વધતા જતા સ્વાઇન ફ્લુના પ્રકોપની સાથે માત્ર તંત્ર નિષ્ક્રિય છે ત્યારે ભાવનગર સર ટી હોસ્પીટલમાં આજે જસદણના બેલડા ગામના એક દર્દીને સ્વાઇન ફ્લુ ભરખી જતાં ભાવનગરનો સિઝનલ ફ્લૂ મૃત્યુ આંક 33 થયો છે. આજે સ્પેશ્યલ ઓપીડીમાં થયેલાં ચેકીંગમાંથી વધુ 1 દર્દીને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા છે અને વધુ 4 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ મળતાં અત્યારે કુલ 27 પોઝીટીવ સહિત સર ટી હોસ્પીટલમાં 36 દર્દીઓ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બેલડા ગામ ખાતે રહેતા એક 70 વર્ષિય વૃદ્ધને સ્વાઇન ફ્લુને લઇને તા.તા.6ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં સાંજે સારવાર દરમ્યાન 8 વાગ્યાના સુમારે તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહને નિયમ અનુસાર પોલીથીન બેગમાં સંપૂર્ણપણે પેક કરીને પર્સનલ પ્રોટેકટીવ કીટ સાથે મૃતકના સગાઓને સોંપાયો હતો.
અત્યાર સુધીના જીલ્લાના સ્વાઇન ફ્લુને લઇને દાખલ થયેલા કુલ કેસોનો આંક 144 થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં 82 વ્યક્તિઓની સ્થિતિ નોર્મલ થતાં તેમને રજા આપી દેવાઇ છે. જેમાં આજે એક વ્યક્તિને મળેલી રજાનો સમાવેશ થાય છે.