી વાર
અવાશે તો આવશું
લાખુએ નાગ સામે જોઈને કહ્યું : ભાઈ રામ રામ ! હવે મેળા ક્યારે થાશે ઈ કઈ શકાય નઈ … અમે આજ વદાય લઈએ ભગવાન તને સાજો નરવો રાખે ! ’
ગાડું સાબદું થયું.
જયાં સુધી જોઈ શકાય ત્યાં સુધી નાગમદે પાછું વળી વળીને જાતી
રહી , એનાં નયનોમાં શ્રાવણ ને ભાદરવા વરસી રહ્યા હતાં … નાગવાળાનાં નયનોમાંથી પણ નીરના રેલા માળા જતો હતો.
ગામ બહાર નીકળ્યા પછી રાજલે કહ્યું : ‘નગમ , આ તને શું થઈ ગીયું ?’
‘ભાભી , તારાથી વાત છાની રાખી છે. તે ગનો માફે કરજે … સૂરજની સાખે મેં સવિયાણાના દરબાર હાર્યે લગ્ન કરી લીધો તાં … કાયાનાં નઈ મનમાં ને આતમરામનાં . આજ વિયોગ આવી પડ્યો છે . એટલે મન જરા ભારે થઈ ગાયું છે.’
રાજલે કહ્યું : ‘નાગમ, તો પછી આઈ આમ કેમ ?’
લાખુએ હાલતાં હાલતાં આખી વાત કહી સંભળાવી.
સરિધાર જેમ નજીક આવતી જતી તેમ પ્રિયતમને મળવાનો સંયોગ જાણે વેગળો થતો જતો.
સરિધાર પાસે પહોંચ્યા પછી નાગમદેએ કહ્યું : ભાભી, ગાડું ફેરમાં જાશે ને મોડું પોં’ચશે . આપણે ગરનાથ મા’દેવનાં દર્શન કરીને ઓલી કોર ઊતરી જાઈ …
વસ્તા બાપાએ કહ્યું : ‘ઈ બરાબર છે … તમે ઓલ્યે છેડે ઊતરી જાજો . મારે તો આ ધારને પરકમ્મા લઈને પોં’ચવું પડશે
એમ જ થયું . રાજલ , સોના લાખુ ને નાગમદે ગિરનાથ મહાદેવના મંદિરનાં ચઢાણ તરફ સાબદાં થયાં અને વસ્તા બાપાએ બે ગાઉના ફેરવાળા માર્ગે ગાડું હાલતું કર્યું.
પરંતુ અહીં નાગવાળાની દશા શબ્દોમાં ન મૂકી શકાય એવી બની ગઈ હતી . તેના હૈયામાં લાખુના શબ્દો ધોળાઈ રહ્યા હતા … શું બધાં ચાલ્યાં જાય છે ? શા માટે ચાલ્યાં જતાં હશે ! કઈ તરફ , જતા હશે ? આઠ દીનો વાયદો આલણદેએ આપ્યો છે … પછી હું એને સમજાવીને મળવા આવત … ભેગી આલણદેને પણ લાવત … આવી ઉતાવળ કેમ કરી હશે ? હવે શું કરવું ? હવે ક્યાં ને ક્યારે મળાશે ? અને આજ અમાસ છે એટલે આજ તો કોઈ નેસડો કાઢે નઈ … કાલ સવારે જ નીકળવાનાં હશે …
આ વિચારોની સાથે નાગમદેનો ચહેરો પણ આંખ સામે તરવરતો હતો … એ ચહેરો એવો કળાતો હતો કે હવે જાણે કોઈ દી મેળાપ થાશે.
જ નહી… અને વિરહનો વિલાપ તેના હૈયામાં ઘૂમવા માંડયો ….
ઈ ભેણાં ઈ ભંગડા,
ઈ ઝાંપો ઈ ઝોક;
હંસા ટોળાં હલ ગીયાં,
લોકાં ય ભેળાં લોક.
હેડી હવે હાલી ગઈ,
હાર્યે હાલ્યાં નુર
કાયા થઈ કપૂર
સુખીયા થાશું સાબદા,
હંસા હેડી હલ ગઈ,
તૂડી હૈયાની ઓથ;
મળજોે વે’લું મોત,
જીત્યું જીરવાય નઈ.
