માતાજીના માંડવામાં જતી વેળાએ ત્રીપલ સવારી બાઈક સ્લીપ થતાં સર્જાઈ કરૂણાંતિકા
રાજકોટથી જસદણના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં જતી વેળાએ ત્રિપલ સવારી બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાજકોટના યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલાવન્ટ વિસ્તારમાં આવેલા મંચ્છાનગરમાં રહેતા નારણભાઈ ગણેશભાઈ નૈયા તેના મિત્ર સાગર સાથે હિરલ વાઘેલા સાથે બાઈક પાછળ બેસી જસદણના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં જતા હતા. ત્યારે ગોખલાણા ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નારણભાઈ નૈયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
જસદણ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. આ અંગે મૃતક નારણભાઈના ભાઈ રવિભાઈ નૈયાએ બેફિકરાઈથી બાઇક ચલાવી અકસ્માત સર્જનાર બાઈક ચાલક હિરલ ભીખાભાઈ વાઘેલા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.