જસદણ શહેરમાં બાયપાસ રોડ ઉપર આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી આજુબાજુના ગામડા અને નાના-મોટા શહેરોમાંથી ખુબજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે. તેના પ્રમાણમાં જસદણ યાર્ડમાં માલ ઉતારવા માટેની જગ્યા ટૂંકી પડતી  હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. એસ બાબતે જસદણ યાર્ડના ડીરેકટરો પ્રેમજીભાઈ એ. રાજપરા, અશોકભાઈ મહાદેવભાઈ  ચાંવ, મહાવીરભાઈ ધાધલ અને અરજણભાઈ રામાણીએ યાર્ડના સેક્રેટરીને નવી જમીન ખરીદવા માટે લેખિત રજૂઆત કરી માંગ કરી હતી. જેમાં જણાવ્યું હતું  કે ખેડૂત જગતનો તાત છે  ખેડૂત એક એવો વ્યકિત છે કે તે કણમાંથી મણ કરે છે. પરંતુ જસદણ યાર્ડમાં જગ્યા ઓછી પડતી હોવાથી ખેડૂતોને ખુબજ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે અને વરસાદી વાતાવરણ હોય ત્યારે જીવ તાળવે હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

જસદણ યાર્ડમાં જણસી ખેડૂતોને અઠવાડીયામાં ફકત બે વાર જ ઉતારવા દેવામાં આવે છે અને આ વર્ષમાં તો વર્ષ સારૂ થતા ખેડૂતોની પડેલ જણસી જેવી કે કપાસ, ચણા, મગફળી, જીરૂ, ઘઉં, ધાણા, મરયા અને અન્ય જણસીની આવક ખૂબજ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને બે-બે દિવસ લાઈનમાં રોડ પર પડયું રહેવું પડે છે તેમજ ખેડૂતને પોતાના વાહનો બે દિવસ પડ્યા રાખવા પડે છે. જે ખેડૂતને પોતાનું માલીકીનું વાહન ન હોય તેને બે દિવસના ભાડા આપવા પડે છે.

સમયસર માલ ઉતારવા ન દેતા ખેડૂત પોતે બે-બે દિવસ ટ્રેકટર, રીક્ષા, ટેમ્પો કે અન્ય વાહન પર શિયાળાની રૂતુમાં ટાઢથી ઠરતો અને હાલની ઉનાળાની ગરમી અને તડકામાં શેકાતો હોય છે. ખેડૂત રાત-દિવસ જોયા વગર વાહન પર જ સુઈ જતો હોય છે અને જયાં સુધી તેમનો વારો ન આવે ત્યાં સુધી રાત્રે કે દિવસે ગાય, પશુ કે પક્ષી વિગેરે દ્વારા માલને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.  આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે જમીન ખરીદ કરવાની દરખાસ્ત કરવી જોઈએ અને ખેડૂતોને હેરાન પરેશાન થતા બચાવવા જોઈએ. જસદણ યાર્ડમાં નવી જમીન ખરીદી કરવાથી યાર્ડને માર્કેટ શેષ ફીની આવકમાં મોટા પ્રમાણમાં થશે. વહેલી તકે યોગ્ય  કરવા રજૂઆત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.