ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળીયા: કોંગ્રેસ પક્ષ તરફથી અવચર નાકીયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થાય તેવી ચર્ચા
જસદણ વિધાનસભાની પેટાચુંટણી માટે ગમે ત્યારે જાહેરનામું પ્રસિઘ્ધ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જાણકારોના મતે સાંજે કેબિનેટ બેઠકમાં જસદણને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ જસદણ વિધાનસભાની પેટાચુંટણીની જાહેરાત કરવામાં આવનાર છે. આ બેઠકની પેટાચુંટણી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ પક્ષમાંથી રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેથી તેઓની જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી હવે આ બેઠક માટે પેટાચુંટણીની જાહેરાત થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુકયું છે.
જોકે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુકયો છે. ભાજપ તરફથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું નામ ઉમેદવાર તરીકે ફાઈનલ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામની કોઈપણ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષ ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવચર નાકીયાને પસંદ કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.
મળતી માહિતી મુજબ આજે સાંજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠકમાં ૧૩ જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવનાર છે જેમાં જસદણ તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવશે ત્યારબાદ તુરંત જ જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની જાહેરાત કરવામાં આવશે. જસદણ પેટાચુંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ પડતી હોવાથી અછતગ્રસ્તની જાહેરાત થઈ શકે તેમ ન હોય જેથી પહેલા જસદણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરીને બાદમાં તાત્કાલિક જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી જાહેર કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની જાહેરાત સાંજે કે આવતીકાલે થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
ચુંટણીપંચ દ્વારા આજરોજ બપોરે જિલ્લા ચુંટણી શાખા સાથે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ ગોઠવવામાં આવી હતી. હાલ પેટાચુંટણીની તૈયારીને લઈ જિલ્લા ચુંટણી શાખા પણ સજજ થઈ ચુકી છે. બંને પક્ષો દ્વારા ચુંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે.