જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબુ ખાલિદને ઠાર માર્યો છે. ખાલિદ ગત સપ્તાહે બીએસએફ કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. પોલીસ તેને છેલ્લા કેટલાક દિવસથી શોધી રહી હતી.
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર અબૂ ખાલિદને ઠાર મારીને સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોને આ સફળતા આશરે ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણ બાદ મળી હતી. સોમવારે જ્યારે બારામુલામાં સુરક્ષાદળોની એક ટુકડી પેટ્રોલિંગ પર નીકળી ત્યારે તેના પર હુમલો થયો હતો. સેનાએ આ હુમલાનો તાત્કાલિક જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં અબૂ ખાલિદને ગોળી વાગી હતી. ઘાયલ ખાલિદે નજીકની સ્કૂલમાં છુપાયો હતો. સુરક્ષાદળોએ તેને સરેન્ડર કરવા માટે જણાવ્યું હતું. પરંતુ સુરક્ષાદળોની વાત માનવાના બદલે ખાલિદે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ સેનાએ વળતી કાર્યવાહી કરતા આતંકી ખાલિદને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર આશરે 25 મિનિટ સુધી ચાલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લડૂરામાં આતંકી અબૂ ખાલિદનું મોત જૈશ-એ-મોહમ્મદ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. કહેવાય છે કે આતંકી ખાલિદના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. સરહદ પારથી મળી રહેલી મદદથી કાશ્મીરમાં તે આતંકી પ્રવૃતિ ચલાવતો હતો.