વ્યથાથી પીડાતો નાગવાળો દાતણ કરવું પણ વીસરી ગયો હતો . અને આલણદેએ માઢમેડીમાં આવીને કહ્યું : ‘હજી દાતણ નથી થઈ રીયું ? ’
નાગવાળાએ તરત દાતણથી ઉળ ઉતારી નાખી.
આલણદે બોલી : ‘તમે નાવણ કરી લ્યો …. અગાશીમાં પાણી મુકાવ્યું છે … પછી ભલા થઈને કાંક શિરામણ કરી લ્યો … નથી કાલે રોઢો કર્યો કે નથી રાતે વ્યાળુ કર્યું … આમ કરશો તો ક્યાં સુધી ચાલશે ?
‘આલણ, તેં મારા હાથેનો કરવાની કરી છે ! હું તને શું કઉં ? નાગમ તારી નજરૂમાં કેમ નોં સમાણી ઈ જ મને મૂંઝવે છે …’
‘ દરબાર , અંદર આવો ને અસ્નાન કરી લીયો … મારી નજરુંમાં તો તમે એક જ છો … બીજા ક્યાંથી સમાય ?’
નાગવાળો કંઈ પણ ઉત્તર આપ્યા વગર અંદર ગયો . તેને હોંશ રહી નહોતી.
અગાસીમાં બેસીને નાહી લીધું. ત્યાર પછી નિત્યના નિયમ પ્રમાણે સુરાનાથની માળા ફેરવી લીધી … પણ આજ માળા ફેરવતાં ય નાગમદે નજરે તરતી … માળાના મણકે મણકે જાણે નાગમદેનાં આંસુ પરોવાયાં હતાં.
નાહીને નાગવાળો પાછો માઢમેડીના ઢોલી પડ્યો . આલદે શિરાામણ લઈ આવી . નાગવાળાએ ઢોલીયે પડ્યાં પડ્યાં પત્ની સામે જોઈને કહ્યું : ‘આલણ , દાખડો શું કામ કરછ ? મારા ગળે એક બટકું ય ઊતરે એમ નથી.
‘કારણ તો કીયો ?’
‘તું મને સમજ નઈ ત્યાં સુધી હું કેવી રીતે ખાઈ શકું ?’
‘દરબાર, મેં સમજવાનું વચન તો આપ્યું છે . આઠમે દી તમે સમજાવજો. આમ નક્કી થયા પછી આવો અપૈયો શું કામ લ્યો છો ?’ આલણદેના મનમાં એક આશા હતી કે આઠ દી જશે એટલે નાગવાળાનું મન થીર થઈ જશે . પછી એને જે કે’વું હોય તે ભલે કીયે.
નાગવાળાના મનમાં થયું , આલણદે મારી વાત નઈં માને . તે બોલ્યો , ‘ભલે જેવી તારી મરજી.’
‘તો થોડુંક શિરામણ કરી લ્યો.’
વડચડ કરવા જતાં વળી આલણદે અકળાશે . .ને કદાચ ન કરવાનું કરી બેસશે એમ વિચારી નાગવાળો બેઠો થયો અને બોલ્યો : તારું વેણ રાખું છું . મને દૂધનું ત્રાંસળું દે … બીજું બધું પાછું લઈ જા.’
આલણદેના મનમાં થયું કે આગ્રહ કરવા જતાં વળી કમાન છટકી જાશે . ભલે દૂધ લ્યે . તેણે દૂધનું ત્રાંસળું ભરીને ધણીના હાથમાં મૂક્યું . ત્યાર પછી સોપારી ને સૂડી મૂકીને તે ચાલી ગઈ .
આ તરફ , આયરાણીઓ ગિરનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા પછી દર્શન કરીને એક ઝાડ નીચે ટીંબણ છોડીને શિરામણ કરવા બેઠી.
નાગમદેએ પણ ગઈ કાલનો રોંઢો છોડ્યા પછી કાંઈ ખાધું નો’તું
હૈયામાં તો નાગવાળો જ રમતો હતો . હૈયું પોકારતું હતું :
દન ઊગ્યે દેવળ ચડાં,
જોઉં વાળાની વાટ.
કાળજડે ઠાગા કરે,
નાડુમાં વાલો નાગ !
દી ઊગ્યે દેવળ ચડાં,
જોઉં વાલમની વાટ !
કરમે રીયો કચવાટ,
નર નરખ્યો નઈ નાગડો !
લાખુએ કહ્યું : ‘નાગમ , થોડું શિરામણ કરી લે કાલ બપોરનું તેં કાંઈ ખાધું નથી .. .બાપુનું વેણ રાખવા તે રાતે દૂધ પીધું’તું આમ નો હોય ! ’
‘ બે’ન , મારી ભૂખ મરી ગઈ છે … તમે બધું શિરામણ કરી લ્યો … હું જરા ભોળિયાનાથ પાસે જઈ આવું . ’ કહી નાગમર્દ ફરી વાર ગિરનાથ મહાદેવના મંદિરમાં ચાલી ગઈ.
રાજલે કહ્યું : ‘લાખુ , કાનસુર બાપાને વાત કરીને કાંક કરવું પડશે … આ દખ તો મેંથી જોયું જાતું નથી .’
લાખુએ કહ્યું : ‘એક બે દીમાં આપણો નેસડો નખાઈ જાય એટલે હું વાત કરીશ … નીચે પોં’ચ્યા પછી દૂધનું છાલીયું પાઈ લેશું … મન ભારે થઈ ગીયું હોય તઈં આવું સહુને થાય .
ત્રણેય આયરાણીઓએ શિરામણ શરૂ કર્યું .
અને નાગમદેએ ગિરનાથ મહાદેવના તેજસ્વી લિંગને મસ્તક અડકાડી આંસુનો અભિષેક કરતાં કરતાં કહ્યું : ‘હે બાપ ! હે ભોળિયાનાથ ! તારી છતર છાયામાં તે આ શું કરી નાખ્યું ? મારા મનમાંયે પાપનો છાંટો નો’તો પડ્યો..ને આમ કેમ થઈ ગીયું ? સાત સાત ભવથી વિખૂટાં પડેલાં બે પંખી તારી છાયામાં ભેગાં થીયાં ને મેળો વીંખાઈ ગયો ! ’
ભોળા ! ભોળાંને રીઝજે, પૂરજે કાળજ આશ, નાગમ ખોળો પાથરે, મેળવજે મારો નાગ.
‘હે ભોળિયાનાથ ! હે સર્વ દેવોના મહાદેવ … મારે કાંઈ નથી જો’તું.અમારાં ભવનાં બંધન છોડીને અમને એક કરજે … મારા નાગને સાજો નરવો રાખજે.’
આ પ્રમાણે દલનો ઊભરો મહાદેવના ખોળે ઠાલવીને નાગમદે ઊભી થઈ અને પોતાના ઓઢણામાંથી એક લીર ફાડીને તેને બે ગાંઠો વાળી શંકરભગવાનના લિંગ પાસે મૂકી.
ત્યાર પછી આંસુ લૂઈ મનને સ્વસ્થ કરી તે પાછી આવી.
સહુએ ટીકા કરી લીધાં હતાં..
અને સૂકું કેડી પકડીને બીજાની હદમાં જવા નીચે ઊતરવા માંડયા.
નીચે ઊતરો ઊતરતાં સાપુ જોઈ શકી કે નીચેના મેદાનમાં આયરો નેસડો નાખો રોંચા છે ઝુંપડા બાંધી રહ્યા છે ને ભેંસુનું પણ આસપાસ ચરી રહ્યું છે . ચરિયાણ પણ બહોળું છે .. ! નાગમોના મનમાં તો નાગપાળા સિવાય બીજા કોઈ વિચારો આવતા જ નહોતા . ઝરૂખે નાગને જોયો હતો … એના ચહેરા પર જાજો મંદવાડ બેઠો હોય એવું લાગ્યું હતું . એક રાતમાં મને શું થઈ ગીયું હશે ? એના દલની પીડા કેવી આકરી હશે ?